ઉત્સવ

પુરુષપ્રધાન સમાજની બીમારી છે બળાત્કાર

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર સાથે બળાત્કારની ઘટનાએ દેશને ફરી એક વાર ઝકઝોરી નાખ્યો છે. મુશ્કેલી એ છે કે આક્રોશ વ્યક્ત કરવો તે બળાત્કારનું સમાધાન નથી. ન તો આરોપીઓને જીવતા મારી નાખવાની માગણી તેનો ઉપાય છે.

બળાત્કાર માનવીય વિકૃતિ છે. માણસમાં આદિ સમયથી અચ્છાઈ અને બુરાઈ છે. માણસની સુધારવાની પ્રક્રિયા અનંતકાળથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે. કાનૂનથી વિકૃતિ રોકાઈ નથી. ઇન ફેક્ટ, બળાત્કાર કાનૂન-વ્યવસ્થાનો પ્રશ્ર્ન નથી. એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સામાજિક જાગૃતિ વગર, એકલા હાથે કાનૂન કશું કરી નહીં શકે.

બળાત્કારના અપરાધ બદલ મોતની સજા કરવાથી એક આરોપીનો ન્યાય તો તોળાય છે પણ એ ભવિષ્યના આરોપીઓને બળાત્કાર કરતાં રોકે છે ખરા ? આ એક પ્રશ્ર્ન પર આપણો સામાજિક અને રાજકીય સમુદાય વિચાર કરતો નથી, કારણ કે તેમાં લોકોની માનસિકતા બદલવાની વાત છે અને તેમાં વર્ષો નહીં , દાયકાઓ લાગી જાય છે અને એટલું લાંબું વિચારની આપણામાં ન તો ધીરજ છે અને ન તો કુનેહ એટલે દરેક બળાત્કાર વખતે આપણે આક્રોશ વ્યક્ત કરીને આરોપીને કડકમાં કડક સજાની માગણી કરીને સંતોષ માની લઈએ છીએ ને ફરી જયારે બળાત્કાર થાય ત્યારે સફાળા બેઠા થઇ જઈને આક્રોશ કરવા લાગીએ છીએ.

હકીકત એ છે કે તાત્કાલિક ફાંસી નથી અપાતી એટલે બળાત્કાર થાય છે એવું નથી. બળાત્કારનાં મૂળિયાં તેનાથી ઊંડા અને આપણી આજુબાજુમાં છે. આપણે તેનાથી આંધળા હોઇએ છીએ અને કોઈ સ્ત્રી ભોગ બને ત્યારે જ આંખો ચોળતા જાગીએ છીએ. બળાત્કાર માટે નિરંકુશ સેક્સુઅલ વાસના, સેક્સુઅલ હતાશા, પુરુષસત્તાક વ્યવસ્થા સામે આવેલા પડકારો, મહિલાઓને મળી રહેલી આઝાદી, અસુરક્ષાની ઊંડી ભાવના, પરંપરાને પડકારતી સ્ત્રીને નહીં સ્વીકારવાની પુરુષની જીદ અને આધુનિક જીવનનું ૨૪ કલાકનું સેક્સુઅલાઈઝેશન જવાબદાર છે. એના માટે શું કરશો?

સ્ત્રીઓએ અને સ્ત્રીઓની ચિંતા કરવાવાળાઓએ આ ખાસ વિચારવું પડશે કે હિંસક મર્દાનગી (બળાત્કાર)નો પ્રોબ્લેમ, હિંસક મર્દાનગી (હત્યા)થી નહીં ઉકેલાય, તે વધુ સંગીન થશે. હિંસા બેધારી તલવાર છે એવી સાદી સમજ પણ આપણને નથી તે આશ્ર્ચર્યની વાત છે. આ કારણથી જ સ્ત્રી અધિકારો માટે લડનારા લોકો મૃત્યુદંડની સજાની ખિલાફ છે, જ્યારે બળાત્કાર બદલ જાહેરમાં લટકાવોની માગણી કરતા પુરુષો જ બહુ આસાનીથી સ્ત્રીઓનો રેપ કરવાની ધમકીઓ ઉચ્ચારે છે-સ્ત્રીઓ માટે પ્રતિબંધો ફરમાવે છે અને ખાનદાનની ઈજજત બચાવવા એનું ઓનર-કિલિંગ કરે છે. જાહિલ સમાજોમાં બળાત્કાર કરવાનો અને હત્યા કરવાનો એકાધિકાર પુરુષો પાસે રહ્યો છે તેનાથી ઇતિહાસ ભરેલો છે.

‘રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ’ ના પૂર્વ વડા એ. કે. વર્માએ અગાઉ એક લેખમાં લખ્યું હતું કે બળાત્કારને રોકવાનો ઉપાય ફાંસીની સજા નથી. એમણે લખ્યું હતું કે, અન્ય પ્રાણીઓની જેમ, માણસ ચાર વૃત્તિ લઇને પેદા થાય છે: ભૂખ, ડર, આક્રમણ અને વાસના. પ્રજાતિ જીવતી રહે, ટકી રહે તે માટે પ્રકૃતિએ આ નુસખો અજમાવ્યો છે. જ્યારે સામાજિક કે ન્યાયિક નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે આ વૃત્તિઓ અપરાધના દાયરામાં આવી જાય છે.’

બળાત્કારને લઇને આપણી ગૂંચવણ એટલી જ ‘સ્પષ્ટ’ છે જેટલી વાસના અથવા સેક્સને લઇને છે. ચારેય વૃત્તિમાંથી કામવાસના સૌથી પ્રચંડ અને અઘરી વૃત્તિ છે. અમેરિકાની ‘ક્ધિસે ઇન્સ્ટિટ્યુટે’ એક સર્વેમાં કહેલું કે માણસ (સ્ત્રી અને પુરુષ) દિવસમાં એક વખત સેક્સનો વિચાર કરે છે. હોલીવૂડ સ્ટાર ડસ્ટીન હોફમેને એક વાર કહ્યું હતું કે એને દર ૭ સેક્ધડે સેક્સુઅલ વિચારો આવે છે. સ્વામી વિવેકાનંદ માટે કહેવાય છે કે એ કામવૃત્તિથી એટલા પરેશાન થઇ ગયા હતા કે એને ઠારવા માટે સળગતા સ્ટવ પર બેસી ગયા હતા. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડી, જે એનાં સેક્સ સાહસો માટે કુખ્યાત છે, કહેતા હતા કે ‘મને દર ત્રણ દિવસે સ્ત્રીનો સહવાસ ન મળે તો માથું દુખવા લાગે છે.’

સેક્સનું શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન અઘરું છે. આપણે એને સહજ અને સરળતાથી સ્પર્શી શકતા નથી. સેક્સને લઇને આપણા પબ્લિક અભિગમો આત્યંતિક છે. આપણે એના વિશે ઠંડે કલેજે’ વિચારી શકતા નથી. નિર્ભયા રેપ કેસમાં પબ્લિકનો ગુસ્સો પુણ્યપ્રકોપ કરતાં સેક્સ પ્રત્યેની આપણી બેબસી વધારે હતી. ભારતમાં આમેય મોટાભાગના લોકોને મનોવિજ્ઞાન સાથે કોઇ લેવાદેવા નથી. સોચ-વિચારની આપણી પરંપરામાં દાર્શનિક અને આધ્યાત્મિકની બુનિયાદ એટલી ઠોસ છે કે આધુનિક મનોવિજ્ઞાન આજેય જગ્યા લઇ શક્યું નથી.
મોટાભાગના લોકો માટે મન અથવા મગજ આજે પણ ઇશ્ર્વરીય અનુમાનનો વિષય છે. શરીરની વેદનાની જેમ મનની કે વિચારોની વેદનાની પણ ડોક્ટરી થઇ શકે છે તેવું ભણેલા-ગણેલા ભારતીયોય માનતા નથી.

બ્રિટિશ ફિલ્મમેકર લેસ્લી ઉડવિને એની ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયાઝ ડોટર’માં નિર્ભયા ગેંગરેપના આરોપી મુકેશ સિંઘનો ઇન્ટરવ્યૂ એટલા માટે જ કર્યો હતો, જેથી એક બળાત્કારીની માનસિકતા શું હોય છે તે સમાજ સમક્ષ મૂકી શકાય.

પૂર્વજન્મનાં કર્મો અને પાપ-પુણ્યમાં માનતી આમજનતાથી લઇને ખાસ જનતા (સરકાર)ને આ ડોક્યુમેન્ટરી પાછળ ભારતને ‘બદનામ’ કરવાનું કાવતરું દેખાયું અને એના પર તત્કાળ પાબંધી આવી ગઇ. ભાજપની સાંસદ અને પ્રવક્તા મીનાક્ષી લેખીએ તો એમ પણ કહ્યું કે બળાત્કારીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવાથી ભારતના ટૂરિઝમ પર અસર પડશે! ભારતના લોકોને મગજની ‘ટૂર’ કરતા દેશના ટૂરિઝમમાં વધુ રસ છે એ સાબિતી છે કે બળાત્કાર કેમ થાય છે. તેનાં (માનસિક) કારણોમાં જવા કરતાં મુકેશ સિંઘને ફાંસીએ ચડાવીને ‘ગંગા નાહ્યા’નો અહેસાસ કરવાનું આપણને વધુ અનુકૂળ છે. કેટલાંક સત્ય ખરેખર નગ્ન હોય છે અને એની સ્વીકૃતિ આસાન નથી હોતી. સામાજિક, રાજકીય કે આર્થિક સચ્ચાઇને નજર અંદાજ કરવાની આપણી શાહમૃગીય વૃત્તિ દુનિયાભરમાં મશહૂર છે. તકલીફ દેહ હકીકતોનો સામનો કરીને એને સમજવાનો પ્રયાસ કરવાને બદલે આપણે પ્રતિબંધોના બુરખામાં છુપાઇ જવાનું વધુ પસંદ કરીએ છીએ.

દરેક અપરાધ અનૈતિક હોય છે, દરેક હિંસા પાપાચાર છે. તમે ક્યારેય કોઈને એવું કહેતાં જોયો છે કે કોઈકને પીડા પહોંચાડવી એ યોગ્ય છે? કોઈ વ્યક્તિ હિંસા કરે ત્યારે આપણે એને શિસ્તના, સદાચારના, સંયમના બ્રેકડાઉન તરીકે અથવા પરપીડક માનસિક બીમારી તરીકે જોઈએ છીએ. આપણને એ જાણીને તસલ્લી થાય છે કે, સભ્ય સમાજમાં સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વર્તન વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે, પરંતુ રોજિંદી જિંદગીમાં આવું થતું નથી. આપણે અમુક અપરાધને ઉચિત ઠેરવાતા પણ જોઈએ છીએ. કોઈને પીડા થાય ત્યારે એ જ લાગનો છે એવું આપણે બોલીએ છીએ. જઘન્ય અપરાધમાં પણ આવી જ લાગણી જોવા મળે છે : ‘સારું’ થયું. એ જ લાગનો હતો.

આપણે જે નૈતિકતાનું પાલન કરીએ છીએ તેનાથી અપરાધ રોકાતો નથી. ઇન ફેક્ટ, ઘણા બધા અપરાધ તો નૈતિક મોટિવેશનમાંથી જ આવ્યા હોય છે. દાખલા તરીકે કોઈની હત્યા કરવી એ સદાચાર નથી, પરંતુ યુદ્ધમાં કોઈનો સંહાર કરવો એ સંપૂર્ણપણે જાયજ છે, કારણ કે એની પાછળ એ જ લાગનો છે ‘વાળી નૈતિકતા કામ કરે છે.’

જમ્મુના કઠુઆ જિલ્લામાં રેપ અને હત્યા પછી એના ગુનેગારોના સમર્થનમાં જે લોકો ઊભા થઇ ગયા હતા તેમની માનસિકતામાં આ ઉચિત હિંસા’ વાળી નૈતિકતા હતી. આ ઘટના પછી ભારતનો જે ચહેરો સામે આવ્યો છે તે સમજવા જેવો છે. બળાત્કાર અને હત્યાની આ ઘટના પહેલીવારની નહોતી, પણ આપણે જે રિસ્પોન્સ આપ્યો એ અનન્ય હતો. પહેલીવાર બળાત્કારીઓ/હત્યારાઓને છોડાવવા રેલી નીકળી. પહેલીવાર આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ ના થાય તે માટે વકીલોએ દેખાવો કર્યા. પહેલીવાર પીડિતા અને આરોપીઓનો ધર્મ ચર્ચાયો.

કોલકાતામાં બળાત્કારની ઘટનામાં પણ અંતે તો રાજનીતિ જ થઇ. તેમાં ભોગ બનેલી સ્ત્રીના પરિવાર કે દેશની લાખો સ્ત્રીઓની સંવેદના પર ધ્યાન આપવાના બદલે એકબીજા સામે રાજકીય સ્કોર સેટલ કરવાની રમત રમાઈ. આપણે બળાત્કાર માટે કેટલા ગંભીર અને સંવેદનશીલ છીએ તેનો વધુ એક પુરાવો મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button