સુપ્રીમ કોર્ટના આદેશથી ડૉક્ટરો પરના હુમલા બંધ થશે ખરા?
કોલકાતાનાં લેડી ડૉક્ટરના પાશવી બળાત્કાર-હત્યા પછી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સત્તાવાળાઓને તબીબોની ચુસ્ત સુરક્ષામાં કોઈ કચાશ નહીં રાખવા ફરમાન તો કર્યું છે, પણ…
કવર સ્ટોરી -વિજય વ્યાસ
કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેની ડોક્ટર પર પાશવી બળાત્કાર અને પછી હત્યાની ઘટના સામેનો આક્રોશ હજુ શમ્યો નથી. દેશનાં બીજા ભાગના ડોક્ટરો વિરોધમાં જોડાયા અને હડતાળ પણ પાડી, પણ ધીરે ધીરે બધે હડતાળ સમેટાઈ ગઈ છે. કોલકાતામાં પણ સુપ્રીમ કોર્ટની અપીલના પગલે છેલ્લે છેલ્લે હડતાળ સમાપ્ત થઈ જતાં હડતાળનો મુદ્દો સમાપ્ત થયો, પણ ડોક્ટરોની સુરક્ષાનો મામલો હજુ ઊભો જ છે. આ હડતાળની આગેવાની યુનાઈટેડ ડોક્ટર્સ ફ્રન્ટ એસોસિએશન (UDFA) એ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ડોક્ટરોની સુરક્ષા માટેનાં તમામ પગલાં લેવા ફરમાન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે રાજ્ય સંચાલિત આરજી કાર મેડિકલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના પગલે શરૂ કરાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા પહેલાં જ કહી દીધું છે. ‘યુનાઈટેડ ડોક્ટર્સ ફ્રન્ટ એસોસિએશન’ આ ચર્ચાઓમાં મુખ્ય હિસ્સેદાર રહેશે.
સુપ્રીમ કોર્ટે એ પછી એક કદમ આગળ વધીને તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓને પણ સુનાવણીમાં જોડાવવાનો આદેશ આપીને ડોક્ટરોની સુરક્ષામાં કોઈ કચાશ નહીં રાખવા ફરમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ, હોસ્પિટલો અને કોલેજોમાં સલામતી માટેનાં લઘુતમ ધારાધોરણો સ્થાપિત કરીને લાગુ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
આ ઉપરાંત તમામ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ, હોસ્પિટલો અને કોલેજોમાં સીસીટીવી કેમેરા અને કોલ ડિસ્ટ્રેસ સિસ્ટમ ગોઠવવાની પણ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોના શાંતિપૂર્ણ દેખાવના અધિકારને પણ માન્યતા આપીને ખાતરી આપી છે કે આ ચુકાદા પહેલાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા ડોકટરો સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી માટે કડક સમયમર્યાદા લાદી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સત્તાવાળાઓ સાથે મળીને એક સપ્તાહની અંદર ચર્ચા પૂરી કર્યા પછી બે અઠવાડિયામાં તાત્કાલિક અમલીકરણ કરવાનું રહેશે. મતલબ કે, ત્રણ અઠવાડિયામાં ડોક્ટરોની સુરક્ષા માટેનાં તમામ પગલાં લેવાનાં રહેશે.
કોલકાત્તાની ઘટના પછી નર્સો અને રેસિડેન્ટ ડોક્ટર્સની ફરિયાદ આર.જી. કાર મેડિકલ કોલેજની સુરક્ષામાં ખામીને લઈને હતી,જેમકે, હોસ્પિટલ પરિસરમાં પૂરતા સીસીટીવી કેમેરા નથી કે ૨૪ કલાક સર્વેલન્સ નથી. આ અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં વહીવટી તંત્ર એક કાનેથી સાંભળીને બીજા કાનેથી વાત કાઢી દેતું હતું. આ લાલિયાવાડીના કારણે આ ગંભીર અપરાધ થયો છે તેથી તેના માટે હોસ્પિટલના કારભારીઓ સામે કેસ કરીને એમને જેલમાં ધકેલવા જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટે માત્ર આર. જી. કાર હોસ્પિટલના બદલે દેશની તમામ હોસ્પિટલમાં ડોક્ટરો તથા બીજા સ્ટાફની સુરક્ષાની ચિંતા કરીને રાજ્ય સરકારોને પગલા લેવા કહીને સારું કર્યું છે.
સુપ્રીમ કોર્ટે હકારાત્મક વલણ અપનાવ્યું છે તેમાં શંકા નથી તેના કારણે દેશભરની મેડિકલ કોલેજો કે હોસ્પિટલોમાં ડોક્ટરો સલામત થઈ જશે એવું પણ માનવાને કારણ નથી. કારણ એ કે, કાયદો અને વ્યવસ્થા એ રાજ્યોનો વિષય છે અને રાજ્યો પાસે એટલા પ્રમાણમાં સ્ટાફ જ નથી કે, હોસ્પિટલો કે કોલેજની સુરક્ષામાં તૈનાત કરી શકાય. રાજ્ય સરકારોના તાબા હેઠળની પોલીસ કે એસઆરપી સહિતની એજન્સીઓ રાજ્યોમાં થતા અપરાધોને રોકી શકતી નથી કેમ કે તેની પાસે પૂરતો સ્ટાફ જ નથી. રાજ્યો પાસે અપરાધોની તપાસ સમયસર કરવા માટે જ પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી હોતો. પોલીસનો મોટા ભાગનો સ્ટાફ પણ વીઆઈપીઓની સરભરામાં ને બીજાં કામોમાં તૈનાત હોય છે. એ બધું સમય અને શક્તિનો બગાડ છે, પણ ભારતમાં વીઆઈપી કલ્ચરનું દૂષણ એ હદે ઘૂસી ગયું છે કે તેને દૂર કરી શકાય તેમ નથી. આ માહોલમાં પોલીસ પાસે હોસ્પિટલો કે કોલેજોને વધારાની સુરક્ષા માટેનો સ્ટાફ આપવો શક્ય નથી.
કેન્દ્ર સરકાર હસ્તકની ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)’ સહિતની કોલેજ-હોસ્પિટલોની સલામતીની જવાબદારી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીય સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના માથે હોય છે. ‘સીઆઈએસએફ’ના માથે કેન્દ્ર સરકારનાં ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ વગેરેની સુરક્ષાની જવાબદારી પણ છે. એમને જવાબદારી સોંપાય તો પ્રમાણમાં અસરકારક રીતે સુરક્ષા જળવાય એ ખરું, પણ કેન્દ્ર પાસે એટલો સ્ટાફ નથી. કેન્દ્ર સરકાર ‘સીઆઈએસએફ’ મા વધારાનો સ્ટાફ ભરીને સલામતી આપી શકે, પણ કેન્દ્ર સરકાર એવો બોજ ઉપાડવા તૈયાર થાય એ વાતમાં માલ નથી. રાજ્ય સરકારો પણ કેન્દ્રને ‘સીઆઈએસએફ’ માટે નાણાં આપી શકે તેમ નથી.
રાજ્ય સરકારો પાસે બીજો રસ્તો ખાનગી એજન્સીઓને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. અત્યારે એ જ કરાઈ રહ્યું છે , પણ તેમાં ભલી વાર નથી. ખાનગી એજન્સીઓના સિક્યુરિટીવાળાને લોકો ગાંઠતા નથી કેમ કે એમની પાસે કોઈ સત્તા હોતી નથી. કોન્ટ્રાક્ટરોને પણ પોતાનાં ઘર ભરવામાં રસ હોય છે તેથી પૂરતો સ્ટાફ રાખતા નથી કે સર્વેલન્સની પૂરતી સગવડો કરતા નથી તેથી એમના ભરોસે રહેવાય એમ નથી. સ્વૈચ્છિક સંગઠનોની મદદ લેવાનો પણ વિકલ્પ છે, પણ તેમાં તો વળી મોટો ખતરો છે.
કોલકાત્તામાં ડોક્ટર પર બળાત્કારના કેસમાં પકડાયેલો સંજય ઘોષ સ્વયંસેવક હતો ને એણે જ આ બહુ મોટો કાંડ કરી દીધો એ જોતાં એ જોખમ તો લેવા જેવું જ નથી.
ટૂંકમાં સુપ્રીમ કોર્ટે સુરક્ષાની ખાતરી તો આપી દીધી, પણ ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ હજુ પણ ભગવાન ભરોસે જ છે.
કોલકાતામાં બનેલી ઘટના અલગ કિસ્સો છે કેમ કે આ કિસ્સામાં ટ્રેની ડોક્ટર યુવતીને ટાર્ગેટ કરવામાં આવી હોય એવું વધારે લાગે છે. હવસખોરીના કારણે કે બીજા કોઈ કારણસર યુવતીને દાઢમાં રાખીને એને નિશાન બનાવવામાં આવી હોવાની શક્યતા વધારે છે. આ પ્રકારની ઘટનાઓ તો જડબેસલાક સિક્યુરિટી અને સર્વેલન્સ હોય તો જ રોકી શકાય.
ભારતમાં હજારો હોસ્પિટલો છે. આર.જી. કાર જેવી મોટી હોસ્પિટલ કમ કોલેજની સંખ્યા જ હજાર કરતાં વધારે છે. આ તમામ હોસ્પિટલમાં સિક્યુરિટી- સર્વેલન્સ કડક કરવાં પડે , પણ કમનસીબે સરકારને તેમાં રસ નથી. સરકાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવે છે પણ પછી એમની સુરક્ષા માટે ખર્ચ કરવાનો આવે ત્યારે પેટમાં દુ:ખે છે.
આ માનસિકતા બદલાય તો જ ડોક્ટરો સહિતનો સ્ટાફ મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં સુરક્ષિત બને, બાકી ત્યાં સુધી ડોક્ટરોએ પોતે જ સતર્ક રહીને સ્વરક્ષણ માટે તૈયાર રહેવું પડશે.