ગેરકાયદે અટકાયત પોલીસની તુમાખી સૂચવે છે: હાઈ કોર્ટ
બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો સરકારને આદેશ
મુંબઈ: જામીનપાત્ર ગુનો હોવા છતાં સંગીત શિક્ષકની ધરપકડ કરી તેમને ગેરકાયદે અટકાયતમાં રાખવા એ પોલીસની તુમાખી અને સંવેદનશીલતાનો અભાવ સૂચવે છે એમ જણાવી બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારને એ શિક્ષકને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે નીલમ સંપતે દાખલ કરેલી અરજી સંદર્ભે ચુકાદો આપ્યો હતો અને પોલીસે ગેરકાયદે તેના પતિ નીતિન સંપતને ગેરકાયદે અટકમાં રાખ્યો હતો અને તેનો અપરાધ જામીનપાત્ર હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી એમ જણાવ્યું હતું.ખંડપીઠે ચુકાદામાં જણાવ્યું હતું કે ’બંધારણની કલમ ૨૧ હેઠળ જામીન પાત્ર અપરાધમાં જામીન પર છૂટવાના નીતિનના અધિકારનું આ ગંભીર ઉલ્લંઘન છે તેમજ અત્યંત આવશ્યક હોય તો જ આવા કેસમાં ધરપકડ કરવી એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું આ સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ કેસની વિગતો પોલીસની તુમાખી દર્શાવે છે. પોલીસમાં સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. એટલું જ નહીં કાયદાકીય જોગવાઈઓ અંગે તેમનું અજ્ઞાન પણ દર્શાવે છે. પોલીસના આ પગલાંને કારણે અરજદારના પતિ નીતિંનને શારીરિક અને માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે.’અદાલતે એમ પણ જણાવ્યું હતું કે અરજીમાં વળતરની માગણી નથી કરવામાં આવી પણ અદાલતનું માનવું છે કે માત્ર કાયદાના ભંગ બદલ નહીં, બંધારણની કલમ ૨૧ હેઠળ તેના મૂળભૂત અધિકારની અવગણના કરવા બદલ પણ વળતર આપવું જ જોઈએ. (પીટીઆઈ)