દાદરમાં ઉદ્ધવ, પુણેમાં શરદ પવાર અને પુણે સ્ટેશને કૉંગ્રેસના દેખાવો
બંધ પર હાઇ કોર્ટના પ્રતિબંધ બાદ વિરોધ પ્રદર્શન યોજી સંતોષ માન્યો
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં મહાવિકાસ આઘાડી દ્વારા જાહેર કરવામાં આવેલા બંધ ઉપર હાઇ કોર્ટે પ્રતિબંધ મૂકતો ચુકાદો આપતા વિરોધ પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) તેમ જ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) દ્વારા શનિવારે રાજ્યમાં સાર્વત્રિક વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવ્યા હતા.
બદલાપુરની ઘટના સામે વિરોધ નોધાવનારા વિપક્ષોએ જાણે એક પ્રકારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાની શક્તિનો પરચો દેખાડવા માટે શક્તિપ્રદર્શન કર્યું હોય તેવું જણાતું હતું. આ ઉપરાંત અમુક ઠેકાણે સત્તાધારી મહાયુતિના પક્ષો દ્વારા પણ બદલાપુરની ઘટનાના વિરોધ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: નાયગાંવમાં બદલાપુરવાળી: નાયગાંવની સ્કૂલમાં કૅન્ટીનના સગીર કર્મચારીએ બાળકી સાથે કર્યું કુકર્મ
હાથ પર તેમ જ માથા પર કાળી પટ્ટી બાંધી વિપક્ષોના નેતાઓ અને કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવી મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી. દાદરમાં શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓએ, પુણેમાં શરદ પવાર અને તેમના પુત્રી સુપ્રિયા સુળેની આગેવાની હેઠળ તેમની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ જ્યારે પુણે સ્ટેશન ખાતે આંબેડકરની પ્રતિમા પાસે કૉંગ્રેસના નેતા મોહન જોશી અને રવીન્દ્ર ધંગેકરના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને મહિલાઓ સાથે થતા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં સાડા ત્રણ અને ચાર વર્ષની માસૂમ બાળકીઓ સાથે વિકૃત નરાધમ દ્વારા દુષ્કરમ આચરવામાં આવ્યું ત્યારે રાજ્ય સહિત આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો હતો અને 24 તારીખે શનિવારે આ ઘટનાના વિરોધમાં વિપક્ષો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, હાઇ કોર્ટે બંધને ગેરબંધારણીય ગણાવી તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જેને પગલે મહાવિકાસ આઘાડીના પક્ષોએ બંધના બદલે વિરોધ પ્રદર્શનો અને દેખાવો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.