ભારે વરસાદને કારણે પુણેમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકો હતા સવાર
પુણેઃ શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે મુંબઇથી હૈદરાબાદ જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું . હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા.
હેલિકોપ્ટર નીચે પડ્યા બાદ નજીકના ગ્રામજનોએ પોલીસની મદદથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 3ને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે પાઈલટને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હેલિકોપ્ટર ગ્લોબલ વેક્ટ્રા કંપનીનું છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી,” એમ અધિકારીએ જણાવ્યું હતું.
પુણે ગ્રામીણ વિભાગના પોલીસ અધિક્ષક (SP) પંકજ દેશમુખે જણાવ્યું હતું કે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર 3 લોકોને લઈને મુંબઈના જુહુ વિસ્તારથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. દરમિયાન પુણેના પૌડ ગામની ઉપરથી પસાર થતી વખતે ભારે વરસાદને કારણે પાયલટે કાબૂ ગુમાવતા તે એક ખેતરમાં ક્રેશ થયું હતું. જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે નજીકમાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હવે સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર ક્રેશ થતું જોઈ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ઉડતી વખતે અચાનક નીચે આવવા લાગે છે અને પછી ઝાડ સાથે અથડાઈને સીધુ જમીન પર પડી જાય છે.
એસપી દેશમુખે જણાવ્યું હતું કે, ક્રેશ થયેલા હેલિકોપ્ટર AW 139માં કેપ્ટન આનંદ ઉપરાંત ધીર ભાટિયા, અમરદીપ સિંહ અને એસપી રામ સવાર હતા. આ અકસ્માતમાં કેપ્ટન આનંદને ગંભીર ઈજાઓ થઈ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.