બંધને નિષ્ફળ બનાવવો એ સરકારનું કાવતરું, પોતે અરજી કરાવીઃ સંજય રાઉત
મુંબઈ: બદલાપુરમાં બે બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં શનિવારે મહાવિકાસ આઘાડી દ્વારા રાજ્યભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના પર બોમ્બે હાઇ કોર્ટે પસ્તાળ પાડી હતી. જોકે, હાઇ કોર્ટે બંધની પરવાનગી ન આપતા આ બંધનું સૂરસૂરિયું થઇ જતા વિપક્ષે સરકારને જવાબદાર ઠેરવી છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે બંધને રોકવા પાછળ સરકારનો હાથ હોવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે સરકારે બંધને રોકવા માટે પોતાના ‘પ્રિય’ અરજદાર મારફત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરાવી હતી. સંજય રાઉત સામાજિક કાર્યકર તેમ જ વકીલ ગુણરત્ન સદાવર્તે તરફ ઇશારો કરી રહ્યા હતા. સદાવર્તેએ જ હાઇ કોર્ટમાં બંધ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાઇ કોર્ટે શુક્રવારે બંધની વિરુદ્ધના ચુકાદો આપ્યો હતો અને બંધના કારણે વેપાર-ધંધાનું મોટાપાયે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે વિપક્ષો દ્વારા પોકારવામાં આવેલા બંધને પાછો ખેંચવો પડ્યો હતો.
સંજય રાઉતે હાઇ કોર્ટના આદેશને પગલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આપણો અવાજ આ રીતે દબાવી દેવાશે તો દેશમાં લોકશાહીનું શું થશે? બંધ લોકોમાં રહેલા ગુસ્સાનું એક સ્વરૂપ છે.
હાઇ કોર્ટના આદેશને પગલે મહાવિકાસ આઘાડીએ તે અદાલતના ફેંસલાનું સન્માન કરીને રાજ્યભરમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરશે તેવું નક્કી કર્યું હતું અને શનિવારે વિવિધ વિસ્તારોમાં દેખાવો કર્યા હતા.