વેપાર

ડૉલર સામે રૂપિયામાં ૧૪ પૈસાની વૃદ્ધિ

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મક્કમ વલણ ઉપરાંત વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસાના સુધારા સાથે ૮૩.૦૫ના મથાળે રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૧૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૩ અને ઉપરમાં ૮૩.૦૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૪ પૈસાના સુધારા સાથે ૮૩.૦૫ના મથાળે બંધ રહ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં દેશની ચાલુ ખાતાની ખાધ જે ગત સાલના સમાનગાળામાં જીડીપીનાં ૨.૧ ટકા અથવા તો ૧૭.૯ અબજ ડૉલરના સ્તરે હતી તે ઘટીને જીડીપીના ૧.૧ ટકા અથવા તો ૯.૨ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાના રિઝર્વ બૅન્કના અહેવાલ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૫૨ ટકા ઘટીને ૧૦૫.૬૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૨૦.૦૯ પૉઈન્ટ અને ૧૧૪.૭૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે બ્રિેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૩૬ ટકા વધીને બેરલદીઠ ૯૫.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૩૬૪.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button