શેર બજાર

મેટલ અને એનર્જી શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સમાં ૩૨૦ પૉઈન્ટનું અને નિફ્ટીમાં ૧૧૪ પૉઈન્ટનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલના અમેરિકાનાં અને આજના યુરોપનાં બજારોનાં પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે મેટલ અને એનર્જી ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલીને ટેકે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૬૪૩.૩૩ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૦૨.૭૦ પૉઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યા બાદ છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સત્રના અંતે સેન્સેક્સ ૩૨૦.૦૯ પૉઈન્ટના અને નિફ્ટી ૧૧૪.૭૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૮૫.૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨૭૫૧.૪૯ કરોડની ચોખ્ખી લેવાલીનો ટેકો મળ્યો હતો.

આજે સત્રના આરંભે સેન્સેક્સ ગઈકાલના ૬૫,૫૦૮.૩૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૬૫,૭૪૩.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૫,૫૭૦.૩૮ અને ઉપરમાં ૬૬,૧૫૧.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૯ ટકા અથવા તો ૩૨૦.૦૯ પૉઈન્ટ વધીને ૬૫,૮૨૮.૪૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી ગઈકાલના ૧૯,૫૨૩.૫૫ના બંધ સામે ૧૯,૫૮૧.૨૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૯,૫૫૧.૦૫ અને ઉપરમાં ૧૯,૭૨૬.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૯ ટકા અથવા તો ૧૧૪.૭૫ પૉઈન્ટ વધીને ૧૯,૬૩૮.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૧.૩૧ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭ ટકા વધીને બંધ રહ્યો હતો. ગઈકાલના કડાકા બાદ આજે બજાર અંદાજે અડધા ટકાના સુધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું જોકે, સત્રના છેલ્લા એક કલાક દરમિયાન નફારૂપી વેચવાલી રહેતાં અમુક અંશે સુધારો ધોવાઈ ગયો હોવાનું રેલિગેક બ્રોકિંગ લિ.ના ટેક્નિકલ રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટે જણાવ્યું હતું, જ્યારે જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે એકંદરે મંદીનો માહોલ અને મંદીને ખાળવા માટેનાં ચોક્કસ પરિબળોનો અભાવ રહ્યો હોવા છતાં આજે બાઉન્સબૅક જોવા મળ્યું છે.

આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૩૦ ટકાનો સુધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા મોટર્સમાં ૨.૬૭ ટકાનો, સન ફાર્મામાં ૨.૩૮ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૭૮ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૪૮ ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૪૭ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૦.૫૬ ટકાનો ઘટાડો એચસીએલ ટૅક્નોલૉજિસમાં જોવા મળ્યો હતો. આ સિવાય ટૅક મહિન્દ્રામાં ૦.૫૨ ટકા, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૪૫ ટકા, ટિટાનમાં ૦.૩૫ ટકા, ઈન્ફોસિસમાં ૦.૩૧ ટકા અને એશિયન પેઈન્ટ્સમાં ૦.૨૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૨૫ ટકાનો અને ટૅક્નૉલૉજી ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. જેમાં બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં ૨.૭૧ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૨.૨૨ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૮૬ ટકાનો, પીએસયુ ઈન્ડેકસમાં ૧.૭૯ ટકાનો ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૩૦ ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં ૧.૧૬ ટકાનો સુધારો આવ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૦.૨૭ ટકા અથવા તો ૧૮૦.૭૪ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૦.૧૮ ટકા અથવા તો ૩૫.૯૫ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો છે.

આજે એશિયાના બજારોમાં ટોકિયોની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી, જ્યારે હૉંગકૉંગ, શાંઘાઈ, તાઈવાન અને સિઉલના બજારો બંધ રહ્યા હતા. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને ગઈકાલે અમેરિકાના બજાર પણ સુધારા સાથે બંધ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button