અમદાવાદઆપણું ગુજરાતઉત્સવસ્પેશિયલ ફિચર્સ

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસઃ ઉજવણી સાથે ચિંતન કરવાનો પણ આ દિવસ છે…

અમદાવાદઃ આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. ભાષા માત્ર બોલવા માટે નથી, જોડવા માટે પણ છે. ભાષા વ્યક્તિને વ્યક્તિથી, વ્યક્તિને પરંપરા, રીતભાત, સ્થળથી પણ જોડે છે. દર બાર કોષે બદલાતી ભાષાઓનું રાજ્ય એટલે ગુજરાત ને આ ગુજરાતની ગુજરાતી ભાષાને ઉજવવાનો આજે દિવસ છે, પણ જે રીતે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા નબળી પડી રહી છે, વિસરાઈ રહી છે તે જોતા આજનો દિવસ માત્ર ઉજવણી જ નહીં પણ ચિંતન-મનન કરવાનો પણ છે જ.

આજે શા માટે મનાવાઈ છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. તેમની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 24મી ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યને, ગુજરાતી ભાષાને આગળ વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં કવિ નર્મદે વિશેષ ભૂમિકા ભજવી છે. તેમણે ગુજરાતી ભાષાને શબ્દકોષ આપ્યો છે. તેમનું સાહિત્ય, તેમના દ્વારા લખવામાં આવેલા ગીતો આજે પણ લોકોના મુખે સાંભળવા મળે છે. કવિ નર્મદ દ્વારા રચવામાં આવેલી રચનાઓ શ્રેષ્ઠ છે પરંતુ તેમની સૌથી વધારે પ્રચલિત રચના કોઈને પૂછવામાં આવે તો તે કહેશે – જય જય ગરવી ગુજરાત… દીપે અરુણું પ્રભાત જય! જય! ગરવી ગુજરાત!

સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું હોય, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24મી ઓગસ્ટ 1833માં જન્મેલા કવિ નર્મદએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે.

શા માટે જરૂરી છે ચિંતન કરવાનું

વર્ષ 1870ના દાયકામાં કોઈએ જ્યારે કલ્પના નહીં કરી હોય ત્યારે નર્મદે ગુજરાતી ભાષાના શબ્દકોશ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. આઠ વર્ષના પરિશ્રમ બાદ એ જમાનામાં તેમણે 25 હજારથી વધુ શબ્દો સાથેનો શબ્દકોશ તૈયાર કર્યો હતો. પણ હાલમાં બાળકો તો શું માતા-પિતાને પણ ગુજરાતી બોલતા શરમ આવે છે, આથી તેઓ અંગ્રેજી ભાષાનો વધારે ઉપયોગ કરે છે અને બન્ને ભાષા બગાડે છે. દુઃખની વાત તો એ છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં નાપાસ થઈ રહ્યા છે. આ સાથે બાળકો કે યુવાનોનું ગુજરાતી ભાષાનું સ્તર નીચે જઈ રહ્યું છે. દરેક ભાષાનો પોતાનો મિજાજ હોય છે અને તે તેના શબ્દો દ્વારા વ્યક્ત થાય છે, પરંતુ એવા સંકડો-હજારો શબ્દો છે જે ગુજરાતીભાષીઓ ભૂલી રહ્યા છે. ભાષા પ્રત્યેનો પ્રેમ, માન ઓછું થયું છે અને તેના જતનના પ્રયાસો જોઈએ તેટલા થતાં નથી. જોકે ભાષા એમ કંઈ મરતી નથી અને વિશ્વમાં ગુજરાતી ભાષા મોટા પ્રમાણમાં બોલાઈ, વંચાઈ લખાઈ છે, પરંતુ તેને વધારે પ્રચલિત બનાવવાની પણ એટલી જ જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button