ફાસ્ટ ટ્રેક કોર્ટનો વાયદો પણ મારી દીકરીને બે વર્ષે પણ ન્યાય મળ્યો નથીઃ જાણો શ્રદ્ધા વાલકરના પિતાની આપવીતી
મુંબઈઃ થાણેના બદલાપુરની સ્કૂલમાં બે બાળકી સાથે થયેલી જાતીય સતામણીના કેસમાં લોકોએ ભારે રોષ ઠાલવતા ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતા અને પરિવારોને સત્વરે ન્યાય આપવાની બાંહેધરી આપી છે ત્યારે બે વર્ષ પહેલા આખા દેશને હચમચાવનારા શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ ફરી પ્રકાશમાં આવ્યો છે. શ્રદ્ધાનાં પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે તેની દીકરીનો કેસ બે વર્ષથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પડ્યો છે. વાત કઈ આગળ વધી નથી. સૌથી વધારે આઘાતજનક અને દુઃખની વાત તો એ છે કે તેમને પોતાની દીકરીના અસ્થિ પણ નથી મળ્યા અને તેના અંતિમ સંસ્કાર પણ થયા નથી. હજુ પણ અસ્થિ દિલ્હી પોલીસના કબ્જામાં છે.
શ્રદ્ધાના પિતાએ રડતાં રડતાં આક્ષેપ કર્યો હતો કે જો રાજકીય ઈચ્છાશક્તિ ન હોય તો ન્યાય મળતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર જનતાને શાંત પાડવા માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની ખાતરી આપી દેવામાં આવે છે.
શ્રદ્ધા વાલકર વસઈની રહેવાસી હતી અને આફતાબ નામના ફૂડ બ્લોગર સાથે તેને પ્રેમ થતાં બન્નેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ પરિવારની સહમતી ન હતી આથી બન્ને દિલ્હી ખાતે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે થોડા સમય બાદ કોઈ મામલે ઉશ્કેરાયેલા આફતાબે શ્રદ્ધાની બેરહેમીથી હત્યા કરી તેના મૃતદેહના 35 ટૂકડા કર્યા હતા અને અલગ અલગ સ્થળોએ થોડા ફેંક્યા હતા અને થોડા ફ્રીજમા રાખ્યા હતા. આ કેસ બહાર આવતા દેશ આખો ખળભળી ગયો હતો અને લોકોનો રોષ જોતા તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાના પિતા વિકાસ વાલકર છેલ્લા બે વર્ષથી આ કેસ પાછળ લાગ્યા છે, પરંતુ હજુ ન્યાયથી દૂર છે. તેમણે શ્રદ્ધાના નામે એક ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચાલુ કર્યો છે, જે આ પ્રકારે હેરાન થતા યુવક-યુવતીઓને માર્ગદર્શન આપવાનું કામ કરે છે.
ઘટના બન્યા બાદ જો પીડિત પરિવારોએ ન્યાય માટે પણ આટલો રઝળપાટ કરવો પડે તો આપણી ન્યાય વ્યવસ્થા અને સરકારી તંત્રના કાર્યશૈલીમાં ઘણા સુધારાની જરૂર છે, તેમ કહેવું ખોટું નથી.