PM Modi ની યુક્રેન યાત્રાનું અમેરિકાએ સ્વાગત કર્યું, કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિમાં બની શકે છે સહાયક

વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર છે. અમેરિકાએ પીએમ મોદીની યુક્રેન યાત્રાનું સ્વાગત કર્યું છે અને કહ્યું આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવામાં મદદરૂપ થઈ શકે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા કોમ્યુનિકેશન સલાહકાર જ્હોન કિર્બીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ” અમેરિકા માટે ભારત એક મજબૂત ભાગીદાર છે. પીએમ મોદીનું કિવ જવું અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની સાથે ચર્ચા કરવી, યુદ્ધ સમાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. જે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ન્યાયપૂર્ણ શાંતિના દ્રષ્ટિકોણને અનુરૂપ છે.
અમે આ પહેલને આવકારીએ છીએ
તેમણે કહ્યું, જો કોઈ અન્ય દેશ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા તૈયાર હોય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ. પરંતુ મદદનો અમારો અર્થ તેમાં યુક્રેનના લોકો સાથે સંવાદનો પણ સમાવેશ થવો જોઈએ. તેમજ એ બાબતની શરૂઆત એ સમજવાથી શરૂ થવી જોઈએ કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ અંગે શું વિચારે છે.
ભારત દરેક શક્ય મદદ માટે તૈયાર છે
શુક્રવારે ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ વાતચીત અને કૂટનીતિથી રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની સૈદ્ધાંતિક સ્થિતિ અને પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે પ્રદેશમાં શાંતિની સ્થાપના માટે સંભવિત તમામ યોગદાન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુન: ઉલ્લેખ કર્યો હતો.
ઝેલેન્સ્કી સાથે અર્થપૂર્ણ વાતચીત : પીએમ મોદી
કિવમાં દ્વિપક્ષીય ચર્ચા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મારી યુક્રેનની મુલાકાત ઐતિહાસિક હતી. હું ભારત-યુક્રેનની મિત્રતાને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહાન રાષ્ટ્રમાં આવ્યો છું. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મારી ફળદાયી વાતચીત થઈ. ભારતનો દ્રઢ વિશ્વાસ છે હંમેશા શાંતિ રહેવી જોઇએ. મને આવકારવા માટે હું હંમેશા યુક્રેનની સરકાર અને લોકોનો આભાર માનું છું.”