નવી દિલ્હી : દેશમાં ફરી એકવાર ચોમાસું (Monsoon 2024)સક્રિય થયું છે. જેમાં હવામાન વિભાગે 12 રાજ્યોમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે વરસાદને લઇને ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં કેવું રહેશે ચોમાસું ?
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતીય રાજ્યો અને કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી
જ્યારે 26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ભાગો માટે 27 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે.
શુક્રવારે દિલ્હીના વિવિધ ભાગોમાં ભારે વરસાદ
શુક્રવારે દિલ્હીના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ, પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય દિલ્હીના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે.