અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ આજે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
આ સિવાય રાજ્યના ખેડાના નડિયાદમાં 4 ઈંચ જેટલો, બગસરામાં 97 મિ.મી., મહુધામાં 92 મિ.મી., દહેગામમાં 90 મિ.મી., અમીરગઢમાં 86 મિ.મી., મેઘરજમાં 84 મિ.મી. વરસાદ પડ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન રાજ્યના 52 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 24 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 8 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જો સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના ઉમરાળામાં સૌથી વધુ 29 મિ.મી વરસાદ પડ્યો છે. આ સિવાય ભરૂચના હાંસોટમાં 26 મિ.મી., મહીસાગરના બાલાસિનોરમાં 16 મિ.મી., અરવલ્લીના માલપુર અને ભરૂચના અંકલેશ્વરમાં 14-14 મિ.મી, અમરેલીના સાવરકુંડલામાં 12 મિ.મી અને પાટણ તેમજ મહેસાણાના જોટાણામાં 10-10 મિ.મી વરસાદ પડ્યો છે.
ઘણા લાંબા ગાળા બાદ અમદાવાદ શહેરમા સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. શહેરના સોલા, એસજી હાઈવે, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની અગાહી કરવામાં આવી છે.