સ્થાપત્ય અને તેની સન્મુખતા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
પાસપોર્ટ કે આધારમાં ચહેરાનો ફોટો એ રીતે લેવામાં આવે કે બંને આંખ – બંને કાન દેખાય. આને ચહેરાની સન્મુખતા કહેવાય. સામાન્ય સંજોગોમાં મકાનની પણ આવી સન્મુખતા હોય છે – મકાનની એક ફસાડ અર્થાત મકાનનો એક દેખાવ મુખ્ય ગણવામાં આવે છે. એક રીતે જોતા આ મુખ્ય દેખાવ વ્યવસ્થિત રીતે લોકોની નજરે ચડે તેનું મહત્તમ ધ્યાન રખાય છે.
મકાનનો મુખ્ય દેખાવ
ફસાડ સામાન્ય રીતે મુખ્ય રસ્તાને સન્મુખ હોય છે અને મોટાભાગે અહીં મુખ્ય પ્રવેશદ્વાર આપવામાં આવે છે. તાજમહેલ જેવી રચનામાં જ્યાં ચારે તરફનો દેખાવ એકદમ સમાન હોય ત્યાં પણ આગળના પ્રવેશદ્વારથી એ નક્કી થઈ જાય કે સન્મુખ ફસાડ કઈ છે. મોટાભાગનાં સહેલાણીઓ અહીં ઊભા રહી તસવીર ખેંચાવતા હોય છે. દિલ્હીના કમળ મંદિરમાં પણ આવનજાવનના માર્ગથી સન્મુખ ફસાડ નક્કી થાય છે. તેની સામે દ્રવિડીયન તથા નાગર શૈલીનાં મંદિરોમાં મંદિરની રચના પોતે જ જણાવી દે કે સન્મુખતા ક્યાં છે.
વ્યાપારી મકાનોમાં આ સન્મુખતા પરથી બજાર કિંમત નક્કી થતી હોય છે. આ માટે અહીં વધુ કિંમતી બાંધકામની સામગ્રી ઉપયોગમાં લેવાનો આગ્રહ રખાય છે અને વિગતિકરણ પણ સમૃદ્ધ બનાવાય છે. કોઈક કારણસર જો આ સન્મુખતા રસપ્રદ ન હોય તો તેની આગળ બનાવટી મુખોટા સમાન રચના ઊભી કરી દેવાય છે. આનાથી મૂળ ફસાડ ઢંકાઈ જાય અને એક પ્રકારે ‘લાલી-પાઉડરવાળું’ ભ્રામક ફસાડ બનાવી દેવાય છે. જ્યાં યોગ્ય સન્મુખતા ઊભી કરવાની સ્થાપતિમાં સંવેદનશીલ ક્ષમતા ન હોય ત્યાં આવી રચના હાથ વગી થઈ રહે છે.
એક વિચારધારા પ્રમાણે મકાન જેવું છે તેવું દેખાવું જોઈએ. સામાન્ય મકાન સામાન્ય જ દેખાવું જોઈએ, મહેલ જેવું નહીં. ધરમશાળા ધરમશાળા જેવી જ દેખાવી જોઈએ મંદિર જેવી નહીં. જ્યારે ભ્રામક ફસાડ બનાવવામાં આવે ત્યારે તેની પાછળ વ્યાપારી ગણતરી હોય, ક્યાંક ચડસા-ચડસી હોય, ક્યાંક ખોટો અહમ સંતોષવાનો ભાવ હોય અથવા ક્યાંક છેતરામણ હોય. આવી બધી ગણતરીઓને કારણે જ દંભી સન્મુખતા જન્મી હશે.
મકાનની પ્રામાણિકતાથી નિર્ધારિત થયેલી સન્મુખતા ઘણી રીતે અર્થસભર બની રહે. આ સન્મુખતાથી આગળના રસ્તા સાથેના સંબંધનો પ્રકાર અને તેની તીવ્રતા નક્કી થાય. આ સન્મુખતાથી મકાન આગળની પરિસ્થિતિ – આગળના માર્ગ સાથે એક પ્રકારનો સંવાદ સ્થાપે. સારી રીતે નિર્ધારિત થયેલી આવી સન્મુખતા મકાનની અંદર રહેલી ઘણી બાબતોને જાણે પહેલાથી જ પ્રસ્તુત કરી દે. તે ક્યાંક દિશાસૂચન પણ કરે. મકાનના સ્થાપત્યની શૈલીના નિર્ધારણમાં મુખ્ય ફસાડ પણ અગત્યનું ગણાય છે. અગત્યની બાબત એ પણ છે કે ઘણીવાર આવું ફસાડ મકાનની પ્રાથમિક સ્વીકૃતિ કે અસ્વીકૃતિનું કારણ પણ બની શકે. મકાનની સન્મુખતા તેના ઉપયોગકર્તાની પ્રાથમિક અનુભૂતિ માટે મહત્ત્વની તો છે જ પણ સાથે સાથે રસ્તા પર આવન-જાવન કરનાર વ્યક્તિ માટે પણ તે મહત્ત્વની છે. રસ્તે ચાલનાર વ્યક્તિ રોજ આ ફસાડને જોશે અને તેને પસંદ-નાપસંદ કરશે. આ પ્રક્રિયા તે વખતના તેના મનોભાવને અસર કરશે. આ અસર હકારાત્મક હોય તો બરાબર અને તેમ ન હોય તો કોઈક પ્રશ્ર્ન તો ઊભા થાય જ. મુખ્ય ફસાડની રચનામાં આવા બહારના’ લોકોને પણ સમજવા-સમાવવા પડે.
મકાનના બીજા બધા દેખાવ પણ સાવ જ બિન-મહત્ત્વના નથી. મકાનની રચનામાં સ્થપતિએ દરેક બાબતે ધ્યાન આપવું પડે. તેની માટે બધા જ ફસાડ તેટલા જ અગત્યના ગણાય. જ્યારે વ્યક્તિ મકાનની ઉપયોગીતામાં ઓતપ્રોત થાય તો મકાનની બધી જ બાબતો ધ્યાનમાં લઇ તે મકાન માટે અભિપ્રાય બાંધે.
જો અન્ય ફસાડની સદંતર અવગણના કરવામાં આવે તો સ્થપતિની સંવેદનશીલતા અને ક્ષમતા બાબતે કોઈ પ્રશ્ર્ન પૂછી શકે. મકાનની સંપૂર્ણ અનુભૂતિમાં સન્મુખ ફસાડ સિવાયની અન્ય બાબતોનો પણ ફાળો છે, પણ જે છાપ સન્મુખ ફસાડ ઊભી કરે તેનું મહત્ત્વ વધારે ગણાય છે.
મહેલની સન્મુખતામાં વિશાળતા તથા ભવ્યતાની સાથે સમૃદ્ધિ દર્શાવવાથી હોય છે. મંદિરની સન્મુખતામાં પ્રતિકાત્મક રજૂઆતનું મહત્ત્વ ગણાય છે. મનોરંજન કેન્દ્રિત મકાનોમાં નાટકીયતા મહત્ત્વની બની રહે. સરકારી વહીવટી મકાનોમાં એક પ્રકારની ગંભીરતા તથા શિસ્ત દેખાવી જોઈએ. બેંકના મકાનોની સન્મુખતામાં સાતત્યતાની સાથે વિશ્ર્વાસ ઊભો થવો જોઈએ. શૈક્ષણિક મકાનોમાં શિસ્તબદ્ધ સંભાવનાઓ ઊભરવી જોઈએ. મકાનની ઉપયોગીતા અનુસાર મકાનની સન્મુખતાનું નિર્ધારણ થવું ખૂબ જરૂરી છે, પણ આવું નિર્ધારણ ઊભું કરવામાં જો કોઈ આડાશનો સહારો લેવામાં આવે તો તે ખોટો ભ્રમ ઊભો કરવાની ઘટના ગણાય.
સ્થાપત્ય આમ તો ‘ઉપયોગમાં લેવાતી કળા’ની શ્રેણીમાં આવતી ઘટના છે. મકાનની રચનામાં ઉપયોગીતાનું મહત્ત્વ ઘણું છે. જો ઉપયોગીતાને વ્યવસ્થિત સંદર્ભમાં તથા સાંજોગિક પરિપ્રેક્ષ્યમાં નિર્ધારિત ન કરાય તો મકાન રચના પાછળનો હેતુ જ સિદ્ધ ન થાય, તે પછી સ્થાપત્યમાં કળાત્મકતાની વાત આવે. આ કળાત્મકતામાં, આકારની પસંદગી, પ્રમાણમાપ પ્રમાણેનું આલેખન, પસંદ કરાયેલ સામગ્રીના સંદર્ભમાં રંગ તથા બરછટતાની ગોઠવણ, ઉપયોગિતાના અનુસંધાનમાં નિર્ધારિત કરાયેલ વિગતીકરણ તથા માત્ર દ્રશ્ય સમૃદ્ધિ માટે લેવાયેલા નિર્ણયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ બધામાં પણ પડકાર એ બાબતનો હોય કે દરેક મકાનની સન્મુખતા સારી રીતે નિર્ધારિત થઈ હોવા ઉપરાંત તે આગવી પણ હોવી જોઈએ.
સારી દેખાતી વસ્તુ જોવી કોને ના ગમે. તો પછી મકાન સુંદર તો દેખાવું જ જોઈએ. અને આ સુંદરતા પહેલી નજરે ધ્યાનમાં પણ આવવી જોઈએ. મકાનની સુંદરતા પ્રવર્તમાન ધારાધોરણને અનુકૂળ પણ હોવી જોઈએ. વળી આ ધારાધોરણમાં એક ડગલું આગળ ભરાયેલું પણ હોવું જોઈએ. માનવજાત સુંદરતાની આગ્રહી છે, અને થોડોક બદલાવ પણ ઈચ્છે છે.