કેરોલિના રીપર પ્રકરણ-૧૮
અનિતા ખુશ થઇ ગઇ, આવી સ્ટોરી મળવાની તો કલ્પના ય નહોતી
પ્રફુલ શાહ
કિરણને સમજાતું નહોતું કે ફરી ફરીને મુરુડનું નામ જ કેમ સામે આવે છે?
‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર એન્કર અને ન્યૂઝ રીડર અનિતા દેશમુખ અસમંજસમાં ડૂબી ગઇ હતી. ‘સિર્ફ સચ્ચાઇ’ ચેનલે પોતાને હોટેલ પ્યૉર લવ બ્લાસ્ટ્સ કેસની એક્સક્લુઝિવ સ્ટૉરીની હવા કાઢી નાખી હતી. હકીકતમાં એને ખોટી પુરવાર કરી દીધી હતી.
અનિતા પર મેનેજમેન્ટનું પ્રેશર હતું કે આ કેસમાં વધુ સ્ટૉરી લાવો, રોજરોજ આપો. આપણને મુરુડ, અલીગઢ અને રાયગઢની સૌથી વધુ ફિકર છે એ બતાવતા રહો અને સાબિત કરતા રહો. જનતાને ગભરાવો, ડરાવો કે તમારા પર સંકટ છે અને અમે કાયમ તમારી સાથે છીએ. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ્સ થયા છે અને એમાં કોઇ બચ્યું નથી. અંદર બધા આતંકવાદી માર્યા ગયા છે એના પર જોર મૂકો અને એનેે લગતા સાચા-ખોટા પુરાવા, સાક્ષી લાવો. ભલે થોડો ખર્ચો થાય. પોલીસ અને રાજકરણીઓને ખૂબ ભાંડો. એમાંય રાજયકક્ષાના ગૃહ પ્રધાનના વિસ્તારમાં આટલું બધુ બન્યું એ કેટલી મોટી બેદરકારી કહેવાય. આ બધું ચગાવો બરાબર.
અનિતાને પણ એ જ કરવું હતું. સાથોસાથ પોતાના ભૂતપૂર્વ સિનિયર, મેન્ટોર અને હવે હરીફ ચેનલ ‘સિર્ફ સચ્ચાઇ’ના અચ્યુત કાંબળેને ‘નીચાજોણું કરાવવું હતું. પણ કરવું શું? એની મૂંઝવણ વધતી જતી હતી, ત્યાં મોબાઇલ ફોનની રીંગ વાગી.
કોલરનું નામ જોયું: અપ્પાભાઉ.
“આ તો સ્ટેટ હૉમ મિનિસ્ટરનો પાલતું છે. કંઇક મસ્કાબાજી કરવી હશે. છતાં પત્રકારે માહિતીને આવવા દેવી પછી એનો ઉપયોગ કરવો નહિ એ નક્કી કરવું.
અનિતા દેશમુખે ફોન ઉપાડ્યો અને જે સાંભળ્યું એનાથી આશ્ર્ચર્યચકિત થઇ ગઇ. એ ખુશ થઇ ગઇ. આવી સ્ટૉરી મળવાની તો કલ્પના ય નહોતી.
ગોલેગાંવનો હવાલદાર અશોક નાડકર રઝળપટ્ટીથી કંટાળ્યો હતો. ગામમાં એકએકને પૂછયું. બધા ઓળખે કારણકે ગામ નાનું. ઘણાંએ તો મોઢા પર પરખાવી દીધું કે ખબર હોત તો પંચાયતની મિટિંગમાં ન કહી દીધું હોત. વચ્ચેથી સમય કાઢીને અશોકે એસટી સ્ટેન્ડ સામેના ધાબામાં જમી લીધું. જમવામાં મજા ન આવી. ગલ્લાં પર બિલ ચૂકવતી વખતે ફરિયાદ કરીને ચાલવા માંડ્યો.
થોડે દૂર ચાની ટપરી જોઇને અશોકનું મન લલચાયું. નજીક જઇને ઓર્ડર આપ્યો. “એક કડક મીઠી ચાય, નવી બનાવીને હો. પછી એક બીડી કાઢીને મોઢામાં મૂકીને બીજી ચાવાળાને આપી.
પેલાએ ચૂપચાપ લઇને કાનમાં ભરાવી દીધી. હવાલદાર નાડકર મોઢામાં બીડી સાથે એને જોઇ રહ્યો પણ એ તો કાળા પડી ગયેલા એલ્યુમિનિયમના તપેલામાં ચાની સામગ્રી ઠપકારવામાં ગળાડૂબ હતો.
“ભાઇ, લાઇટર તો આપ.
“હવાલદારજી, મોઢું નજીક લાવીને સ્ટવની આગમાંથી જ પેટાવી લો.
દાઝી જવાના ડર સાથે માંડમાંડ બીડી પેટાવીને હવાલદાર નાડકરે ઊંડો કશ ખેંચ્યો. પછી મસ્તીથી ધુમાડા હવામાં ઉડાડ્યા. અચાનક તેણે મોબાઇલ ફોન કાઢીને ચાવાળા સામે જોયું. આખા ગામમાંથી કંઇ ન મળ્યું તો આ શું જાણતો હોય એવી શંકા છતાં પવલા, સોલોમન અને શબાનાના ફોટો બતાવ્યા.
ફોટા ધ્યાનથી જોતા ચાવાળો બોલ્યો, “પવલાને તો ઓળખું. પણ આ માણસને ક્યાંક જોયો હોય એવું લાગે છે હો…
હવાલદાર નાડકરે બીડી ફેંકી દીધી. “ક્યાં જોયો હતો? ક્યારે?
સોલોમનના ફોટો સામે જોઇને ચાવાળો માથું ખંજવાળવા માંડ્યો.
“યાદ કર, યાદ કર. યાદ આવી જશે.
અચાનક ચાવાળાએ ચપટી વગાડી. પાંચ-છ દિવસ અગાઉ પવલો સવારનું દૂધ આપીને જતો હતો…
“અરે પવલાને માર ગોળી… આ બીજા માણસની વાત કરને…
“એ જ કહું છું. પૂરું સાંભળો તો ખરા. પવલો જતો હતો ત્યારે મેં જોયું કે સામેના નાકા પર કોઇક એને મળ્યું. કદાચ રસ્તો પૂછતો હશે. પછી એ માણસે આવીને મારા ગલ્લાં પર ચા પીધી. હા, હા. એ જ છે આ.
પછી ચાની ચુસ્કી પીતા-પીતા હવાલદારે અશોક નાડકરે બીજા ઘણાં સવાલો કર્યા પણ વધુ જાણકારી ન મળી. ચાના પાંચને બદલે દશ રૂપિયા આપીને નાડકર ચાલતો થયો. તો ચાવાળાને પોતાની આંખ પર વિશ્ર્વાસ ન બેઠો પોલીસવાળાએ ચાના પૈસા ચુકવ્યા, ને ડબલ. ઉપરથી બીડી પણ આપી! રામરાજ્ય આવતું લાગે છે.
કિરણને સમજાતું ન હોતું કે મુરુડનું નામ ફરી ફરી સામે આવતું હતું. એક તરફ ગાયબ થયેલા આકાશનો અતોપતો, ફોન કે મેસેજ સુદ્ધાં નહોતા. પપ્પાના અથાગ કોન્ટેકટ પાવર અને દબાણ છતાં ક્યાંયથી સમ ખાવા પૂરતી એકાદ કડી કે અણસાર નહોતા. લઇ દઇને સામે આવતું હતું, મુરુડનું નામ. એવું મુરુડ કે જે સંખ્યાબંધ ધડાકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. આવામાં પોતે કરે શું?
આ બધું ઓછું હોય એમ પેલો વિકાસ કહે છે કે આકાશ કોઇ યુવતી સાથે ત્યાં ગયો હતો! એ જ હોટેલમાં ટીવી ચેનલ કહે છે કે એ હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા. એવું ખાતરી સાથે કેવી રીતે કોઇ કહી શકે.
કિરણને એ દિવસે મમતાએ થોડા દિવસ અગાઉ કહેલી વાર્તા યાદ આવવા માંડી. મમતાની આ વાત સાચી હતી? “હવે સંયુકત કુટુંબ પ્રથા ખતમ થઇ રહી છે. સંયુક્ત પરિવારની સંપત્તિ, સંતાન, સંવેદના, આવક, જવાબદારી જેવું બધેબધું નાનકડા વિભક્ત કુટુંબને માથે આવી પડે છે. આમાં પતિ-પત્નીની એકમેક માટેની દિલચસ્પી, અવલંબન પર ખૂબ બોજ વધી જાય છે. સાથોસાથ આધુનિક સુખ-સુવિધા જાળવવા માટે બન્નેના નોકરી-ધંધા. આનાથી લગ્નની અસલી મજા, રોમાંચ અને સહવાસની ઇચ્છાનું ઝડપભેર ધોવાણ થવા માંડે છે…
કિરણને લાગ્યું કે પોતાના જીવનમાં આવું થયું? પણ અમારું તો આજેય સંયુક્ત કુટુંબ છે. આવકની તાણ નથી એટલે આકાશ દૂર થયો એમાં પૂરેપૂરો વાંક મારો? હું જ આકાશને સમજી ન શકી? એને પોતાનો કરી ન શકી? હું બીજા બધાને લગ્નજીવનને બચાવવાની સલાહ આપું છું ને મારા જ મેરેજ બચાવી ન શકી! અમારા સંબંધનો ચળકાટ બનાવટી નીકળ્યો, જેની બીજી કોઇને તો ઠીક મને જ ખબર ન પડી. શું એના જુઠું બોલવા, સત્ય છુપાવવા, વફાદારીની મર્યાદા ઓળંગવા અને… આકાશ જેવો છે એવો ન સ્વીકારી શક્વા બદલ હું ગુનેગાર છું? માથા પરના આત્મગ્લાનિનો એવરેસ્ટ ઓગળીને આંખ માટે વહેતો ગયો અને ઊંઘ સાવ રિસામણે બેસી ગઇ. કિરણને લાગ્યું કે પોતે ફેઇલ્યોર છે, ટોટલ ફેઇલ્યોર છે એક ‘સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે.
સાંજના ચાર વાગ્યે મુરુડના સર્કીટ હાઉસમાં રાજય કક્ષાના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર પોતાના સમર્થકો સાથે પેટા-ચૂંટણીનો વ્યૂહ ઘડવામાં ગળાડૂબ હતા.
એની ચાપલુસી કરનારા અનેક હતા. આમાંથી કોઇકને પંચાયતના પ્રમુખ બનવું હતું. કોઇકને પંચાયતના સભ્ય બનવું હતું. કોઇકની નજર સ્થાનિક સહકારી બૅન્કના અધ્યક્ષપદ હતી. અમુકને નિગમનું ચેરમેનપદ દેખાતું હતું. આ બધા અલગ – અલગ શબ્દોમાં એક જ વાત દોહરાવતા હતા કે આપની જીત ૧૦૧ ટકા નક્કી છે. કોઇક વળી મસ્કાબાજીમાં ઊંચો કૂદકો મારતા હતા. સાહેબ એક-એક હરીફને ડિપોઝિટ જપ્ત થવાની હો.
આ બધા સ્તુતિ કોરસગાન વચ્ચે આચરેકરની નજર અપ્પાભાઉ પર ગઇ જે એકદમ ચૂપ બેેઠા હતા. એમનું મૌન આચરેકરને કાંટાની જેમ ખૂચ્યું. એટલે તેણે ખોંખારો ખાઇને શરૂઆત કરી. “જુઓ, આ બેઠક મારા માટે ખાલી કરીને અપ્પાભાઉએ મારા માટે જ નહિ, આ બેઠકના પ્રજાજનો માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે, એટલે મારા પ્રચારની જવાબદારી સ્વીકારવા હું એમને વિનંતી કરું છું. સાથોસાથ સ્થાનિક સ્તરે ચૂંટણીના બધા આર્થિક વ્યવહાર પણ તેઓ સંભાળે એવી મારી હાર્દિક ઇચ્છા છે.
ઘણાંને આ ન ગમ્યું પણ જાહેરમાં તો બધાએ તાળી પાડીને નેતાજીની વાતને જોશભેર વધાવી લીધી. અપ્પાભાઉએ ઊભા થઇને હાથ જોડયા. “મુરુડના વિકાસ અને પ્રજાના કલ્યાણ માટે હું જે કંઇ ક્રું એમાં આપ સૌના સાથ અને સહકાર કાયમ મળતા રહે એવી વિઠોબાના ચરણે પ્રાર્થના કરું છું. હું કંઇ કરવાનો નથી. ઇશ્ર્વર જ બધું કરાવશે, જે મારે પ્રજાના સહકારથી કરવાનું છે. આટલું બોલીને આપ્પાભાઉએ વિશ્ર્વનાથ આચરેકર ભણી જોઇને બે હાથ જોડયા આ બે જોડાયલા હાથની રેખામાં ભાવિનો કેવો અણસાર છે કોઇ કળી ન શક્યું. (ક્રમશ:)