વીક એન્ડ

રેસ્ટોરેન્ટમાં જવું પડે તો મફતમાં શ્ર્વાસ પણ ન માગવાનો રાજુ રદ્દીએ ભગીરથ નિર્ણય લીધો!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

કેટલીક વાનગી એકલી ખાઇ શકાતી નથી. વ્યંજન આરોગવા માટે બીજી વસ્તુની જરૂર પડે છે થેપલા કે ઢેબરા ખાવા માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ છે. થેપલા દૂધ, દહીં, ચા, કોફી, શાક, દાળ, સંભારો, સલાડ, છૂંદો, અથાણા સાથે આરોગી શકાય છે.

બિસ્કિટ કે ખારી ચા, દૂધ કે કોફી સાથે આરોગી શકાય છે. અલબત, બિસ્કિટ દાળમાં બોળીને આરોગવાથી પૌર્વાત્ય અને પશ્ર્ચિમી સંસ્કૃતિનો સુભગ સમન્વય થઇ શકે છે! તેના પર પરહેજ નથી. અલબત, દાળમાં બિસ્કિટ બોળીને ખાવાનું અજુગતું લાગે છે. ક્રમશ: લોકો ટેવાઈ જશે.

વણેલા ગાંઠિયા ,પાપડી, ફાફડા અને ચોળાફળી મરચા, ડુંગળી, પપૈયાંનું છીણ, ભરેલા મરચા, કઢી, ચટણી સાથે ખાવામાં આવે છે. લોકો પચાસ કે સો ગ્રામ ગાંઠિયા મગાવનાર ચટણી, પપૈયાંનું છીણ, કઢી અઢીસો ગ્રામ ખાઇ જાય છે. દુકાનદારે કકળતા હૈયે આનુષાંગિક સામગ્રી જખ મારીને આપવી પડે છે. રાજકોટના ચેવડાના વેપારી ચેવડા સાથે ચટણી ફ્રી આપતા નથી. નો લંચ ઇઝ ફ્રી એવું તો સાંભળેલ હતું, પણ ફ્રી ચટણીમાંથી પણ ગયા! કદાચ, આંટાલૂણમાં ગયું એ વાક્ય રાજકોટના ચેવડા સંદર્ભે બોલાયું હશે. સારસ બેલડીમાંથી એકનો શિકાર થવાના લીધે સારસ બેલડી ખંડિત થવાના શોકમાં ઋુષિ વાલ્મીકિએ રામાયણની રચના કરેલી તેમ ચેવડા સાથે મફતમાં ચટણી ન મળવાથી વ્યક્તિએ ગઇ ભેંસ પાણીમાં એવો કરુણોદગાર કરેલ, પરંતુ તેની યથાયોગ્ય નોંધ સેવામાં આવેલ નથી તેમ વ્યથિત હૃદયે રાજુ રદ્દી કહે છે!!

અમુક દુકાનદાર વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ જેવા ઘમંડિયા હોય છે તેવું સાહેબ કહે છે. રાયપુરના ભજિયા હાઉસવાળા આમાંના એક છે. ભજિયામાં નામ થઇ ગયું એટલે એટલા ઘમંડી થઇ ગયા કે ભજિયા સાથે ચટણી, મરચા, ડુંગળી, પપૈયાંનું છીણ સુધ્ધાં આપતા નથી અને ગ્રાહકના મોઢા પર ઝાપટે છે કે ભજિયા લેવા હોય તો લો નહીંતર પાકિસ્તાન ચાલતી પકડો! (પાકિસ્તાનમાં કેટલા માટે જગ્યા છે? અમદાવાદની અડધી વસ્તી પાકિસ્તાન જાય તો પાકિસ્તાનની હાલત ઔર પતલી થઇ જશે તે અંગે વિચાર સુધ્ધાં કરતા નથી!)
તમે હોટેલ કે રેસ્ટોરેન્ટમાં ઇડલી, ઢોસા, ઉપમા મગાવો તો સંભાર ચટણી વગેરે આપવામાં આવે છે. કેટલીક રેસ્ટોરેન્ટ સુરાહી જેવા કે ચિરાગ જેવા પાત્રમાં સંભાર સર્વ કરે એટલે ગ્રાહક ખરા અર્થમાં શહેનશાહ, જહાંપનાહ કે ચક્રવર્તી સમ્રાટ હોય તેવી સુપર રોયલ ફિલીંગ આવે! સંભાર બિના ઇડલી ઢોંસા સુના એવું રેપ સોંગ યો યો હનીસિંગની જેમ ગાઇ શકે.

લોજ કે રેસ્ટોરેન્ટ અનલિમિટેડ ગુજરાતી થાળી ઓફર કરતા હોય છે. રેસ્ટોરેન્ટ માલિક કસ્ટમર ઓછામાં ઓછું એટલે કે ન્યુનતમ મતલબ નખજમણ કરે તે માટે દાળશાકની વાટકીની સાઇઝ નાની રાખે છે. (અડધો ચમચો બાસુંદી કે કેરીનો રસ રેડે કે વાટકી ડેમની જેમ ઓવર ફલો થાય. આમને આમ ચાલશે તો આવનાર દિવસમાં વાટકી ચમચીની સાઇઝની ન થઇ જાય તો મને કહેજો.

ભવિષ્યમાં દાળ, કઢી કે બાસુંદી ડ્રોપરથી સર્વ કરવામાં આવશે!) જમનાર લોંઠકો હોય તો રોટલી પર રોટલી મગાવે રાખે. વેઇટરનો ઓછો પણ માલિકનો જીવ કળીએ કળીએ કપાઇ જાય. (જૂના જમાનામાં કોઇ તપસ્વી કઠોર તપ કરે તો તેના તપોભંગ માટે આઉટ સોર્સના ધોરણે અપ્સરા એરેન્જ કરવામાં આવતી હતી. સિંહ માટે મારણની વ્યવસ્થા કરવાથી સિંહ મારણ ખાવા આવે અને વીઆઇપીની સિંહ દર્શનનની ઇચ્છા પૂર્ણ થાય તેવી કક્ષાના મેનકા બ્રાંડ છટકામાં વિશ્ર્વામિત્રે દસ હજાર વરસના તપથી હાથ સેનેટાઈઝર વિના ધોવા પડયા હતા!) રોટલી પછી ભાત પીરસવાના છે તે દર્શાવવા સફેદ બરફ જેવા સોડમદાર બાસમતી રાઇસનું બાઉલ લઇને વેઇટર ચિયર લીડરની જેમ જમનારને લલચાવવા લટુડાપટુડા કરે છે. અપિતું, જમનાર અર્જુન જેવો રોટીવાળ (ભૂલેચૂકે મહેરબાની કરી ઓટીવાળ શબ્દ ન છાપવા વિનંતી છે.) હોય છે. અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી તેમ રોટીવાળને માત્રને માત્ર રોટલી જ દ્રષ્ટિગોચર થાય છે! પરિણામે માલિકે ખુદ માટે એકસો આઠ બોલાવવી પડે છે!

અમુક રેસ્ટોરેન્ટ મેનુમાં સંભાર એક વાર પિરસાયા પછી એકસ્ટ્રા સંભાર માટે ફદિયા ચૂકવવા પડશે તેવું લખે છે. બક્ષિસ લાખની અને હિસાબ કોડીનો એવું કહેવાય છે. તમને લાખની બક્ષિસ મળે તેમા તમારા ગ્રહો, નસીબ કે થોબડાં નથી. પરિણામે કોડીનો હિસાબ કરોડના હિસાબે કરવામાં આવે છે!! આપણે સંભાર માગીએ કે વેઇટરના પરમપૂજય પરમાદરણીય પુણ્યશ્ર્લોક પિતાશ્રીનો વધ કર્યો હોય તેમ રિએકટ કરે છે! આપણે આજુબાજુના લોકોને ઇમ્પ્રેસ કરવા કે વેઇટર સલીમ ચિકના જેવા લુખ્ખા ન સમજે તે માટે પરાણે પરાણે વેઇટરને ટીપ આપીએ છીએ, પરંતુ રેસ્ટોરેન્ટના એન્ટ્રન્સ પર ઉભેલા ગાર્ડને ટીપ આપવાનું ભૂલી જઇએ છીએ!

રેસ્ટોરેન્ટમાં જમવાના પ્રસંગે આપણે ડૉકટર જેકિલ અને મિ. હાઇડની જેમ બિહેવ કરીએ છીએ! જમ્યા પછી તમારે બિલ પે કરવાનું હોય તો મેનુમાં સૌથી ઓછી કિંમત હોય તેવી ડીશનો ઓર્ડર કરીએ છીએ. બોટલ્ડ વોટર નહીં, પણ રેગ્યુલર વોટર ટેબલ પર મુકવા વેઇટરને ખાસ સૂચના આપીએ છીએ. સુપ, સલાડ, સ્ટાર્ટર, મોકટેલ, છાશ, કોલ્ડ ડ્રીંક વગેરે પર પૈસા બરબાદ કરવાના બદલે મેઇન કોર્સની વાનગીનો ઓર્ડર કરીએ છીએ. ઓર્ડર કરતા સમયે મેનુમાં દર્શાવેલ કિંમત અને ઓર્ડર કરેલ વાનગીનો ગુણાકાર કરીને બિલ કેટલું મોટું આવશે તેની ગડમથલમાં લિજ્જતદાર વાનગીનો ટેસ્ટ ફીકકો પડી જાય છે! જમ્યા પછી ડેઝર્ટનો ઓર્ડર સ્કિપ કરીએ છીએ! આપણે બિલ ચૂકવવાનું હોય તો વધેલ સબ્જી, બેકડ મેક્રોની વીથ પાઇનેપલ, રોટીને પાર્સલ કરવા વેઇટરને કહીએ છીએ! બિલ નાનું હોય તો પણ ચુકવતા હાઇકારો નીકળી જાય છે! જો બિલ કોઇ બીજું ચૂકવવાનું હોય તો આપણે મિસ્ટર ગાઇડ બની મોંઘામાં મોંઘી અને બિવનજરૂરી વાનગીનો ઓર્ડર આપીએ છીએ.
સુપ, સલાડ, સ્ટાર્ટર, મોકટેલ, છાશ, કોલ્ડ ડ્રીંક વગેરેનો ઓર્ડર કર્યા પછી મેઇન કોર્સ પર સ્વિચ ઓવર કરીએ છીએ છાશ અને કોલ્ડ ડ્રિંક એમ બંનેનો ઓર્ડર કરીએ છીએ! વેઇટર બિલ આપી જાય પછી જયાં સુધી બિલ ન ચૂકવાય ત્યા સુધી ધ્યાનબધિર થઇ જઇએ છીએ!

જગતમાં જાતજાતના અને ભાતભાતના રેસ્ટોરેન્ટ આવેલ છે.

હૈદરાબાદની એક રેસ્ટોરેન્ટ છે. જયાં બાહુબલિ નામની થાળી મળે છે. જેમાં કુલ ૩૦ પ્રકારના વેજિટેરિયન અને નોન વેજિટેરિયન આઈટમ મળશે. તેમાં ચિકન બિરયાનીથી લઈને પ્રોન કરી, શેઝવાન નૂડલ્સ અને રાયતાથી લઈને સલાડ અને ડ્રિંક્સ પણ મળશે. આ થાળીની કિંમત આમ તો અઠારસો રૂપિયા છે. આ આખી થાળી એકદમ ખાલી કરી નાખશો, તો આપને ઉપરથી એક લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવે છે. અલબત, થાળી ફક્ત અડધા કલાકમાં ખાવાની રહેશે. હજુ સુધી કોઇ ઇનામ જીતી શકયું નથી. ખાઉધરા અને અકરાંતિયા માટે એક લાખ રૂપિયાનું ઇમામ જીતવા ઓપન ચેલેન્જ છે!

દુનિયામાં એક એવી રેસ્ટોરેન્ટ પણ છે જ્યાં ભૂત લોકોનું સ્વાગત કરવા આવે છે અને તેમને ખવડાવવા પણ આવે છે. વાંચીને આચંકો લાગ્યો ને? લા માસિયા એન્કાન્ટાડા વિશે જે વિશ્ર્વની સૌથી અદ્ભુત રેસ્ટોરાં પૈકી એક છે. આ રેસ્ટોરેન્ટનો સ્ટાફ ભૂત તરીકે કામ કરે છે. ૧૭મી સદીમાં જોસેફ મા રિયાસે માસિયા બનાવ્યું હતું અને સુરોકાએ માસિયા સાન્ટા રોઝા બનાવ્યું હતું.

યુકેમાં એક એવી રેસ્ટોરેન્ટ છે, જ્યાં ખાવા માટે ટેબલ મેળવવું એટલું સરળ નથી. સેન્ટ્રલ બ્રિસ્ટોલમાં આવેલી બૅંક ટેવર્નએ વિશ્ર્વભરમાંથી સખત સ્પર્ધાને હરાવીને સૌથી લાંબી વેઇટિંગ લિસ્ટ ધરાવતી રેસ્ટોરેન્ટનો તાજ જીત્યો છે. આ રેસ્ટોરેન્ટમાં વિશ્ર્વમાં સૌથી લાંબો સમય રાહ જોવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રેસ્ટોરેન્ટમાં રવિવારના લંચ માટે આરક્ષણ માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડશે.

ડેન્માર્કના પોપ્યુલર રેસ્ટોરેન્ટ નોમાને સર્વશ્રેષ્ઠ રેસ્ટોરેન્ટ હોવાનો ખિતાબ અપાવી ચૂકેલા શેફે રેને રેડજેપીએ ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં ૧૦ દિવસ માટે પોપઅપ રેસ્ટોરેન્ટ શરૂ કર્યો છે. ત્યાં ખાવાના શોખીનોને એવૉર્ડ વિનીંગ રેસિપી જમાડશે. આ ઘોષણા બાદ હજારો લોકો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે જેમાંથી ૨૭ હજાર લોકો હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે.આ રેસ્ટોરેન્ટમાં ખાવા માટે વ્યક્તિદીઠ રૂ. ૨૩,૦૦૦ ચૂકવવા પડશે. રેનેનું કહેવું છે કે વેઇટિંગ લિસ્ટવાળાનો નંબર ક્યારે આવશે તે વિશે કંઇ કહી શકાય નહીં.

દિલ્હીના કનોટ પ્લેસ પાસે ૫૬ ઈંચની થાળી મળે છે. દેશની સૌથી મોટી થાળીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વેજ અને નોન વેજ એમ બંને વાનગીઓની લુફ્ત માણવા મળે છે. ખાસ વાત એ છે કે કોઈ વાનગી કે સબ્જી પૂરી થઈ જાય તો બીજી કે ત્રીજી વાર જ નહીં અનલિમિટેડ વાર ખાવા મળે છે. આ થાળીને ચાર લોકો સાથે શેર કરી શકાય છે. આ થાળીનું વજન ચાર કિલો હોય છે.

થાળીને ટેબલ સુધી લાવવા માટે બે વેઈટર આવે છે. આ થાળીનો આનંદ માણવા ૧૬૦૦ રૂપિયા ચુકવવા પડે છે.

હમણા હૈદરાબાદના એક રેસ્ટોરેન્ટમાં હૈદરાબાદી બિરયાનીની લિજ્જત માણવા ગયેલ એક ગ્રાહકને એક પણ નયા પૈસા ચૂકવ્યા વિના ભરપેટ માર આરોગવા મળ્યો. કોઇ વ્યક્તિ બે પેટ કરીને ભોજન ઝાપટે તો આફરો કે અપચો થઇ જાય. ડેમની જેમ પેટ ફાટું ફાટું થતું હોય! પેલાં કમનસીબ ગ્રાહકને ઢોરમાર હજમ ન થયો અને મારના અતિપોષણના લીધે અવસાન થયું. કમનસીબ ગ્રાહકે હૈદરાબાદી બિરયાનીનો ઓર્ડર કરેલો. આપણે પુલાવ કે બિરયાની રાઇતા, પાપડ,છાશ સાથે ખાઇએ તો જ ગળે ઊતરે. નહીંતર ગળે ડચૂરો બાજે! ગ્રાહકનું નામ લિયાકત હતું. લિયાકતે બિરયાની સાથે મફતમાં રાયતું આપવા વિનંતી કરી. રેસ્ટોરેન્ટ બિરયાની સાથે મફત રાયતું સર્વ કરતું ન હતું! લિયાકતે બિરયાની સાથે રાયતાની માગણી કરી તેમાં રાયતું ફેલાઇ ગયું. લિયાકતને મફત રાયતું ન મળ્યું પરંતુ, વિના મૂલ્યે અમૂલ્ય ઢોરમાર મળ્યો. લિયાકતને થયેલ ઇજાથી સારવાર દરમિયાન તેનું મરણ થયું! હોટેલના બદતમીજ વ્યવહારની બીજી ફરિયાદ પણ થઇ છે!

રાજુ રદ્દીએ જીભના ચટાકા માટે હોટેલ-રેસ્ટોરેન્ટ ન જવા અને જવું પડે તો મફતનું પાણી, ટિસ્યુ, ટુથપીક, મુખવાસ અને તમામ ટંટાફિસાદની જડ સમાન રાઇતું કદી પણ નહીં માગવાનો સંકલ્પ કર્યો છે. જરૂર પડે તો પણ મફતમાં શ્ર્વાસ પણ ન લેવાનો ભગીરથ નિર્ણય કર્યો છે! કેમ કે, બેચાર રૂપિયાના મફત શ્ર્વાસ માટે મોંઘા મૂલની જિંદગીથી હાથ ધોવાનું પરવડે નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button