વીક એન્ડ

શ્રાધ્ધમાં થોડી વેરાયટી આપો: લિ. પિતૃ

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

મિલનભાઈ ગજબ થઈ ગયો.વિસર્જન યાત્રામાં ગયા હતા. હું તો પાછો આવી ગયો, પરંતુ દિલો ક્યાંય દેખાતો નથી. મેં તરત જ કહ્યું કે ‘કાળા ગણપતિ તો ન હોય એટલે તું બચી ગયો પરંતુ દિલો તો ૬’૫ ફૂટ હાઈટ અને ૧૪૦ કિલો નો દાગીનો છે.કોઈક એ ગણપતિ માની અને વિસર્જન તો નથી કરી નાખ્યું ને.

આટલું બોલો ત્યાં તો બગલમાં ચાર પાંચ ગણપતિ દબાવી અને દિલો સામેથી ડોલતો ડોલતો આવતો દેખાયો. આવીને ગણપતિ મારી સામે મૂક્યા અને કહ્યું “મિલનભાઈ ગણપતિના વિસર્જન પછી વિસર્જિત થયેલી આ મૂર્તિઓની હાલત જોઈ અને ખરેખર દુ:ખ થાય છે.પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જે રીતે પાણીમાં ભાંગે છે તૂટે છે તે રીતે ખરેખર મારી ધાર્મિક લાગણી દુભાય છે.લોકો માટીના ગણપતિ રાખતા હોય તો ઘરે પણ વિસર્જિત કરી શકે.’ દિલાની ચિંતા વ્યાજબી હતી.પરંતુ લોકોને દેખાદેખીમાં રસ છે.કોણ સમજાવે? ચુનીયાએ વાતનો ટ્રેક બદલતા કહ્યું કે “ચાલો દિલો આવી ગયો એટલે મિલનભાઈ પાર્ટી આપો. તમારા ઘરે બનેલો દૂધપાક ચખાડો”. હું દૂધપાકનો તપેલું લઈ અને બહાર આવ્યો સાથે બે નાનકડી વાટકી પણ લાવ્યો. ચાખવા માટે,એટલે ચુનિયાએ તપેલામાંથી બે નાનકડી વાટકી ભરી લીધી મને હાશકારો થયો. અને આ શુભ સમાચાર દેવા માટે હું રસોડામાં ગયો અને પત્નીને કહ્યું કે “ચિંતા નથી, બંને સમજુ છે.બે નાની વાટકી જ ભરી છે”. આટલા સમાચાર આપી અને બહાર આવ્યો ત્યાં તો તપેલું સાફ થઈ ગયું હતું. બે નાની વાટકી ભરેલી પડી હતી મેં ચિંતા, ગુસ્સો, આશ્ચર્ય વિગેરે મિશ્રિત ભાવ સાથે ચુનિયા સામે જોયું તો મને કહે ચિંતા કરોમાં. તમારા બંને માણસનો મેં વિચાર કરી અને આ બે વાટકી પહેલેથી જુદી રાખી હતી. જાવ જલસા કરો.” એકવાર તો મને એમ થયું કે થયું કે આ બંનેનું હું વિસર્જન કરી આવું. શ્રાદ્ધનો ૧૦ માણસ નો દૂધપાક બે જણા ઉલાળી ગયાં.

ભાદરવા મહિનામાં પૂનમથી ૧૬ દિવસ શ્રાદ્ધના હોય છે અને લોકો શ્રાધ્ધમાં કાગડાને કાગવાસ નાખે. મુંબઈમાં કાગડા મળી રહે છે તો ઘરની ખીર નથી મળતી અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં ખીર છે તો કાગડા
ઓછા છે.

બચારા કાગડાના નસીબ એવા છે કે ફિક્સ મેન્યૂ જ હોય અને મોટાભાગે લોકેશન પણ અગાસી જ રહે..

આમ તો ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ બધે જ લાગુ પડે એટલે આખું વર્ષ તમે જેની ઉપમા ખરાબમાં જ લેતા હો પણ અત્યારે એની બોલબાલા થાય. તમને ખબર જ છે કે માણસોને પણ ‘કાગડા જેવો છે’ કહીને કોસવામાં આવે. કોઈક જોરથી બોલતો હોય તો કહેવામાં આવે કે ‘શું કાગડાની જેમ કાં કાં કરે છે?’ પણ આ ૧૫ દિવસ અચાનક જ કાગડાની માર્કેટ વધી જાય છે. આપણને એમ લાગે કે જાણે માણસો તેમને જે રીતે ઉપમા આપતા હોય તેનો બદલો લેવા તૈયાર જ હોય એ રીતે ગૂમ થઈ જાય છે. કાગડાએ જોયું જ હોય ને કે તમે જેની સાથે રોજ બેસતા હો, ગપાટા મારતા હો, જમીન પર પણ લાંબા ટાંટિયા કરીને બેસી જતા હો તેને ખાલી એટલું કહો કે ’દોસ્ત, તારુ કામ પડ્યું છે’ એટલે એ જ માણસ તમને પહેલા તો બે ત્રણ દિવસ સમય જ ન આપે અને આપે ત્યારે સોફા પર એવો પથરાયને બેસે કે તમારે ફરજિયાત નીચે બેસવું પડે! આ વખતે શ્રાધ્ધમાં મને નથી લાગતું કે કોઈ પિતૃ દેખાય અને દેખાશે ને તો પણ એક કાગડા બરાબર ૧૦૦ પિતૃની એવરેજ આવશે. હું પણ કાગડા શોધવા નિકળ્યો હતો. અસલ એમની જેમ જ ક્રાં ક્રાં બોલીને અવાજ દેતો હતો. બે ત્રણ જણા તો ખીર લઈને બહાર નીકળી કાગડા આવ્યાનાં હરખમાં કાગવાસ લઈને અગાસીમાં પણ ગયા પરંતુ મારો કલર સફેદ એટલે કાગડો નથી એવી જાણ થતા નિરાશ ચહેરે ઘરમાં પાછાં જતા રહ્યા! મને પહેલી વાર હું કાગડો ન બન્યાનું દુ:ખ થયું કેમ કે ખીરની સુગંધ એવી હતી કે ગમે તે લલચાય જાય. હું શોધતો શોધતો ગાઢ વૃક્ષો વચ્ચે એક સાથે પાંચ કાગડા જોઈ ગયો. મને હરખથી આંખમાં આંસુ આવી ગયા અને મનમાં ખાત્રી થઈ ગઈ કે આ જ મારા પિતૃઓ હશે કેમ કે મારા વડવાઓને કોઈ કામધંધો નહીં એટલે આ રીતે જ ઓટલે બેસીને આખા ગામની પંચાત કરતા. માથુ નમાવી એમની નજીક ગયો અને એમાં પણ બે કાગડાઓએ મારી સામે ડોળા કાઢ્યા એવો સમજી ગયો કે આમાં મારા પત્નીના પિતૃઓ પણ સાથે જ છે! ભાવભર્યું આમંત્રણ આપ્યું અને પછી નિરાંતે એમની સાથે વાતોએ વળગયો. મને મારી જાત પર અહંમ આવ્યો કે આવી ધમધમતી સીઝનમાં આ લોકો મારી સાથે ગપાટા મારવા ફ્રી થઈ ગયા એટલે મારી પ્રત્યે કેટલો પ્રેમ હશે! મેં હળવેથી આભાર વ્યક્ત કરતા પૂછી લીધું કે ’કેમ ક્યાંય ભોજનનું આમંત્રણ નથી?’ અને પછી બાંધેલા બંધના પાટિયા ખૂલતા ધસધસતું પાણી આવે એમ એક પછી એક વાતો શરૂ થઇ..

દિકરા, અહિંયા બેસીને મળે એટલું ખવાય. ઉડી ઉડીને છેક શહેર સુધી જઈએ અને કાયમ એક જ મેન્યૂ? જાણે અમને કોઈને ડાયાબીટીઝ થતું જ ન હોય. જ્યાં જાઈએ ત્યાં મીઠું મીઠું અને મીઠું. મિષ્ટાનથી મોઢુ ન ભાંગી જાય? બાપુજી માનીને ખવડાવો છો તો કો’ક દિ’ પૂછો તો ખરા કે બાપુજી શું ખાશો? જીવતા જીવ તો પૂછ્યું નથી હવે તો પૂછો. માણસ એકાદ ભજીયુ મૂકે, બે’ક તળેલા મરચા, પાપડ, ક્યારેક કોબીજનો સંભારો મૂકાય પણ ના માંડ હાથમાં આવ્યો છે. એક જ વસ્તુ ખીર. ઘણાને ખીર બનાવતા નથી આવડતી. ચોખા સરખા ચડ્યા ન હોય, દૂધમાં પાણી નાખ્યું હોય અને હરામ બરાબર કોઈ સૂકો મેવો દેખાય તો. મોંઘવારી વધે એમાં અમારો વાંક? ગળ્યુ જ ખવડાવવું હોય તો ઘીમાં લથપથ પૂરણપોળી ખવડાવો, એકાદ કાજૂ કતરીનું બટકુ મૂકો, ખસખસ વાળા ચોખ્ખા ઘીના ચૂરમાના લાડવા આપો પણ નહીં એટલે નહીં. અમને કોઈ દિવસ પૂછવાનું જ નહીં. હમણા સાંભળ્યુ છે કે પીઝા પણ ભાવે એવા મળે છે. જો પે’લો છેલ્લે બેઠોને એ પીઝાની દુકાનની સામેના ઝાડવે એક બેડરૂમનો ફ્લેટ બનાવેલો એટલે જો કેવો ખાઇ ખાઇને ફૂલી ગયો છે. ઉડી માંડ શકે છે પણ તાજોમાજો તો થઈ ગયો કે નહીં? તો અમને વડાપાઉ, પાઉંભાજી જેવા શોખ ન થાય? અમે તમારા જ પિતૃ છીએ, અમને ખબર છે કે કઈ રેકડી પર છાનામાના આમલેટ ખાય આવો છો. ક્યારેક ઘરના ન જૂએ એમ આમલેટનો એકાદ કટકો રાખી દીધો હોય તો શું ખોટ જવાની? કેટલાયના પિતૃઓ છાંટોપાણી કરતા, છોકરાઓ કેમ ભૂલી જાય છે કે બાપુજીને કઈ બ્રાન્ડ ગમતી? તું નિકળ તારો વાંક ઓછો છે એટલે આવી જાઇશુ પણ ક્વોલીટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરતો ઘરમાં ખવાય એવી જ ખીર મૂકજે અને ખમણ કે પાત્રા ભેગા રાખજે એટલે મોઢુ ભાંગે નહીં અને તારા દાદીને નીચે જ રાખજે એટલે નિરાંતે ખાઇ શકાય અને ખાસ સૂચના કે બાજુ વાળી મંગૂના છોકરાનું ખાઇ આવ્યો એ કહેતો નહીં
હું રાજીપા સાથે પાછો વળ્યો પણ વિચાર આવ્યો કે માણસે કાગડાને જ શ્રાદ્ધમાં કેમ પસંદ કર્યો હશે? પણ કાગડાની ખાસિયતો મગજમાં આવી. જૂના જમાનાની વાર્તામાં પિતૃઓ ઘડામાં કાંકરા
નાખવાની મહેનત તો કરતા. હવે લેટેસ્ટ પિતૃઓ તો સીધી સ્ટ્રો જ લાવે છે! કાગડાથી ચતૂર પક્ષી એક પણ નથી. કાગડાની યાદશક્તિ ગજબ હોય છે. કાગડો માણસને ચહેરાથી યાદ રાખી શકે છે. અમારો ચૂનિયો અમસ્તો નથી હેલમેટ પહેરીને ફરતો. ચૂનિયાના પિતૃઓએ તો જાણે પરિપત્ર બહાર પાડ્યો હોય અને ફોટો વાયરલ કર્યો હોય એમ કોઈ પણ પ્રદેશનો કાગડો ચૂનિયાને જૂએ એટલે ચાંચ મારી જ જાય! કાગડાની પ્રકૃત્તિ લાલચુ હોય છે. પોતે પોતાનું ખાઇને ચાંચમાં ભરીને લઈ જાય એટલે આપણને એમ થાય કે પરિવાર માટે લઈ જતો હશે પણ જો પાછળ જઈને જૂઓ તો એકાદ ઝાડવે નિરાંતે બેસીને પોતે જ ખાતો હોય! ઓડકાર ખાધાં પછી જ પરિવારનો વિચાર કરે! ઘેર પહોંચ્યો ત્યાં વિચાર આવ્યો કે આ બધા ગુણો તો આપણા નેતાઓમાં પણ છે અને આપણે ખોટા કાગડાને બદનામ કરીએ છીંએ તો શું આ વખતે કાગડા ન મળે તો નેતાઓને ખીર ન ખવડાવી શકાય? પણ ભાઈ જે સીધા જ સૂકા મેવા દાબતા હોય એને ખવડાવવા ક્યાં જવું પડે એ તો જાતે જ આપણા ખીસ્સા ખાલી કરવા સમર્થ છે.

વિચારવાયુ:
નવરાત્રિમાં ગરબા રમવા હોય તો દૂધપાક,ખીર ખાવામાં માપ રાખજો. બાકી ગ્રાઉન્ડમાં પીપડું ગોળ ગોળ ફરતું હોય એવું લાગશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત