મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને મુદ્દે શિવસેના (યુબીટી)માં ધુંધવાટ
સંજય રાઉતની હતાશા શુક્રવારની પત્રકાર પરિષદમાં આંખે ઉડીને વળગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાનપદ માટે કોંગ્રેસ અને એનસીપી (શરદ ચંદ્ર પવાર) તરફથી અપેક્ષિત સમર્થન ન મળવાને કારણે નારાજ થયેલી શિવસેના હવે ધુંધવાટ અનુભવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. શુક્રવારના રોજ પત્રકારોને સંબોધતાં શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતના વર્તનમાં ધુંધવાટ જોવા મળ્યો હતો.
ઠાકરેએ ક્યાં પોતાની વાત કરી?
રાઉતની પ્રેસ કોન્ફરન્સમાં કોઈએ પ્રશ્ર્ન કર્યો કે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ પાસે મુખ્ય પ્રધાનપદની ભીખ માંગી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે શું ઠાકરે હવે શરદ પવાર પર પણ આરોપ લગાવશે જેમ તેમણે અગાઉ ભાજપ પર આરોપ લગાવ્યા હતા? આ સવાલ પર રાઉતની અભિવ્યક્તિ બદલાઈ ગઈ અને તેમણે બાવનકુળેને દોષી ઠેરવ્યા હતા. ‘બાવનકુળે એ રાજકારણમાં હારી ગયેલો કેસ છે. અમારે કોઈને આજીજી કરવાની જરૂર નથી. અમે મહાવિકાસ અઘાડીની બેઠકમાં એવી રજૂઆત કરી હતી કે મુખ્ય પ્રધાનપદ માટેના ચહેરાને જાહેર કરી દેવામાં આવે. તે ચહેરો કોંગ્રેસે આપવો જોઈએ અથવા એનસીપીએ, ઠાકરેએ પોતાના વિશે ક્યાં વાત જ કરી હતી?’ એવો પ્રશ્ર્ન રાઉતે પૂછ્યો હતો.
પક્ષો એકબીજાના ઉમેદવારને હરાવશે
સંજય રાઉતે સમજાવ્યું કે ઠાકરેને કોંગ્રેસની ‘જેમની સીટોની સંખ્યા વધુ તેમના મુખ્ય પ્રધાન બનશે’ની નીતિનો વિરોધ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ‘વધુ બેઠકોના મુખ્ય પ્રધાનની નીતિ ધરાવતા ગઠબંધન ક્યારેય સફળ થતા નથી કારણ કે ગઠબંધનમાં પછી દરેક પક્ષ એકબીજાની બેઠકોનો પાડવા માટે કામ કરે છે.’
આ પણ વાંચો: ભાજપના પ્રધાનને ‘નકામા’ કહ્યા સાથી પક્ષ શિવસેનાના આ નેતાએ…
કોણે કહ્યું?
જ્યારે એક પત્રકારે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં આ મુદ્દે નારાજગી છે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે હાલમાં મુખ્યમંત્રી પદ પર ચર્ચા કરવા માંગતા નથી, ત્યારે રાઉતે એવો પ્રતિપ્રશ્ર્ન કર્યો હતો કે કોણે કહ્યું? ત્રણ વખત પ્રશ્ર્નનો જવાબ આપવા છતાં સંબંધિત પત્રકારને પ્રશ્ર્ન પૂરો કરવામાં અવરોધ ઊભો થયો હતો.
‘સારું… ચાલો તેના વિશે વાત કરીએ… નાના પટોલેએ ઠાકરેના મુખ્ય પ્રધાન પદ વિશે વાત કરી ન હતી. અને અમારી એક વાત સાથે બધા સહમત છે કે આપણે ચહેરા વિના ચૂંટણીનો સામનો કરી શકીએ નહીં, પરંતુ અત્યારે આપણા રાજ્યમાં મુદ્દો એ છે કે છોકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે,’ એમ કહીને તેમણે વાતને અન્યત્ર વાળી દેવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્ય પ્રધાનપદની અટકળો ચાલુ
મહાવિકાસ અઘાડીની સંયુક્ત બેઠકમાં ઠાકરેએ મુખ્ય પ્રધાનપદનો મુદ્દો છોડી દીધો હોવાની લાગણી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વ્યક્ત કરી રહી છે. લોકસભાના પરિણામોને ધ્યાનમાં લેતાં ઠાકરેને હવે ખાતરી નથી કે તેઓ ગઠબંધનમાં વધુ બેઠકો જીતી શકશે, તેથી એવું કહેવાય છે કે તેમણે આડકતરી રીતે મુખ્ય પ્રધાનપદ માટે તેમના નામની જાહેરાત કરવામાં આવે તે માટે દબાણ લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાનપદ મળવાની શક્યતા જણાશે નહીં તો ઉદ્ધવ ઠાકરે મહાયુતિમાં જોડાઈને પોતાના પુત્ર માટે નાયબ મુખ્ય પ્રધાનપદ મેળવવાના પ્રયાસ કરશે.