કેએલ રાહુલના રિટાયરમેન્ટની જોરદાર અફવા…સત્ય કંઈક આવું જણાઈ રહ્યું છે
નવી દિલ્હી: ફટાફટ ક્રિકેટના આ જમાનામાં બોલરનો ફાસ્ટેસ્ટ બૉલ તેના હાથમાંથી છૂટે અને બૅટર સુધી પહોંચે એનાથી પણ વધુ ઝડપે અફવા વાઇરલ થઈ જતી હોય છે. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના કિસ્સામાં કંઈક આવું જ થયું. જોકે આ અફવા પાછળનું સત્ય એવું મનાય છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બાબતમાં કંઈક મોટું અનાઉન્સમેન્ટ કરવા માગે છે.
ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં સારું પર્ફોર્મ કરવાની ક્ષમતા અને કાબેલિયત ધરાવતા આ ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં માત્ર એક લાઇન લખી એમાં તો તેના રિટાયરમેન્ટની અફવા ફેલાઈ ગઈ. સામાન્ય રીતે 32 વર્ષની ઉંમરે કોઈ ખેલાડી રિટાયરમેન્ટ જાહેર કરે તો નહીં, પરંતુ ક્ધનોર લોકેશ રાહુલ વિશે ગઈ કાલ બપોરથી એવી વાત હતી કે તે નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે.
‘હું એક જાહેરાત કરવાનો છું’ એવું રાહુલે લખ્યું એ પછી તો ચર્ચા થવા લાગી કે રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. એક બનાવટી સ્ક્રીનશૉટ પણ ઑનલાઇન વાઇરલ થઈ ગયો એટલે રાહુલના ઘણા ચાહકોને વાત સાચી લાગી હતી. એ સ્ક્રીનશૉટમાં રાહુલના નામે આવું લખાયું હતું, ‘ઘણો વિચાર કર્યા પછી મેં પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયર થઈ જવાનું નક્કી કર્યું છે. ઘણા વર્ષોથી આ રમત મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો રહી છે એટલે નિર્ણય લેવાનું મારા માટે જરાય આસાન નહોતું.’
તાજેતરમાં જ શ્રીલંકા સામેની વન-ડેમાં રમેલા રાહુલે 50 ટેસ્ટમાં આઠ સદીની મદદથી 2,863 રન, 77 વન-ડેમાં સાત સદી સાથે 2,851 રન અને 72 ટી-20માં બે સદીની મદદથી 2,265 રન બનાવ્યા છે. આઇપીએલ સહિતની તમામ ટી-20માં તેણે 7,586 રન રન ખડકી દીધા છે. જોકે આઠ મહિના પહેલાં વન-ડે વર્લ્ડ કપમાં મોટું યોગદાન આપનાર રાહુલના રિટાયરમેન્ટની વાત ઊતરતી નહોતી એવામાં ખબર મળી હતી કે તે 2025ની આઇપીએલ માટેના પ્લેયર્સ ઑક્શન પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)માં પાછો આવવા વિચારી રહ્યો છે.
જોકે કંઈ જ નક્કર બાતમી ન મળી હોવાથી અફવા બજાર ગરમ જ હતું. બાય ધ વે, બૉલીવૂડ ઍક્ટર સુનીલ શેટ્ટીના જમાઈ (આથિયા શેટ્ટીના પતિ) કેએલ રાહુલની આગામી દુલીપ ટ્રોફીમાં કસોટી થવાની છે. પાંચમી સપ્ટેમ્બરે શરૂ થનારી તે ટીમ-એમાં શુભમન ગિલના સુકાનમાં રમવાનો છે. જોકે એ ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ પણ છે.