નેશનલ

કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત

કોલકાતા: આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) મામલે દેશભરમાં રોષનો માહોલ છે, આરોપીઓ કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા સંજય રોયએ 8 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી, તેની હત્યા કરી હતી. હવે આરોપી વિશે નવો ખુલાસો થયો છે.

અહેવાલ મુજબ 8 ઓગસ્ટની રાત્રે મહિલા ડોક્ટર હોસ્પિટલના સેમિનાર હોલમાં સૂઈ રહી હતી. સંજય રોય સવારે 4.03 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશતા દેખાયો હતો, ત્યાર બાદ તે સવારે 4.40 વાગ્યે સેમિનાર હોલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. 37 મિનીટમાં હત્યાને અંજામ આપ્યા બાદ સંજય સેમિનાર હોલની બહાર નીકળ્યો હતો. પીડિતાનું મૃત્યુ 9 ઓગસ્ટના રોજ સવારે 4.15 થી 4.40 વચ્ચે થયું હતું.

આ ઘટના બની હોવાની જાણ 9 ઓગસ્ટના સવારે થઇ હતી. આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા સેમિનાર હોલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના શરીર પર કપડાં ન હતા, લોહી વહેતું હતું, શરીર પર ઈજાના નિશાન હતા.

આરોપી સંજય રોય 8મી અને 9મી તારીખની રાત્રે અલગ-અલગ બહાને કુલ ચાર વખત આરજી કાર હોસ્પિટલની અંદર આવ્યો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર આંટો મારીને બહાર નીકળી ગયો હતો. પરંતુ ચોથી વખત હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ સેમીનાર હોલમાં ઘુસ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં એક યુવતીની છેડતી પણ કરી હતી.

પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. 5 દિવસ બાદ હાઈકોર્ટે આ કેસ પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button