નેશનલ

ત્રિપુરામાં ભીષણ પુરની સ્થિતિ, 22લોકોના મોત, 65,000 થી વધુ વિસ્થાપિત

નવી દિલ્હી: ઉત્તરપૂર્વ ભારતનું રાજ્ય ત્રિપુરા હાલ ભીષણ પુરની સ્થિતિ(Flood in Tripura)નો સામનો કરી રહ્યા છે, પૂરના કારણે લોકોની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પૂરના કારણે રાજ્યમાં 22 લોકોના મોત નિપજ્યા છે, 17 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, 65 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. રાજ્યભરમાં 450 રાહત શિબિરો ખોલવામાં આવી છે. NDRFની ઘણી ટીમોને હવાઈ માર્ગે ત્રિપુરા મોકલવામાં આવી છે. એવામાં હવમાન વિભાગે (IMD)એ ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદને કારણે રાજ્યની 2,032 જગ્યાએથી ભૂસ્ખલન નોંધાયું હતું, જેમાંથી 1,789 જગ્યાઓ સાફ કરવામાં આવી છે, અન્ય સ્થળોએ કામગીરી ચાલી રહી છે. આસામ રાઈફલ્સે કહ્યું કે તેણે ત્રિપુરામાં રાહત કામગીરીમાં લગભગ 334 નાગરિકોને બચાવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ગોમતી અને દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે બે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. સેનાએ લગભગ 85 લોકોને આવશ્યક રાશન અને પુરવઠો પણ પૂરો પાડ્યો છે.

પ્રતિકૂળ હવામાનને કારણે શુક્રવારે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પરિસ્થિતિ અંગે માહિતી આપતા મુખ્ય પ્રધાન માણિક સાહા(Manik Saha)એ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે સંતીરબજારમાં અશ્વની ત્રિપુરા પારા અને દેબીપુરમાં ભૂસ્ખલન થતાં દસ લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમણે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન માણિક સાહાએ નાગરિકોને ચાલુ રાહત અને બચાવ કામગીરીમાં સરકાર અને NDRFના જવાનોને સહકાર આપવા અને મદદ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે “પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. હું દરેકને સરકાર અને NDRF ટીમોને ટેકો આપવા અને સહકાર આપવા વિનંતી કરું છું. હું વ્યક્તિગત રીતે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું.”

અધિકારીઓએ જણાવ્યું કે ત્રિપુરામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના તમામ આઠ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button