સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા સગીરનું મોત, આરોપ સાથે પરિવાર મૃતદેહ સાથે CP કચેરીએ પહોંચ્યો
સુરતઃ શહેરના સિંગણપોરમાં કન્સટ્રક્શન સાઈટ પર સગીર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પરિવારના સભ્યોને અકસ્માત નહિ પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ હોવાની આશંકા છે. જેના કારણે કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા.
સગીરનું ઘટનાસ્થળે જ મોત:
અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો ચિરાગ (ઉ.વ.15) મીઠાપરા સિંગણપોર ખાતે આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર અગાઉ છુટક કામ કરવા માટે આવતો હતો. રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઈટ પર કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઈટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
સેફ્ટી વિના કામ કરાવાતું હોવાનો આક્ષેપ:
ચિરાગના મોતને પગલે પરિવારે બિલ્ડર પર આક્ષેપ લગાવ્યા છે કે સેફ્ટી વિના કામ કરાવતા ઘટના બની બની છે. ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મિમેર હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયુ હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ નહિ લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડીરાત્રે મામલો થાળે પાડ્યો હતો.
યોગ્ય તપાસનું આશ્વાસન:
આ ઘટનાની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી. જોકે, પરિવારને આશંકા છે કે, આ અકસ્માત નહિ જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માગણી કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા.