રુદ્રપ્રયાગ : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં(Rudraprayag)બે દિવસથી ભારે વરસાદના પગલે પહાડી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ રાત્રે 1. 30 વાગે ફાટા હેલીપેડ સામેના ખાટ્ ગડરે વિસ્તારમાં ચાર લોકો ભૂસ્ખલનના લીધે કાટમાળમાં દબાયા હોવાની માહિતી મળી હતી. તેની બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ચાર લોકોમાંથી કોઇને બચાવી શકાયા ન હતા. રેસ્ક્યુ ટીમને ચાર લોકોના શબ મળ્યા હતા.
શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલાયા
આ દુર્ઘટના અંગે જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરે પાસે ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે 4 લોકો દટાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે એક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમને ચાર લોકોના શબ મળ્યા હતા. પોલીસે 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
મૃત્યુ પામનારા તમામ લોકો નેપાળના
નંદન સિંહ રાજવારે કહ્યું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો નેપાળના છે. જેમાં તુલ બહાદુર, પૂર્ણ નેપાળી, કિષ્ના પરિહાર અને દીપક બુરાનો સમાવેશ થાય છે. બચાવ ટીમમાં SDRF પોલીસ અને DDRFના જવાનો સામેલ હતા. બચાવ ટુકડીઓએ ખાટ ગડરે કાટમાળ નીચે ફસાયેલા ચાર નેપાળીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.