મુંબઈ-કંડલા બંદરેથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફાશ : ૪૦૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા
ભુજ: દેશમાં ચોખાના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદવામા આવેલો છે. પેરાબોઈલ્ડ એટલે કે બાફેલા તથા બાસમતી ચોખાની નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. કેટલાક નિકાસકારો વિયેતનામ અને આફ્રિકાના કેન્યામાં મિસડિક્લેરેશન થકી નોન બાસમતી ચોખા નિકાસ કરી રહ્યા હોવા અંગે મળેલા ઇન્પુટ્સના આધારે ડીઆરઆઈએ મુંબઈ, કંડલા અને મુંદરા બંદરેથી 400 જેટલા શંકાસ્પદ કન્ટેઈનરોને અટકાવી દેતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
આ મામલે મળેલી વધુ વિગતો અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા મુંબઈના જેએનપીટી, મુંદરા અને કંડલા બંદરે શિપમેન્ટમાં કથિત રીતે ઓર્ગેનિક ચોખાની આડમાં નોન-ઓર્ગેનિક સફેદ (કાચા) અને પરાબોઈલ્ડ (બાફેલા) ચોખાની નિકાસ કરવામાં આવી હોવાના ઈન્પુટના આધારે ૪૦૦થી વધુ ઓર્ગેનિક ચોખાના કન્ટેનરોને અટકાવીને સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગત એપ્રિલથી જુલાઈ ૨૦૨૪-૨૫ સુધીના નાણાકીય વર્ષ દરમ્યાન ઓર્ગેનિક ચોખાના કરવામાં આવેલા ૧,૪૬,૫૮૫ ટન શિપમેન્ટમાં શંકાસ્પદ રીતે બમણો વધારો થયો હોવાનું એજન્સીના ધ્યાને ચડ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત
નિકાસ કરવામાં આવેલા આ શિપમેન્ટ્સમાં ૧,૨૭,૧૨૦ ટન સફેદ ચોખા, ૮,૦૦૦ ટન તૂટેલા ચોખા, જુલાઈ ૨૦૨૩થી ભારતમાંથી સફેદ (કાચા) અને તૂટેલા ચોખાની નિકાસ પરના પ્રતિબંધના ઉલ્લંઘનમાં કરવામાં આવ્યા હતા. સૂત્રોના દાવા મુજબ, ડીઆરઆઈ દ્વારા અટકાયત કરાયેલા કુલ શિપમેન્ટમાંથી ૨૦૦થી વધુ શિપમેન્ટ એકલા મુંબઈના જેએનપીટીના છે. એક ડેટા મુજબ ૨૨,૧૨૬ ટન અને ૧૬,૫૪૭ ટન ઓર્ગેનિક ચોખાના શિપમેન્ટ વિયેતનામ અને કેન્યા માટે રવાના થયા હતા પરંતુ ભાગ્યે જ તેમના ગંતવ્ય સુધી પહોંચ્યા હતા.
કસ્ટમ્સ વિભાગે બિન-ઓર્ગેનિક ચોખાને ઓર્ગેનિક ચોખા તરીકે બહાર મોકલવાના મુદ્દે વેપારી જહાજ એમવી ડેલાને સફર કરતા મધદરિયે અટકાવ્યું છે. વિયેતનામને ભારતમાંથી ૨,૦૦૦ ટનથી ઓછા ઓર્ગેનિક ચોખાની શિપમેન્ટ મળી હતી, જ્યારે કેન્યાને એક પણ ટન ઓર્ગેનિક ચોખા મળ્યા નથી. કેન્યામાં, ચોખાના માલને બિન-ઓર્ગેનિક ચોખા તરીકે નોંધવામાં આવ્યા છે. ૪૯૧ ડોલર પ્રતિ ટન ભાવે ખરીદી કરનારા વિયેતનામના માલસામાનને અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યા હોય અથવા મિસડિક્લેરેશન કરવામાં આવ્યું હોય તેવું એજન્સીને લાગી રહ્યું છે.
ગત નાણાકીય વર્ષમાં વિયેતનામે સરેરાશ ૪૬૬ ડોલર પ્રતિ ટનના ભાવે ૩૪,૧૫૨ ટન ચોખાની ખરીદી કરી હતી, જ્યારે વૈશ્વિક અછતને કારણે ગયા નાણાકીય વર્ષમાં બિન-ઓર્ગેનિક સફેદ ચોખાના ભાવ પણ ૫૦૦ ડોલર કરતાં વધુ હતા. કેન્યાએ ગત નાણાકીય વર્ષમાં ઓર્ગેનિક ચોખાના એક પણ દાણાની આયાત કરી નથી. આ કેટલાક રસપ્રદ ડેટા છે જેની કેન્દ્રને તપાસ કરવાની જરૂર છે.