સલીમ-જાવેદ હવે નવો ‘વિજય’ લાવશે?
‘જંજીર’ વખતે સામાન્ય માનવી ધૂંધવાયેલો હતો અને આજે પણ અકળામણ છે, જેનું કારણ - સ્વરૂપ જુદું હશે. એક વખતની આ જમાવટ લેખક જોડી નવો કરિશ્મા કરી શકશે?
હેન્રી શાસ્ત્રી
એક્ટર અને દિગ્દર્શક બનવાના સપનાનું પોટલું વાળીસલીમ – જાવેદ ‘સિપ્પી ફિલ્મ્સ’ના પગારદાર લેખક બની ગયા. ‘અધિકાર’, ‘અંદાજ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’ વગેરે ફિલ્મોથી એમની નોંધ લેવાઈ રહી હતી. ૧૯૭૩માં પ્રકાશ મેહરાની ‘જંજીર’ આવી અને ઈન્સ્પેક્ટર વિજય ખન્ના અને શેરખાન (અમિતાભ બચ્ચન અને પ્રાણ) વચ્ચે પોલીસ સ્ટેશનના સીનમાં એ સમયના વાતાવરણમાં ધૂંધવાયેલી દેશની જનતાના આક્રોશનો જાણે કે પડઘો પડ્યો. બેખોફ જુગારના અડ્ડા ચલાવતા શેરખાનને નવા પોલીસ ઈન્સ્પેક્ટરના આગમનની જાણ થાય છે. પોતાની ‘શક્તિ’ દેખાડવા શેરખાન રૂઆબ સાથે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારે છે અને જાણે પોતાના જ ઘરમાં હોય એમ ખુરશી પર બેસવા જાય છે અને એક સીન અને એક સંવાદ આવે છે જે ‘જંજીર’ની સફળતામાં અને અમિતજીનું કરિયર બનાવવામાં મોટો તણખો સાબિત થાય છે.
શેરખાન ખુરશી પર હજી બેસે ત્યાં વિજય ખુરશીને કચકચાવીને ધક્કો મારીને ફગાવે છે અને એનામાં રહેલો જ્વાળામુખી ફાટે છે, ‘જબ તક બૈઠને કો ના કહા જાએ, શરાફત સે ખડે રહો. યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.’
અત્યાર સુધી ફિલ્મ એન્જોય કરી રહેલો દર્શક દિગ્મૂઢ બની જાય છે-સ્તબ્ધ થઈ જાય છે. એની આંખો પલકારા મારવાનું ભૂલી જાય છે અને વિજયને પ્રતિભાવ આપતા હોય એમ એના બે હોઠ જોરથી બિડાઈ જાય છે. સમગ્ર થિયેટરમાં કેટલીક ક્ષણ માટે ટાંચણી પડે તોય સંભળાય એવી શાંતિ છવાઈ જાય છે. અચાનક કોઈએ ઢંઢોળ્યો હોય એમ દર્શક જાણે કે જાગે છે અને આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠે છે. એ ગુંજારવના પડઘા પછી સમગ્ર દેશમાં સાંભળવા મળે છે. એંગ્રી યંગ મેનના ઉદભવ સાથે સલીમ – જાવેદ સ્ટાર રાઈટર બની જાય છે.
‘જંજીર’ પછી ‘દીવાર’, ‘શોલે’ અને ‘ત્રિશુલ’માં પણ સામાન્ય માનવીને પોતાના આક્રોશનો પડઘો સંભળાયો. પર્વતની ટોચ પર ઊભા રહી નીચે ખીણમાં નજર નાખવાની હિંમત કરી આપણે જે કંઈ બોલીએ એ જ આપણને સહેજ મધુર સ્વરમાં સાંભળવા
મળે તો કેવા રાજી થઈ જઈએ. પોતાની લાગણીઓનો પડઘો સૌ કોઈને વહાલો
લાગતો હોય છે. ‘જંજીર’ અને એ
પછીની ફિલ્મોમાં પ્રેક્ષકોએ એવી જ લાગણી અનુભવી.
એ પછી તો અમિતાભની અને સલીમ -જાવેદની જોડીએ લાગલગાટ ૧૦ સુપરહિટ ફિલ્મો આપી. એક એવી ગેરસમજ છે કે ફિલ્મના પોસ્ટર પર રાઈટરનું નામ પહેલી વાર લખાયું સલીમ – જાવેદનું. ખુદ જાવેદ સાહેબે ‘ખુલાસો કર્યો છે કે’ અમારી પહેલા પંડિત મુખરામ શર્માનું નામ પોસ્ટર પર છપાયું હતું. બી. આર. ચોપરાની ‘ધૂલ કા ફૂલ’ રિલીઝ થઈ ત્યારે ફિલ્મના પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે પંડિત મુખરામ શર્માની ‘ધૂલ કા ફૂલ.’
‘જંંજીર’ના પોસ્ટર વિશે સલીમસાબે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નિર્માતા – દિગ્દર્શક પ્રકાશ મેહરા તૈયાર ન થયા ત્યારે અમે (સલીમ – જાવેદ) એક પેઈન્ટરને લઈને નીકળ્યા અને રાતોરાત મુંબઈમાં અનેક ઠેકાણે પોસ્ટર્સ પર ‘લેખક સલીમ – જાવેદ’ એવું લખાવી દીધું હતું!
સફળતા, પ્રસિદ્ધિ મળે એ સાથે બીજી કેટલીક અણગમતી કે બિનજરૂરી વાતો પણ આવી જતી હોય છે. કશુંક એવું બન્યું (જેની અલગ અલગ કથા પ્રચલિત છે) અને એક દિવસ એવો આવ્યો કે સલીમ – જાવેદના છૂટાછેડા થયા. સલીમ ખાન અને જાવેદ અખ્તર સ્વતંત્રપણે કામ કરવા લાગ્યા. સ્વતંત્ર લેખક તરીકે સલીમ ખાનની પહેલી ફિલ્મ હતી મહેશ ભટ્ટની ‘નામ’. ત્યારબાદ મહેશ ભટ્ટ માટે જ એમણે ‘કબ્જા’ અને ‘જુર્મ’ પણ કરી. અમિતાભ બચ્ચન સાથે ‘તૂફાન’ અને ‘અકેલા’ સુધ્ધાં કરી.
બીજી તરફ, રાહુલ રવૈલની’બેતાબ’ સાથે જાવેદ અખ્તરે ચલ અકેલાનોશિરસ્તો અપનાવી લીધો. છૂટા પડ્યા પછી સલીમ ખાન અને જાવેદઅખ્તરની પ્રથમ ફિલ્મનેફાંકડી સફળતા મળી. જોકે, જોડી તરીકેનો જાદુ ઓસરી ગયો હતો. જાવેદ સાબની ફિલ્મોમાં ‘સાગર’, ‘મશાલ’, ‘અર્જુન’, ‘મેરી જંગ’,‘મૈં આઝાદ હૂં’ વગેરેને આવકાર મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે જાવેદ અખ્તર મૂળ કવિ જીવ. ઉર્દૂ ગઝલ અને નઝમના પ્રખ્યાત શાયર જાંનિસાર અખ્તરના પુત્ર એટલે વારસામાં કવિતા તત્વ તો મળ્યું જ હતું. લતા મંગેશકરના આગ્રહથી ૧૯૮૧માં ‘સિલસિલા’થી એમની ગીતકાર તરીકે સફર શરૂ થઈ, જે આજે પણ અવિરત ચાલુ છે.
તાજેતરમાં સલીમ – જાવેદ યોગ્ય મુહૂર્તમાં ફરી ભેગા થયા છે. ૧૯૭૩ની જેમ આજનો માનવી પણ ધૂંધવાયેલો છે, જેનાં કારણ ‘જંજીર’ વખતે હતા એ કરતાં ઘણા જુદાં છે. એ સમયે સલીમ – જાવેદને વિજયની આવશ્યકતા લાગી હતી એ જ રીતે આજે વિજયના બીજા કોઈ સ્વરૂપની જરૂરિયાત લાગી હશે
અને એટલે જ એ બન્ને વધુ એક
સહિયારું સાહસ કરવા તૈયાર થયા હોવા જોઈએ.
એકવીસમી સદીના ત્રીજા દાયકાના વિજયનું નવું સ્વરૂપ હિન્દી ફિલ્મ જગતમાં નવું વાતાવરણ તૈયાર કરવામાં નિમિત્ત બને એવી આશા રાખવી ખોટી તો નથી જ. હિન્દી ફિલ્મમાં ‘સારી સ્ટોરી’નાઅભાવની ફરિયાદ થયા જ કરે છે સો વેઇટ એન્ડ વોચ.