મેટિની

બોક્સ ઑફિસ પર‘સ્ત્રી સશક્તીકરણ’!

કલેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

ગયા શુક્રવારે આપણે ‘સ્ત્રી યુનિવર્સ’ની વાત કરી હતી અને આ યુનિવર્સની ફિલ્મ ‘સ્ત્રી -૨ ’એ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી દીધી છે. આપણી બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી Pre-Covid અને Post-Covid એમ બે યુગમાં વહેંચાઇ ગઈ છે અને ‘સ્ત્રી -૨’એ આ બંને યુગના ઈતિહાસમાં બમ્પર કમાણી કરવાનો રેકોર્ડ સર્જી દીધો છે.

‘સ્ત્રી-૨’ એ આ લખાય છે ત્યાં સુધી સાત દિવસમાં ૨૬૯.૨૦ કરોડ રૂપિયા કમાઈને બોક્સ ઓફિસને છલકાવી દીધી છે.

આવું કારનામું Post-Covid યુગમાં ફક્ત શાહરૂખ ખાનની ‘જવાન’ ફિલ્મે જ કરી દેખાડ્યું છે. અને હજી તો એક બીજું વિકેન્ડ અને સોમવારે જન્માષ્ટમીની રજા આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે એવામાં બોક્સ ઓફિસ પરનું આ ‘સ્ત્રી સશક્તિકરણ’ કમાણીને વધુ સશક્ત બનાવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

‘સ્ત્રી-૨’ ની સફળતામાંથી સિક્વલ્સ અને રિમેક્સ બનાવનારાઓએ મોટો ધડો લેવાની ખાસ જરૂર છે. સાઉથની ફિલ્મો હિન્દી બેલ્ટ અને આપણા મરાઠી-ગુજરાતી ઓડિયન્સને એટલા માટે અપીલ કરી રહી છે, કારણકે તેમાં વાર્તાની નવીનતા છે. સિક્વલ કદાચ તેની
હીટ ફિલ્મની વાર્તાને નવી રીતે આગળ વધારતી હશે, પરંતુ રિ-મેક્સ તો ખરેખર સમયનો બગાડ જ છે.

થોડા સમય પહેલાં ‘બાવર્ચી’ અને ‘આનંદ’ની રિ-મેક બનાવવાની વાત સાંભળી હતી. શું આ લોકો એમ માનતા હશે કે અમે ઋષિશીકેશ મુખરજીની એપિક કરતાં વધુ સારી કૃતિ બનાવીશું , જેથી આજની પેઢીને એ સરળતાથી સમજાય? એપિક એ એટલા માટે એપિક હોય છે , કારણ કે એ આજ-કાલની નહીં, પરંતુ તમામ પેઢીને એકસરખી આકર્ષિત કરી શકતી હોય છે.

નો હેલ્લો? તો બાય..બાય !
એક તરફ, બોક્સ ઓફિસ પર તો ‘સ્ત્રી’ એ ધમાલ મચાવી જ છે, પણ એક ફિલ્મ એવી છે જે હજી તો સેટ પર ગઈ ત્યાં વિવાદ હો ગયા! બન્યું એવું કે અજય દેવગણની સન ઓફ સરદાર’ની સિક્વલ બની રહી છે , જેનું નામ એજ છે પણ પાછળ ‘૨’ ઉમેરી દેવામાં આવ્યો છે.

આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થયું હતું.
ફિલ્મના મુખ્ય કલાકારોમાંથી એક હતા (એટલે હવે હતા એમ લખવું પડશે) વિજય રાજ. વિજય ભાઈ પોતાના તડ ને ફડ જેવા સ્વભાવ માટે જાણીતા છે, પણ એ લક્ઝુરિયસ સુવિધાઓના ચાહક છે એવું હમણાં ઊભા થયેલા વિવાદ પછી જાણવા મળ્યું.

‘સન ઓફ સરદાર- ૨’ ના શૂટિંગ પહેલાં જ ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકના કહેવા અનુસાર વિજય રાઝના રાજ ખુલવા લાગ્યા. પહેલાં તો એમણે જે હોટલમાં યુનિટ ઊતર્યું હતું ત્યાં સ્યુટની માંગણી કરી જે પાઠક એન્ડ ટીમે રિજેક્ટ કરી દીધી, કારણકે અજય દેવગણ સહિત તમામને સારી ‘સુવિધા’ ધરાવતા રૂમ્સમાં આપવામાં આવ્યા હતા.

કુમાર મંગતે એમ પણ કહ્યું કે વિજયે પોતાની ફી પણ વધારે પડતી માગી હતી, જે અમે ચર્ચા કરીને ઓછી કરાવી તો વિજયભાઈ પોતાની સાથે જે સ્પોટ બોય લઇ આવ્યા હતા એને એક દિવસના ૧૦ હજારથી ૨૦ હજાર રૂપિયા આપવાની માગણી કરી. પાઠકનું કહેવું હતું કે આટલા રૂપિયા તો મુંબઈમાં કોઈ કલાકારને પણ નથી આપવામાં આવતા તેમ છતાં રાઝની આ માગણી સ્વીકારી લેવામાં આવી..
આમ છતાં વિજય રાઝની માગણીઓ અને નખરા સહન ન થતા વિજય રાઝને ખસેડીને (તગેડી’ વાંચો! ) સંજય મિશ્રાને એની જગ્યાએ ગોઠવી દીધા હવે વિજય રાઝનું વર્ઝન જાણીએ તો એમણે એમ કહ્યું કે આટલાં વર્ષથી હું ઇન્ડસ્ટ્રીમાં છું તો આટલી ફી (જેની એમણે માંગણી કરી હતી) એટલી તો મળવી જ જોઈએને? પણ વિજયનો મોટો આરોપ એ હતો કે લંડનના શૂટિંગના પહેલા જ દિવસે જ્યારે એ સેટ પર પહોંચ્યા ત્યારે ટીમ મેમ્બર્સ અને અમુક કલાકારો એમને ઘેરી વળ્યા અને બધા એમની સાથે વાતે વળગ્યા. આથી એમનાથી થોડે જ દૂર ઊભેલા અજય દેવગણને પોતે ‘હાઈ-હેલ્લો’ ન કરી શક્યા અને એટલે એમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા!

આટલું ઓછું હોય તેમ પેલા સ્પોટ બોય જેને દર રોજના ૧૦ થી ૨૦ હજાર આપવાની વાત થઇ હતી એના પર લંડન હોટલના એક સ્ટાફે જાતીય સતામણીનો આરોપ મૂકી દીધો !

આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો આપણને નથી ખબર, પણ બંને તરફની દલીલોમાંથી કોની દલીલ વધુ મજબૂત છે એનો અંદાજ તો તમને જરૂર આવી ગયો હશે.

જીબ :
‘જોકર’ કહેવું ભારે પડ્યું.
વિવાદ ઘણીવાર ઊભો થઇ જતો હોય છે તો ઘણીવાર જાણી જોઇને ઊભો કરવામાં આવે છે.

તાજેતરમાં એક પોડકાસ્ટમાં અરશદ વારસીએ ‘કલ્કિ’ ફિલ્મ વિષે પોતાનું મંતવ્ય જણાવ્યું એમાં એણે સાઉથના સુપર સ્ટાર પ્રભાસને ‘જોકર’ કહી દીધો. બસ! વિવાદ શરૂ. આમ પણ ઉત્તર-દક્ષિણ ભારતની ફિલ્મો વચ્ચેની ટસલ બાહુબલી’ પછી વધી ગઈ છે અને એ આગમાં અરશદ વારસીએ ઘી નાખવાનું કામ કર્યું છે.

દક્ષિણના ઘણા અદાકારો અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓએ અરશદ વારસીને લબડધક્કે લીધો છે. આજકાલ સોશિયલ મીડિયા પર અરશદ જબરો ટ્રોલ થઈ રહ્યો છે. જો કે, જેમણે પણ ‘કલ્કિ’ ફિલ્મ જોઈ હશે તે કદાચ…ના, કદાચ નહીં ,પણ ચોક્ક્સ અરશદ વારસીના અવલોકન સાથે ૧૦૦ % સહમત થશે !
(અરશદનો ફોટો)
કટ એન્ડ ઓકે
આ પણ એક ગજબનું જોણું થયું છે. એક સ્ત્રી-શ્રદ્ધા કપૂરે પોતાની ફિલ્મ ‘સ્ત્રી- ૨’ દ્વારા મહારથી એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ‘ઈન્સ્ટાગ્રામ’ પર પાછળ છોડી દીધાં ‘સ્ત્રી- ૨’ની પ્રચંડ સફ્ળતા પછી શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યા વડા પ્રધાન કરતાંય વધી ગઈ!

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો