Social Mediaમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી છે તો જેલ જશો
મુંબઈ: લેખિતમાં, Email દ્વારા કે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓનું ગૌરવ ઓછું થાય, તેમના માનને ઠેસ પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ કરવો ગુનો ગણાય, એમ બોમ્બે હાઇ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું. ઉક્ત નિરીક્ષણ કરતા બોમ્બે હાઇ કોર્ટે એક યુવક વિરુદ્ધનો કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ એ.એસ.ગડકરી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ એક શખસે 2009માં તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 509(મહિલાની મર્યાદાનું ઉલ્લંઘન) નોંધાયેલા ગુનાને રદ કરવાની અરજીની સુનાવણી હાથ ધરી રહી હતી એ દરમિયાન તેમણે ઉક્ત ફેંસલો સંભળાવ્યો હતો.
આ પણ વાંચો: બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય
કેસની વિગત અનુસાર શખસે એક મહિલાને કથિત રીતે તેનું અપમાન કરતા ઇ-મેઇલ મોકલ્યા હતા. ફરિયાદી અને આરોપી બંને દક્ષિણ મુંબઈની એક જ સોસાયટીમાં રહે છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઇ-મેઇલમાં મહિલાના ચરિત્ર વિશે ખરાબ ટીપ્પણી કરવામાં આવી હતી અને એ ઇ-મેઇલ સોસાયટીના અન્ય સભ્યોને પણ મોકલવામાં આવ્યો હતો.
આરોપી શખસે પોતાની વિરુદ્ધ થયેલી એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) રદ કરવાની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 509 મુજબ મોંઢેથી કહેવાયેલા અપમાનજનક-અણછાજતા શબ્દોના આધારે જ ગુનો નોંધી શકાય અને સોશિયલ મીડિયા કે ઇ-મેઇલમાં લખેલા શબ્દોના આધારે ગુનો નોંધી ન શખાય. જોકે, હાઇ કોર્ટે આ દલીલ અમાન્ય કરી હતી અને નવી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખતા કોઇનું અપમાન ફક્ત વાતચીત કે શાબ્દિક દલીલ દરમિયાન જ નહીં, પરંતુ ઇ-મેઇલ કે લેખિત સ્વરૂપમાં પણ થઇ શકે એ વાતની નોંધ લીધી હતી. ફક્ત શબ્દો મોંઢેથી બોલાયા નહોતા અને લેખિતમાં હતા તેથી આરોપીને સજા આપ્યા વિના મુક્ત કરી ન શકાય, એમ હાઇ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું.