Suratમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘર પર પડી ક્રેન: રહીશોમાં ભયનો માહોલ
સુરત: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જ આ ઘટના સર્જાય હતી. ઘટનામાં ક્રેઈન ઊંઘી વળી જતાં મકાન પર પડ્યું હતું. જો કે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. પિલર પર સ્પાન બનાવવા માટે કામ કરતાં હાઇડ્રોલિક મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું. ક્રેન પર બધો વજન આવી જતા ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી અને તેની સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું.
આ ઘટનાથી આજુબાજુ રહેનારા લોકોમાં ભયનો માહોલ છે. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડતાં નીચે પાર્ક કરેલી ત્રણ જેટલી કાર દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો બંધ કરીને કામગીરી શરૂ કરી છે.