Badlapur Protest: ‘આંદોલન રાજકીય હોવાનું માને છે એ લોકો માનસિક અસ્થિર’: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શાળામાં બાળકીઓ સાથે જાતીય અત્યાચાર થયો હોવાની ઘટના બદલાપુરમાં બની ત્યાર બાદ થયેલું આંદોલન રાજકારણથી પ્રરિત હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૂક્યો હતો. જોકે આંદોલન પાછળ રાજકીય હેતુ હોવાના શિંદેના આરોપને ઉદ્ધવ ઠાકરેએ ફગાવ્યો હતો. ઉદ્ધવે આંદોલન રાજકીય હોવાનું કહેનારા માનસિક રીતે અસ્થિર હોવાની ટીકા પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આંદોલન રાજકીય હતું અને મોટાભાગના આંદોલનકારીઓ બહારથી લાવવામાં આવ્યા હતા. જોકે આ આરોપ ફગાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી દ્વારા 24મી ઓગસ્ટે બંધનું એલાન કરવામાં આવ્યું છે તેની પાછળ કોઇ રાજકીય હેતુ નથી. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિક રાખવામાં આવે એ માટે જાગરૂકતા ફેલાવવા માટે તેમ જ સરકારને ઊંઘમાંથી જગાડવા માટે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય
ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે જે લોકોને લાગે છે કે બદલાપુરના આંદોલન પાછળ રાજકારણ રમાયું હતું તે લોકો અથવા તો માનસિક રીતે અસ્થિર છે કે પછી તે ગુનેગારોના રક્ષક છે.
ઉદ્ધવે આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યા તેની પણ ટીકા કરી હતી. ઉદ્ધવે જણાવ્યું કે બદલાપુર આંદોલનને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લવાયેલી મુખ્ય પ્રધાનની લાડકી હેન યોજનાની જેમ ચગાવવામાં આવ્યું નહોતું. આ આંદોલન એ લોકોના ગુસ્સાનું પ્રતિબિંબ હતું.
ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ મોટાપાયે આંદોલન થયું હતું અને બદલાપુર સ્ટેશન ખાતે રેલ રોકો કરી કલાકો સુધી ટ્રેન વ્યવહારને રોકી રાખવામાં આવ્યો હતો. આંદોલન દરમિયાન અમુક અસામાજિક તત્વોએ હિંસા કરી ગાડીઓ અને બસોની તોડફોડ કરીને પોલીસ ઉપર પથ્થરમારો કર્યાની ઘટના પણ સામે આવી હતી.