મહારાષ્ટ્ર

અંતે સરકારે નમતું જોખ્યું, મહારાષ્ટ્ર સિવિલ સર્વિસ પરીક્ષા મોકૂફ રાખી

મુંબઈ: 25 ઓગસ્ટે યોજાનારી મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસીસ કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાની સ્પષ્ટતા મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા તારીખમાં ફેરફાર કરવા તેમજ અન્ય કેટલીક વધુ માંગણી કરવા માટે દબાણ કરવાના વિરોધને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે એમ એમપીએસસીએ જણાવ્યું હતું.

નોકરી મેળવવા ઉત્સુક અનેક લોકો એમપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ લોકો મંગળવાર રાતથી પુણેમાં અલગ તારીખની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમપીએસસીની પરીક્ષાની તારીખ કારકુની હોદ્દા માટે ભારતીય બેંકિંગ પર્સનલ સિલેકશન (આઇબીપીએસ) પરીક્ષા સાથે ટકરાતી હોવાની તેમની દલીલ હતી.

પરીક્ષા દ્વારા વધુ નોકરીઓ માટે ભરતી કરવામાં આવે એવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. એમપીએસસીએ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે ‘આજે (ગુરુવારે) મળેલી બેઠકમાં મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસીસ કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’
જોકે, વિરોધ કરી રહેલા ઉમેદવારોને આ જાહેરાતથી સંતોષ નથી. તેમણે કહ્યું હતું કે તેઓ કૃષિ વિભાગના 258 સ્થાનને નવીનતમ એમપીએસસી પ્રિલિમ્સના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાની તેમની મુખ્ય માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રાખશે.

અગાઉ એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે ઉમેદવારોનો પક્ષ લીધો હતો અને ચેતવણી આપી હતી કે જો સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ જશે તો પોતે આંદોલનમાં જોડાશે.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button