ટોપ ન્યૂઝમનોરંજનમહારાષ્ટ્ર

ગુજરાતી અભિનેત્રીનું મહારાષ્ટ્ર સરકાર તરફથી મહાસન્માન, આશા પારેખને એવોર્ડ અપાયો…

યશ રાવલ
મુંબઈ: ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પાડોશી જિલ્લા મહુવાના એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલી એક દીકરી હિન્દી સિનેમા જેને આજે બોલીવુડ તરીકે ઓળખાય છે તેમાં ડંકો વગાડશે અને સોનેરી શબ્દોમાં પોતાનું નામ લખાવશે તેવી ‘આશા’ તો કોને હોય? પરંતુ ‘આશા’ પારેખે આ આશા ફક્ત પૂરી જ ન કરી, પરંતુ હિન્દી સિનેમાની ઑલ ટાઇમ ગ્રેટ અભિનેત્રીઓમાં તેમની ગણના થાય છે.

જોકે, ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત આશા પારેખની યશકલગીમાં વધુ એક ઉમેરો થયો હતો. મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને ‘રાજ કપૂર લાઇફટાઇમ અચિવમેન્ટ એવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈમાં વરલી ખાતે એનએસસીઆઇ ડોમ ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા એવૉર્ડ વિતરણ સમારંભમાં રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવાર દ્વારા આશા પારેખને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આશા પારેખ ઉપરાંત ‘સીઆઇડી’ સિરિયલના એસીપી પ્રદ્યુમનના પાત્રથી ઘર-ઘરમાં જાણીતા થયેલા તેમ જ ‘વાસ્તવ’, ‘યશવંત’ જેવી અનેક ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયનો પરચો દેખાડનારા અભિનેતા શિવાજી સાટમને પણ ચિત્રપતિ વી.શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ એનાયત કરાયો હતો.

આ પણ વાંચો : આશા પારેખને નવાજાશે રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડથી

જ્યારે તમિળ, ગુજરાતી, નેપાળી, હિન્દી, મરાઠી જેવી વિવિધ ભાષાઓમાં લગભગ નવ હજારથી વધુ ગીતો ગાનારા અનુરાધા પૌડવાલને ‘ગીતસમ્રાજ્ઞી લતા મંગેશકર’ એવૉર્ડ અપાયો હતો.

‘તેઝાબ’, ‘અંકુશ’ જેવી સમાજ ઉપર છાપ છોડી જાય તેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનારા એન.ચંદ્રાના નામે જાણીતા ચંદ્રશેખર નાર્વેકરને પણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત
એક નૃત્ય સમારંભમાં જાણીતા ફિલ્મસર્જક બિમલ રોયની નજર આશા પારેખ પર પડી અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની ફિલ્મમાં પહેલો બ્રેક આપ્યો. ત્યાર બાદ ફક્ત 16 વર્ષની ઉંમરે તેમણે ‘ગુંજ ઊઠી શહેનાઇ’માં કામ કર્યું અને પછી તો ‘તીસરી મંઝિલ’, ‘કટી પતંગ’, ‘ઉપકાર’ જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ વિખેર્યો. તેમણે ચાર દાયકામાં 85 કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પદ્મશ્રી ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ પણ આ પહેલા એનાયત કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button