રેલવે લાઇન પર આત્મહત્યા કરનાર ગ્રેહામ થોર્પને અંજલિ આપતી વખતે કૅપ્ટન હુસેન રડ્યો

મૅન્ચેસ્ટર: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને બુધવારે ઇંગ્લૅન્ડની શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના આરંભ પહેલાં કૉમેન્ટરી બૉક્સમાંથી ભૂતપૂર્વ સાથી ખેલાડી ગ્રેહામ થોર્પને ભાવભરી અંજલિ આપી હતી. થોર્પને શ્રદ્ધાંજલિ આપતી વખતે હુસેન રડી પડ્યો હતો. એટલું જ નહીં, હુસેને થોર્પ સાથેના પોતાના અનુભવોની વાત કરતી વખતે તેની ભરપૂર પ્રશંસા કરી હતી.
ઇંગ્લૅન્ડનો બૅટર ગ્રેહામ થોર્પ સરે કાઉન્ટીના એશરમાં આ મહિનાની ચોથી તારીખે મૃત્યુ પામ્યો હતો. તે પંચાવન વર્ષનો હતો. તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. તે એ દિવસે એશરના લોકલ રેલવે સ્ટેશન નજીક ગયો હતો અને ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.
થોર્પ 1993થી 2005 દરમ્યાન 100 ટેસ્ટ અને 82 વન-ડે રમ્યો હતો. તેણે કુલ 16 સદીની મદદથી કુલ 9000-પ્લસ રન બનાવ્યા હતા.
નાસિર હુસેન કૉમેન્ટરી દરમ્યાન થોર્પ વિશે બોલતાં ભાવુક થઈ ગયો હતો. હુસેને ટીવી-દર્શકોને કહ્યું, ‘થોર્પ મારા શ્રેષ્ઠ સાથી ખેલાડીઓમાંનો એક હતો. તે પોતાની સબળાઈ અને નબળાઈ બહુ સારી રીતે જાણતો હતો. તેને કંઈ પણ કહેવાની જરૂર નહોતી પડતી, પોતાની જવાબદારી સારી રીતે સમજતો હતો. મને યાદ છે, તે ઘણી વાર પોતાની સામે પડેલા કેટલાક બૅટ વારાફરતી ઉપાડીને સરખામણી કરતો અને પોતે કયા બૅટથી સૌથી સારું રમી શકશે એની ભારે ચકાસણી કરતો અને પછી જ એક બૅટ પસંદ કરતો હતો.’
હુસેન ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હતો. તેણે થોર્પ વિશે એવું પણ કહ્યું કે ‘મને મારા સૌથી ખરાબ દિવસોમાં થોર્પની ઘણી મદદ મળી હતી. હું મુસીબતમાં જ્યારે પણ તેની મદદ માગતો ત્યારે તે મને સલાહ-સૂચન આપવા તેમ જ મારી ભૂલ બતાવવા તેમ જ મારો ઉત્સાહ વધારવા તૈયાર થઈ જતો હતો. મને દુ:ખ એ વાતનું છે કે તે જ્યારે તેના જીવનની અત્યંત મુશ્કેલીના સમયમાં હતો ત્યારે હું તેને કંઈ મદદ ન કરી શક્યો. આ વાતનો રંજ મને સદા રહેશે. હી વૉઝ અ ગ્રેટ પ્લેયર. મને બરાબર યાદ છે, એક વાર ઇંગ્લૅન્ડે 30 રનમાં બે વિકેટ ગુમાવેલી ત્યારે થોર્પે ટીમને મુસીબતમાંથી ઉગારી હતી. તેની આંખોમાં જોતાં જ ખબર પડી જતી હતી કે તે હરીફ ટીમને લડત આપવા માટે ઝનૂન સાથે કેટલો બધો તૈયાર છે. તે મજાનો માણસ હતો. તેની સાથે રમવામાં અને ઑફ ધ ફીલ્ડ ગપ્પા મારવામાં બહુ મજા આવતી હતી.’
Also Read –