નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ (Kolkata rape and murder case)અંગે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાતા પોલીસને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે અમે છેલ્લા 30 વર્ષમાં આવો કેસ જોયો નથી. સુપ્રીમ કોર્ટે CBIના સ્ટેટસ રિપોર્ટ અને કોલકાતા પોલીસના તપાસ રિપોર્ટ વચ્ચેના તફાવત પર પણ સવાલ ઉઠાવ્યા અને કોલકાતા પોલીસના વલણને શંકાસ્પદ ગણાવ્યું
જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે આ કેસમાં પોલીસ દ્વારા અનુસરવામાં આવેલી પ્રક્રિયા એવી નથી કે જે CrPC મુજબ હોય અથવા મેં મારા 30 વર્ષમાં જોયું હોય. શું એ વાત સાચી છે કે યુડી રિપોર્ટ બાદ પોસ્ટ મોર્ટમ થયું છે. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસની ભૂમિકા પણ ખૂબ જ શંકાસ્પદ છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIએ દાવો કર્યો છે કે ક્રાઈમ સ્પોટને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની આ દલીલનો પશ્ચિમ બંગાળ સરકારના વકીલે વિરોધ કર્યો હતો. સીબીઆઈએ કહ્યું કે અમારી સમસ્યા એ છે કે અમને ઘટનાના 5 દિવસ પછી તપાસ શરુ કરવા મળી.
CJIએ પૂછ્યું કે આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે. તેના પર સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે અમને રીપોર્ટ આપવામાં આવ્યો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ડોક્ટરો કામ પર પાછા નહીં ફરે તો તેમને ગેરહાજર ગણવામાં આવશે. કાયદો પોતાના હિસાબે કામ કરશે.
AIIMS ડોક્ટર્સ એસોસિએશને કહ્યું કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. CJIએ કહ્યું કે તમે ડ્યુટી પર પરત ફરો તો સારું છે, જો એવું નહીં કરો તો કાયદો પોતાનો માર્ગ અપનાવશે. અમે નિષ્ણાત સમિતિની રચના કરી છે. ડોક્ટરોએ ફરજમાં જોડાવવું જોઈએ, લોકો તેમની રાહ જોઈ રહ્યા છે.