‘આ યુદ્ધનો સમય નથી’ વડા પ્રધાન મોદીનો પોલેન્ડથી રશિયાને સંદેશ! જાણો બીજું શું કહ્યું…
વોર્સો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડ(PM Modi on Poland Visit)ની ઐતિહાસિક મુલાકાતે છે. પોલેન્ડની રાજધાની વોર્સો(Warsaw)માં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાને યુક્રેન(Ukraine)માં શાંતિ સ્થાપવા પર ભાર મુક્યો હતો. તેમની યુક્રેનની મુલાકાત પહેલાં તેમણે કહ્યું કે ભારત અસ્થિર ક્ષેત્રમાં શાંતિનો સમર્થક છે. તેમણે કહ્યું કે આ સમય યુદ્ધનો નથી, કોઈપણ સંઘર્ષને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે દાયકાઓથી ભારતની નીતિ તમામ દેશોથી અંતર જાળવવાની હતી. જોકે, આજના ભારતની નીતિ તમામ દેશોની નજીક રહેવાની છે.
વડા પ્રધાન મોદીએ કાગ્યું કે “કરુણાએ ભારતીયોની એક ઓળખ છે. જ્યારે પણ કોઈપણ દેશમાં કોઈ મુશ્કેલી આવે છે, ત્યારે ભારત મદદ કરવા માટે પહેલો દેશ હોય છે… જ્યારે કોવિડ આવ્યો, ત્યારે ભારતે કહ્યું માનવતા પહેલા… ભારત અન્ય દેશોના નાગરિકોને મદદ કરે છે. ભારત બુદ્ધની પરંપરામાં માને છે, તેથી યુદ્ધ નહીં શાંતિમાં માને છે… ભારત આ ક્ષેત્રમાં શાંતિનો હિમાયતી છે અને એ સ્પષ્ટ છે કે આ યુદ્ધનો સમય નથી. પડકારો સામે લડવા માટે આપણે સાથે રહેવાની જરૂર છે. ભારત મુત્સદ્દીગીરી અને સંવાદની હિમાયત કરે છે.”
વડા પ્રધાન મોદીનું નિવેદન તેમની યુક્રેનની મુલાકાત પહેલા આવ્યું છે. 1991માં યુક્રેન આઝાદ થયા બાદ કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ યુક્રેન મુલાકાત હશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે તેઓ યુક્રેનના નેતાઓને મળીને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગેના દ્રષ્ટિકોણ શેર કરશે.
નોંધનીય છે કે મોદીએ લગભગ છ અઠવાડિયા પહેલા રશિયા મુલાકતના લીધી હતી, એ સમયે યુએસ, યુક્રેન અને તેના કેટલાક પશ્ચિમી સહયોગી દેશોએ તેમની ટીકા કરી હતી, આવતી કાલે તેઓ યુક્રેનની મુલાકાત લેશે.