પુરુષ

બોલો, તમારા કેટલા મિત્ર છે/ કેટલા હોવા જોઈએ ને કેટલા ટકે છે?

સારા-સાચાં મિત્રોની સચોટ સોનોગ્રાફી

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આ ત્રણેય પ્રશ્ર્ન જરા પેચીદા છે.
મિ-ત્ર!
આ શબ્દ કાને પડતાં હૃદયના એક ખૂણે કશીક એવી અનુભૂતિ જાગે ,જેને તમે શબ્દોમાં વર્ણવી ન શકો.

હજુ હમણાં ૩૦ જુલાઈના ‘ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ -ડે ’ ઉજવાઈ ગયો. ગુજરાતીના આ બે અક્ષરના શબ્દ વિશે થોકબંધ-ટનબંધ લખાયું છે અને હજુ પણ એટલું બધું અવિરત લખાઈ રહ્યું છે કે એકલા આ બે અક્ષરના શબ્દ પર જ દળદાર શબ્દકોશ પણ સરજી શકાય!

માતાના ખોળામાંથી આપણે ‘આઝાદ’ થઈએ પછી આપણીથી સૌથી વધુ નજીક અને જેના પર મહત્તમ મદાર હોય એવી એકાદ કે બે વ્યક્તિ હોય છે, જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપણે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી છોડવા નથી ઈચ્છતા એ શખસને દુનિયા આખી દોસ્ત- યાર – મિત્ર કે ફ્રેન્ડ ઈત્યાદિ ઈત્યાદિ જેવા શબ્દોથી ઓળખે છે. આ શબ્દને કેન્દ્રમાં રાખીને અનેક યાદગાર વાર્તા-કવિતા-નાટકો લખાયાં -ભજવાયાં છે. ફિલ્મ -સિરિયલો રજૂ થઈ છે. જાનદાર મિત્ર જ્યારે જોરદાર શત્રુ બને કે દાની દુશ્મન દિલદાર દોસ્તમાં પલટાઈ જાય એવી તો અનેક કથા -અનેક ભાષામાં જાણીતી છે.

જોકે, આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના પ્રસાર-પ્રભાવને લીધે ફ્રેન્ડ-મિત્રની વ્યાખ્યા સમુળગી બદલાઈને વ્યાપક બની ગઈ છે. હાડમાંસના ખરા-વાસ્તવિક દોસ્તો કરતાં આપણી આસપાસ આભાસી મિત્રોની સંખ્યા વધુ છે.

સુપ્રસિદ્ધ કવિ- ડૉ. સુરેશ દલાલ એમની લાક્ષણિક શૈલીમાં દોસ્તની વ્યાખ્યા અ રીતે આપે છે : એ કહેતા કે આપણને જીવનમાં ત્રણેક પ્રકારના મિત્ર મળે, એમાંથી એક છે ‘થાળીમિત્ર’, જે માત્ર ખાતી-પીતી વખતે આપણી સમક્ષ પ્રગટે. કેટલાક ‘તાલીમિત્ર’ હોય છે, જે આપણી હાએ ‘હા’માં હા’નો સૂર પૂરાવે અર્થાત્ એ આપણને રાજી રાખવા ખુશામત કરે ને મિત્રનો ત્રીજો પ્રકાર છે ‘વનમાળી મિત્ર’, જે તમારી આસપાસ આનંદ- કિલ્લોલનો બગીચો ખડો કરીને કોઈને ખલેલ પાડ્યા વગર એમાં પ્રવેશે હવે સવાલ છે ‘કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલાં મિત્ર હોવા જોઈએ?’

થોડા સમય પહેલાં ‘ઓક્સફર્ડ યુનિવર્સિટી’ના પ્રોફેસર રોબિન ડનબારે એક તલસ્પર્શી સંશોધન કરીને રસપ્રદ તારણ કાઢું છે. પ્રો. ડનબાર કહે છે કે લોકો ભલે કહે કે મારે તો ઢગલાબંધ મિત્રો છે’, પણ કોઈ વ્યક્તિ ગમે તેટલી જાણીતી કે વિખ્યાત હોય તેમ છતાં માનવ મગજ-બ્રેન વધુમાં વધુ ૧૫૦ જ લોકોને મિત્ર તરીકે સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. બાકીના કહેવાતા મિત્રો મસ્તિષ્કની દ્રષ્ટિએ માત્ર ઓળખાણ-પિછાણ’ પૂરતા જ હોય છે!

અન્ય એક સંશોધન કહે છે કે આપણા જીવનકાળમાં આપણે માત્ર ૨૯ જ સાચા મિત્ર બનાવીએ છીએ અને તેમાંથી માત્ર ૬ સાથે જ લાંબાં સમય સુધી મિત્રતા ટકી રહે છે .
૨૦૦૦ લોકોની મુલાકાત પછી થયેલું બીજું એક સંશોધન કહે છે કે આપણે જે મિત્રો બનાવીએ છીએ તેમાંથી સમય વીતતા લગભગ ૫૦% લોકો સાથે આપણે સંપર્ક ગુમાવીએ છીએ.
મિત્રતા કેટલો સમય ચાલે છે?

આ સર્વે અનુસાર સરેરાશ મિત્રતા ૧૭ વર્ષ સુધી ચાલે છે. અલબત્ત, આમાં અપવાદરૂપ પણ છે. સર્વેક્ષણના ૧૭% પ્રતિસાદકારે કહ્યું કે એ લોકો ૩૦ વર્ષથી પણ લાંબા સમય સુધી શ્રેષ્ઠ મિત્ર ધરાવે છે!
*આમાંથી ૯૮% તરુણો કહે છે કે એમના એક અથવા એથી વધુ નજીકના મિત્રો છે.

* ૭૮% લોકો કહે છે કે એમના ૧ થી પાંચ નજીકના મિત્ર છે.

* ૨૦% પાસે ૬ અથવા વધુ નજીકના મિત્રો છે.
* માત્ર ૨% તરુણ -તરુણીઓ કહે છે કે એમની પાસે કોઈ એવું નથી, જેને એ નજીકના મિત્ર કહી શકે
હવે ધારી લો કે મનોવિજ્ઞાને-સંશોધને તો આપણને કહી દીધું કે કોઈ પણ વ્યક્તિ ૧૫૦થી વધુ દોસ્ત ધરાવી ન શકે તો સવાલ એ થાય કે મિત્ર કેવા હોવા જોઈએ ?

એનો જવાબ પણ કેટલાક ચુનંદા મનોવિજ્ઞાની-સમાજશાસ્ત્રીઓએ એમની રીતે આપ્યા છે. હા, એ બધા એક વાતથી સહમત છે કે માનવીનું માનસિક બંધારણ – એનો ઉછેર અને આસપાસના માહોલ પર એનાં કેવા પ્રકારના મિત્રો હશે એનો આધાર હોય છે. આને ધ્યાનમાં રાખીને પાંચેક પ્રકારની શ્રેણીના મિત્રો હોવા જોઈએ એવી સલાહ મનોનિષ્ણાતો આપે છે. અલબત્ત, આમાં થોડું ૧૯-૨૦ કે આગળ -પાછળ થઈ શકે. એ મિત્રોને આ રીતે શ્રેણીબદ્ધ ગોઠવી શકાય

સદાબહાર મિત્ર:
તમારી કભી ખુશી-કભી ગમ વખતે એક સાદે જે ખડો થઈ જાય. ક્લાકો સુધી એ તમારી વાત સાંભળે. કોઈ પણ જાતની એ ઊલટતપાસ ન કરે. તમે ખુશ હો તો એ તમારા કરતાં વધુ રાજીપો વ્યકત કરે. તમે કોઈ વાતે દુ:ખી હો તો એ રીતે લંગર નાખીને તમને ગમગીનીના દરિયામાંથી બહાર લઈ આવે.એની સાથે કોઈ કામ-ધંધા વગર પણ કલાકો વીતાવવાનું ગમે તેવો એ મિત્ર

પથદર્શક મિત્ર :
આવા દોસ્ત તમારા કરતાં વધુ અનુભવી હોય છે. સ્થિતિ-પરિસ્થિતિ કોઈ પણ હોય,પણ એની સલાહ અનુભવના નિચોડ જેવી હોય છે. આવનારા સમયમાં કેવા સંજોગ સર્જાઈ શકે એ આગોતરા પારખીને તમારી ખૂબી- ખામી અનુસાર આ મિત્ર તમારો અચ્છો માર્ગદર્શક પુરવાર થઈ શકે.

મિસ્ટર ધીરજકુમાર :
અમુક મિત્રને તમે આ નામે બોલાવી શકો,કારણ કે એ વધુ ઠરેલ અને ધીરગંભીર હોય છે. તમે અમુક સંજોગમાં સહારાના રણની જેમ ઉકળી પડો,પણ તમારો એ મિત્ર હિમાચ્છાદીત હિમાલય કરતાંય વધુ ઠંડોગાર રહે અને તમને રાખે પણ ખરો. એ બોકસિંગ પ્રેકટિશમાં વપરાતી પંચિંગ બેગ જેવા હોય છે. તમારો ઉકળાટ નીકળી જાય ત્યાં સુધી એ બધું શાંતિથી સાંભળી લે. વચ્ચે કયારેક એ એકાદ ભેદી સ્મિત પણ ફરકાવે અને છેલ્લે એ જે સલાહ કે સૂચન કરે એ મોટાભાગે સો ટચના સોના જેવું જ કિંમતી ને ઉપયોગી હોય છે.

અક્કલદાર યાર :
જે વર્ષોથી તમારા જીવનના વિભિન્ન તબક્કાથી પરિચિત હોય એવા કેટલાંક બુદ્ધિશાળી મિત્ર,જે તમારી સતત તમારી પીઠ પાછળ રહીને પોતાની કાબેલિયતથી તમારા પ્રશ્ર્નોના ઉકેલી દે અને આવી પરિસ્થિતિ ફરી સર્જાય તો શું કરવું એ પણ તમને પરોક્ષ રીતે શીખવે ટૂંકમાં આવા મિત્ર ‘શૂન્ય’ જેવા હોય છે, જે તમારી પાછળ રહીને તમારી કિંમત વધારતા રહે છે.

‘યાહૂ’ મિત્ર :
૧૯૫૦-૬૦ના દાયકાના શમ્મી કપૂરે એ જમાનાના અભિનેતાઓની સરખામણીમાં જે પ્રકારની સાવ જૂદી ભાતની ફિલ્મો કરી એટલે એ ‘રિબલ સ્ટાર’- ‘બળવાખોર’ તરીકે પંકાયા. આપણા પણ કોઈ કોઈ મિત્ર શમ્મી કપૂર જેવા ‘યાહૂ’ સ્ટાર હોય છે. (આજના જમાનામાં શાહરૂખ જેવા !) આવા દોસ્ત અને તમારા વચ્ચે સ્વભાવ- મિજાજનો ગજબનો વિરોધાભાસ હોય છે. એ હંમેશાં મારફાડના મિજાજમાં હોય છે. એનો લડાયક સ્વભાવ ક્યારેક મુશ્કેલી પણ
ઊભી કરે, છતાં મિત્રને એ એવા સચોટ
ઉકેલ દેખાડે કે તકલીફમાંથી અચૂક છૂટકારો મળે. શાંતિ-અમન’ની શુષ્ઠુ શુષ્ઠુ વાત કરતાં દોસ્તો વચ્ચે આવા એકાદ બળવાખોરની પણ જરૂર હોય છે, જે જરૂર પડે તો તમને પણ ‘લડવા’ માટે ઉશ્કેરે !
સો વાતની એક વાત, આવા ફાઈવ સ્ટાર જેવા જો ફ્રેન્ડ જો તમારી અડખે-પડખે હોય તો તમારી લાઈફ અચૂક ‘ઝિંગા લા લા’ બની જશે ! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો