અમેરિકામાં વિકૃત ડોક્ટર થયો જેલભેગોઃ સિંગલ હાર્ડ ડ્રાઈવમાંથી મળ્યા 13,000 વીડિયો અને…
વોશિંગ્ટન: અમેરિકામાં બાળકો અને મહિલાઓની સેંકડો નગ્ન તસવીરો ખેંચવા અને વીડિયો બનાવવાના આરોપમાં 40 વર્ષીય એક વિકૃત ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ઓમેર એજાઝની 8 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. એજાઝે બાથરૂમ, કપડાં બદલવાની જગ્યા, હોસ્પિટલના રૂમ અને પોતાના ઘરમાં અનેક જગ્યાઓ પર છૂપાવીને કેમેરા લગાવ્યા હતા. આ ડોક્ટર માનસિક રીતે કેટલો વિકૃત હશે કે તેની સિંગલ ડ્રાઈવમાંથી 13,000 વીડિયો મળ્યા છે.
તેણે બે વર્ષ સુધીના નાના બાળકોના ફોટોગ્રાફ્સ લીધા અને વીડિયો બનાવ્યા હતા. એજાઝની પત્નીને આ આપત્તિજનક સામગ્રી મળી હતી જેના પછી અધિકારીઓને તેના ગુનાઓ વિશે જાણ થઈ હતી. આ પહેલા તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો.
ઓકલેન્ડ કાઉન્ટી શેરિફે મંગળવારે જણાવ્યું હતું કે, ઘણી મહિલાઓ બેભાન હોય અથવા સૂઇ ગઇ હોય ત્યારે તેમની સાથે કથિત રીતે જાતીય સંબંધો બાંધ્યા હતા. શેરિફ માઈક બુચર્ડે કહ્યું કે આ તપાસમાં મહિનાઓ લાગશે.
અધિકારીઓને શંકા છે કે અનેક પીડિતો હોઈ શકે છે કારણ કે તપાસકર્તાઓ અમેરિકાના મિશિગન રાજ્યમાં ઓકલેન્ડ કાઉન્ટીના શહેર રોચેસ્ટર હિલ્સમાં ડૉક્ટરના ઘરે મળી આવેલા હજારો વીડિયોની સમીક્ષા કરી રહ્યા છે. એજાઝની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની સાથે જોડાયેલી જગ્યાઓ તપાસ માટે અનેક વોરંટ જાહેર કરવામાં આવ્યા છે.
બુચર્ડે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર, ફોન અને 15 અન્ય ડિવાઇસ મળી આવ્યા હતા અને માત્ર એક હાર્ડ ડ્રાઈવમાં 13,000 વીડિયો હતા. એજાઝ 2011માં વર્ક વિઝા પર ભારતથી અમેરિકા આવ્યો હતો. તે ભારતનો નાગરિક છે.
અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે ક્લાઉડ સ્ટોરેજમાં પણ વીડિયો અપલોડ કર્યા હશે. 13 ઓગસ્ટના રોજ એજાઝ પર બાળકોના જાતીય શોષણની એક ઘટના, એક નગ્ન વ્યક્તિની તસવીર ક્લિક કરવાના ચાર કેસ અને અપરાધ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાના પાંચ કેસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઉપરાંત એજાઝ પર અનેક આરોપ વર્ષ 2023માં ગોલ્ડફિશ સ્વિમિંગ ક્લબના ચેન્જિંગ રૂમની અંદ મહિલાઓ અને તેમના બાળકોની રેકોર્ડિંગ સાથે સંબંધિત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે હોસ્પિટલના રૂમની અંદર દર્દીઓ સાથે મારપીટ કરી હતી. હાલમાં તે એક કંપની સાથે કોન્ટ્રાક્ટ પર ફિઝિશિયન તરીકે કામ કરતો હતો, જે તેને અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલતી હતી.