બદલાપુરમાં વિરોધનો ભડકો સ્વયંભૂ જન આક્રોશ, શાળા ભાજપ નેતાની શિવસેના (યુબીટી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દાવાને રદિયો આપતાં કહ્યું હતું કે બદલાપુરમાં થયેલો જંગી વિરોધ અને આક્રોશ સ્વયંભૂ હતો.
દાનવેના પક્ષના સાથીદાર અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આરોપ લગાવ્યો કે બદલાપુરની જે શાળામાં સફાઈ કામદાર દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો તે ભાજપના નેતા સાથે સંકળાયેલી છે.
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા દાનવેની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ મુંબઈમાં રાજ્યના ડીજીપી રશ્મિ શુક્લાને મળ્યું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પગલાં લેવાની માગણી કરી હતી.
દાનવેએ ફરિયાદ કરી હતી કે મહિલાઓ વિરૂદ્ધ અપરાધ સાથે સંકળાયેલા કેસોમાં પોલીસ ત્વરિત પગલાં લેતી નથી.
(બદલાપુરમાં) વિરોધ સ્વયંભૂ હતો અને લોકોના ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તેમની (સરકારની) દ્રષ્ટિ અસ્પષ્ટ છે, તેથી લોકો તેમને યોગ્ય જવાબ આપશે એમ શિવસેના (યુબીટી)ના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: બદલાપુર સ્કૂલની ઘટના મુદ્દે પૂર્વ ગૃહ પ્રધાને સરકારને કરી આ માંગ
મુખ્ય પ્રધાને બદલાપુરમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનને રાજકીય રીતે પ્રેરિત અને સરકારને બદનામ કરવાનો હેતુ હોવાનો દાવો કર્યા પછી તેમની ટિપ્પણી આવી હતી. શિંદેએ એમ પણ કહ્યું હતું કે મોટાભાગના વિરોધીઓ બદલાપુરના રહેવાસી ન હતા.
દાનવેએ રાજ્ય સરકારની મહિલાઓ માટેની માસિક રોકડ ટ્રાન્સફર યોજના મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાને એક ‘શેમ’ ગણાવી હતી અને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે જો બદલાપુરની શાળા કોંગ્રેસ, એનસીપી (એસપી) અથવા શિવસેના (યુબીટી)ના નેતાઓ સાથે જોડાયેલી હોત તો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની ટોળકીએ શાળામાં ધરણા કર્યા હોત.