ઉત્તર ભારતમાં ફરી વરસાદ સક્રિયઃ ઉત્તરાખંડમાં નદીમાં પૂર, એકનું મોત
દેહરાદૂનઃ ઉત્તર ભારતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તરાખંડમાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યું હતું. જેના કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે અન્ય એક ગુમ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી સાંજે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે (એસઇઓસી) જણાવ્યું હતું કે 29 વર્ષીય મોટરસાઇકલ સવાર મનીષ સતી મંગળવારે મોડી સાંજે નૈનીતાલ જિલ્લાના કોટાબાગ વિસ્તારમાં વધતા પ્રવાહમાં તણાઇ ગયો હતો. એસડીઆરએફની ટીમે ઘણી મહેનત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મંગળવારે સાંજે અન્ય એક ઘટનામાં દેહરાદૂન જિલ્લાના પુરકુલ ગામમાં નદીના પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ તણાઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ એક વ્યક્તિને બચાવી લીધો, જ્યારે અન્ય વ્યક્તિ ગુમ થયો હતો.
આ પણ વાંચો : Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?
એસઈઓસીએ જણાવ્યું હતું કે ટિહરી જિલ્લાના ધુતૂ વિસ્તારના અડધા ડઝનથી વધુ ગામોમાં રાત્રે ભારે વરસાદને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને કેટલાક પ્રાણીઓના મોત થયા હતા. દેહરાદૂન સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો.
દેહરાદૂનના કૌલાગઢ, હાથી બડકલા, ગણેશ એન્ક્લેવ અને લખીબાગ જેવા સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગની ટીમોની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં નૈનીતાલના કાલાઢુંગી વિસ્તારમાં 110 મીમી, ચોરગલિયામાં 96 મીમી, હલ્દવાનીમાં 86 મિમી, ચમોલીના કર્ણપ્રયાગમાં 108 મીમી, ઉધમસિંહ નગર જિલ્લાના ગદરપુરમાં 70 મિમી, પિથૌરાગઢના તેજમમાં 90 મિમી વરસાદ નોંધાયો છે.