શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેના માર્ગમાં કરાશે ફેરબદલ, જાણો કારણ?
મુંબઈ: મહત્ત્વાકાંક્ષી એવા નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે પ્રોજેક્ટનો કોલ્હાપુર અને સાંગલીમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે એક્સ્પ્રેસ-વેનો માર્ગ બદલવાનો નિર્ણય એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા લેવામાં આવ્યો છે.
એમએસઆરડીસીએ સ્થાનિકો અને ખેડૂતોની સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. લગભગ 805 કિલોમીટર લાંબા આ એક્સ્પ્રેસ-વેની સંરચનામાં ફેરફાર કરવામાં આવનાર હોવાથી થોડા જ દિવસો પૂર્વે એમએસઆરડીસી દ્વારા પર્યાવરણ વિભાગની પરવાનગી મેળવવા માટે મોકલવામાં આવેલો પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
અક્સ્પ્રેસ-વેનો માર્ગ બદલાવાનો હોઇ નવો પ્રસ્તાવ તૈયાર કરવો પડે તેમ હોઇ એમએસઆરડીસીએ પર્યાવરણ વિભાગને મોકલાવેલો પ્રસ્તાવ પાછો ખેંચ્યો હતો.
નાગપુર-મુંબઈ સમૃદ્ધી એક્સ્પ્રેસ-વેના ધોરણે જ એમએસઆરડીસીએ નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે બાંધવાનો નિર્ણય લીધો હતો, જેની લંબાઇ લગભગ 805 કિલોમીટર લાંબી હશે. આ એક્સ્પ્રેસ-વે વિદર્ભ, મરાઠવાડા, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણ આ ચાર વિભાગને જોડશે. ધાર્મિક-તીર્થ સ્થળોને જોડનારો આ માર્ગ વર્ધા, યવતમાળ, હિંગોલી, નાંદેડ, પરભણી, લાતુર, બીડ, ઓસ્માનાબાદ, સોલાપુર, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પાત્રાદેવીને જોડશે.
કુલ 11 જિલ્લાઓને જોડનારોે આ એક્સ્પ્રેસ વે વર્ધા ખાતે સમૃદ્ધી એક્સ્પ્રેસ-વે સાથે પણ જોડાશે.
Also Read –