Badlapur child abuseઃ આરોપીનો કેસ નહીં લડવાની વકીલોની જાહેરાત, MVAએ કર્યું મહારાષ્ટ્ર બંધનું એલાન…
મુંબઈઃ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર બદલાપુર કેસ મામલે કલ્યાણ બાર એસોસિયેશને જાહેરાત કરી છે કે તેઓ આરોપી સંજય શિંદેનો કેસ લડશે નહીં. તમામ વકીલોએ એકસાથે સહમતી દર્શાવતા કહ્યું છે કે આટલી હલકી અને અમાનવીય હરકત કરનારા આરોપી તરફથી કોઈપણ કોર્ટમાં રજૂઆત કરશે નહીં. આવું ઘણા ઓછા કેસમાં બને છે જ્યારે વકીલો કોઈ આરોપીનો કેસ લડવાની ના પાડે. થોડા સમય પહેલા રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ બાર એસોસિયેશને પણ આરોપી તરફથી કેસ ન લડવાની જાહેરાત કરી હતી.
24મી મહારાષ્ટ્ર બંધની જાહેરાત
બદલાપુરની ઘટના બાદ રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. તમામ પક્ષ પોતપોતાની રીતે ઘટનાને વખોડવામાં કૂદી પડ્યા છે. થાણે જિલ્લો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હોવાથી રાજકારણ વધારે આક્રમક રીતે થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે. હવે મહાવિકાસ આઘાડીએ આ ઘટનાના વિરોધમાં 24મી ઑગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.
અગાઉ રાજ ઠાકરેએ ટ્વીટ કરી હતી કે તેમની મહિલા નેતાએ મુદ્દો બહાર લાવ્યો ત્યારે આવો જઘન્ય અપરાધ બહાર આવ્યો. તેમણે મુખ્ય પ્રધાન શિંદેને ટોણો મારતા એમ પણ કહ્યું કે જો તેમના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની આવી હાલત હોય તો મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં તો કેવી સ્થિતિ હશે.
રાજ ઠાકરેએ શિંદેની મહત્વાકાંક્ષી લાડકી બહેન યોજના મામલે પણ ટીકા કરતા કહ્યું છે કે જનતાના પૈસાથી બહેનો પૈસા આપવાના બહાને પોતાનું બ્રાન્ડીંગ કરો છો પણ બહેનને ન્યાય મળવામાં આટલો સમય લાગે તેનું શું, તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
ગઈકાલે બદલાપુર ખાતે લોકોનો રોષ ફાટ્યો હતો અને રેલ રોકો આંદોલન કર્યું હતું. રેલ વ્યવહાર ઠપ થયો હતો અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એસઆઈટી રચવાની વાત કરી હતી અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી.