Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)આજથી ત્રણ દિવસના વિધાનસભા સત્રની શરૂઆત થઇ છે. જે પૂર્વે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ટૂંકા સત્રનો વિરોધ નોંધાવ્યો છે. સત્રની શરૂઆત પૂર્વે વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ દેખાવો કર્યા હતા.
અમારા પ્રશ્નો કાઢી નખાયા
આ અંગે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદ્તના પ્રશ્નો લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા છે. કોંગ્રેસના સભ્યોએ પ્રજાના પ્રશ્નોને ચર્ચા અંગે માંગ કરી હતી. ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે.
જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
જ્યારે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સરકાર પર જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદત આપવામાં આવી નથી. આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે.
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું
તેમણે વધુમાં જણાવ્યું કે, આખુ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે.
ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય
રાજ્યમાં આજે આદિવાસી વિસ્તાર સહિત તમામ ગુજરાતમાં ખાનગીકરણ વધી રહ્યું છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી. 73 AAની જમીનોના કૌભાંડ આજે દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે. અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્રની બાબત હોય કે સિંચાઈની બાબત હોય કે ગુજરાતમાં દિવસ અને દિવસે વધતા મહિલા અત્યાચારની બાબત હોય, આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે અમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હતા પરંતુ ફક્ત ત્રણ દિવસની વિધાનસભાનું સત્ર બોલાવીને સરકારે આ તમામ પ્રશ્નોની દબાવવાનો કોશિશ કરી છે. આ ફક્ત વિપક્ષ સાથે જ નહિ પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય છે.