નેશનલ

કાર ખરીદવા ઈચ્છો છો? થોડી રાહ જુઓ, આ કંપનીની કાર્સ થઇ શકે છે સસ્તી

મુંબઈ: દસેરા અને દિવાળીના તહેવારોમાં તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. એક અહેવાલ મુજબ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India) તેના વિવિધ મોડેલના ભાવમાં ઘટાડો કરી શકે છે. 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય બજારમાં પેસેન્જર વિહિકલની માંગ અપેક્ષા કરતા ધીમી રહી હતી. ડીલર ઇન્વેન્ટરીઝને સરળ બનાવવા માટે કંપની ઉત્પાદનમાં એડજસ્ટમેન્ટ કરી રહી છે. કંપનીના બહુમતી શેરધારક સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) એ આ માહિતી આપી હતી.

SMC એ જણાવ્યું હતું કે, “અમે હાલમાં માર્કેટ સ્ટોક ઘટાડવા માટે ઉત્પાદનમાં એડજસ્ટમેન્ટ કરી રહ્યા છીએ અને માંગના વલણો પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આગામી તહેવારોની સિઝનમાં ભારત ક્રિટીકલ સમયગાળામાં હશે; તેથી અમે માંગના વલણો પર નજીકથી દેખરેખ રાખીશું.”

એહવાલ મુજબ મારુતિ સુઝુકીનું ઉત્પાદન 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 7.4 ટકા વધીને 4,96,000 યુનિટ થયું છે. આ જ સમયગાળા દરમિયાન, વેચાણ માત્ર 1.2 ટકા વધીને 4,27,000 યુનિટ રહ્યું હતું. ઓછા વેચાણને પગલે કપની અને ડિલર્સ પાસે કારનો સ્ટોક વધી રહ્યો છે.

ભારતમાં કારના વેચાણમાં મંદી વધી રહી છે, જેના પરિણામે ડીલર્સ પાસે સ્ટોક વધી રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA) એ છેલ્લા કેટલાક મહિનામાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ને બે પત્ર લખીને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

FADAના જણાવ્યા મુજબ, તેના સભ્યો પાસે કુલ મળીને અંદાજે 7,30,000 ન વેચાયેલા વાહનો છે જે બે મહિનાથી વધુના વેચાણને આવરી લેવા માટે પૂરતા છે. તેનાથી વિપરીત, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સનો અંદાજ છે કે ન વેચાયેલા વાહનોની સંખ્યા 4,00,000ની નજીક છે.

SMCએ જણાવ્યું હતું કે, “ભારતીય બજાર સામાન્ય રીતે બાકીના વર્ષ કરતા પ્રથમ ત્રિમાસિક ગાળામાં થોડું ધીમુ હોય છે, પરંતુ આ વર્ષે માંગ અપેક્ષા કરતાં ધીમી રહી છે, ખાસ કરીને લોકસભા ચૂંટણી અને પ્રતિકૂળ હવામાનને કારણે. જેમ જેમ ઇન્વેન્ટરીઝમાં વધારો થઇ રહ્યો છે, અમે એડજસ્ટમેન્ટ કરી રહ્યા છીએ…આ વર્ષે, તહેવારોની સીઝન ઓગસ્ટના અંતમાં શરૂ થાય છે, જે પાછલા વર્ષની સરખામણીએ થોડી વહેલી શરૂ થઇ રહી છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button