એન્જિનિયર યુવાને એ રીતે જીવ દીધો કે હૃદય કાંપી જાય, બેંગલુરુની ચોંકાવનારી ઘટના…
બેંગલુરુ : બેંગલુરુમાં(Bengaluru)એક સોફ્ટવેર એન્જિનિયરની આત્મ હત્યાનો હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 24 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર યાજ્ઞિકે હોટલના રૂમમાં હીલિયમ ગેસ ગળીને આત્મહત્યા કરી લીધી. આ આશાસ્પદ યુવક કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરનો રહેવાસી હતો અને વિપ્રો કંપનીમાં નોકરી કરતો હતો. આત્મ હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
યાજ્ઞિક છેલ્લા ચાર વર્ષથી વર્ક ફ્રોમ હોમ
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યાજ્ઞિક મૂળ કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરનો રહેવાસી હતો. તેણે બેંગલુરુની ઇલેક્ટ્રોનિક સિટીની એક હોટલમાં રૂમ બુક કર્યો હતો. યાજ્ઞિક છેલ્લા ચાર વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો હતો. તેમજ આ દરમ્યાન તે ઓફિસ બોલાવે ત્યારે મહિનામાં એક કે બે વાર બેંગલુરુના સરજાપુર વિસ્તારની ઓફિસમાં આવતો હતો.
વિચલિત કરી દેતું રૂમનું દ્રશ્ય
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું કે 16 ઓગસ્ટના રોજ યાજ્ઞિક હાસનથી એમ કહીને બેંગલુરુ જવા રવાના થયો કે તેને એમ.ટેકની પરીક્ષાની તૈયારી કરવી છે અને તે હોટલમાં રોકાશે. તેણે નીલાદ્રી રોડ પરની એક હોટલમાં રૂમ ભાડે લીધો હતો અને કહ્યું હતું કે તે 20 ઓગસ્ટે ચેક આઉટ કરશે. પરંતુ મંગળવારે જ્યારે તે તેના રૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે હોટેલ સ્ટાફે રૂમ ખોલાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. પછી માસ્ટર કીથી રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારે જોવા મળેલું દ્રશ્ય વિચલિત કરનારું હતું. યાજ્ઞિકનો ચહેરો કાળી પોલીથીનથી ઢંકાયેલો હતો અને પલંગની બાજુમાં રાખેલા નાના સિલિન્ડરની પાઇપ તેના મોઢાની અંદર હતી.
હિલીયમ ગેસ સિલિન્ડર અને પાઇપ લાવ્યો હતો
પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પુષ્ટિ કરી કે યાજ્ઞિકનું મોત હિલીયમ ગેસ ગળી જવાને કારણે થયું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોમવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે યાજ્ઞિક બેગ સાથે તેના રૂમમાં પ્રવેશ્યો હતો. આ થેલીમાં તે હિલીયમ ગેસનો નાનો સિલિન્ડર અને પાઇપ લાવ્યો હતો. પોલીસને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ પરિવારની પૂછપરછ કરી રહી છે.
આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો, તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)