Jay Shah: જય શાહ ઇતિહાસ રચી શકે છે! ICC માં મળી શકે છે મહત્વનું પદ
નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સેક્રેટરી જય શાહ(Jay Shah) ઈતિહાસ રચી શકે છે, એક અહેવાલ મુજબ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC ના ચેરપર્સનના પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, જો કાઉન્સીલની ચુંટણીમાં તેઓ જીતશે તો તેઓ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવશે.
ICC ના હાલના ચેરપર્સન ગ્રેગ બાર્કલ(Greg Barclay)એ ગઈ કાલે મંગળવારે જાહેર કર્યું હતું કે તેઓ 30 નવેમ્બરે તેમના બીજા કાર્યકાળના અંત બાદ ICC ચેરપર્સન પદ પરથી રાજીનામું આપશે, અને વધુ એક ટર્મ માટે ઉમેદવારી નહીં નોંધાવે. ત્યાર બાદ બીસીસીઆઈના સચિવ જય શાહ ભવિષ્યમાં આ પદ સંભાળે અટકળોને વેગ મળ્યો છે. જોકે આ અંગે BCCIએ કે જય શાહે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ICC ચેરપર્સન પદ માટે ઉમેદવારી નોંધાવવા અંગે જય શાહનો નિર્ણય 27 ઓગસ્ટ સુધીમાં જાહેર કરવામાં આવશે, 27મી ઓગસ્ટ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ICC ચેરપર્સન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પદ પર રહી શકે છે અને બાર્કલ આ પદ પર ચાર વર્ષ પૂરા કરી ચૂક્યા છે.
ICCએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું “આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ બોર્ડ સાથે પુષ્ટિ કરી છે કે તેઓ ત્રીજી મુદત માટે ઉમેદવારી નહીં નોંધાવે અને જ્યારે તેમનો વર્તમાન કાર્યકાળ નવેમ્બરના અંતમાં પૂર્ણ થશે ત્યારે તેઓ પદ પરથી હટી જશે. બાર્કલેને નવેમ્બર 2020માં સ્વતંત્ર આઈસીસી ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, 2022 માં તેઓ ફરીથી ચૂંટાયા.”
ICCએ જણવ્યું કે વર્તમાન ડાઈરેક્ટર્સ હવે આગામી ચેપર્સન પદ માટે 27 ઓગસ્ટ 2024 સુધીમાં ઉમેદાવરી નોંધાવી શકે છે અને જો એક કરતાં વધુ ઉમેદવારો હશે, તો 1 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થતા નવા અધ્યક્ષની મુદત માટે ચૂંટણી યોજવામાં આવશે.
ICCના નિયમો અનુસાર, ચૂંટણીમાં 16 મતોનો સમાવેશ થાય છે, અને જીતમાં માટે નવ મતોની બહુમતી (51%)ની જરૂર છે. અગાઉના નિયમો મુજબ બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી.
જય શાહ હાલમાં ICC ની ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ (F&CA) સબકમિટીના વડા છે, તેઓ ક્રિકેટ વહીવટમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક છે, અને તેઓ મોટાભાગના સભ્યો સાથે સારા સંબંધો ધરાવે છે.
માત્ર 35 વર્ષની ઉંમરે જય શાહ અત્યાર સુધીના સૌથી યુવા ICC ચેરપર્સન બની શકે છે. તેઓ ભૂતકાળમાં ICCનું નેતૃત્વ કરી ચૂકેલા ભારતીયોની યાદીમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહરની યાદીમાં પોતાનું નામ નોંધવી શકે છે.
Also Read –