નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશને તેમની માંગની એક યાદી જાહેર કરી છે. જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગ માટે ન્યાય અને સમાનતાની માંગ પણ સામેલ છે. દેશમાં દલિત અને આદિવાસી સંગઠનોએ મજબૂત પ્રતિનિધિત્વ અને સુરક્ષાની માંગ પણ કરી છે.
આ રાજ્યોમાં જોવા મળશે બંધની અસર
આ ભારત બંધની અસર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા , મધ્ય પ્રદેશ જેવા રાજયોમાં વધુ જોવા મળી શકે તેમ છે. જ્યારે રાજસ્થાનના આ બંધની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. જેના પગલે રાજસ્થાનમાં તમામ જિલ્લા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ તમામ એસપીને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા આદેશ આપ્યા છે. તેમજ પોલીસને બંધનું એલાન આપનારા સંગઠનના પ્રતિનિધીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરવા પણ જણાવ્યું છે.
રેલવે અને વીજળી જેવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેવાની શક્યતા
આ ઉપરાંત દેશમાં આ બંધનું એલાન આપનારા સંગઠને વેપારીઓને બજાર બંધ રાખવા આગ્રહ કર્યો છે. જો કે વેપારી સંગઠનો તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી . જો કે બંધના એલાનના પગલે ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોને અસર પડે તેવી સંભાવના છે. જો કે બંધના એલાન છતાં સરકારી ઓફિસ, બેંક, સ્કૂલ, કોલેજ અને પેટ્રોલ પંપ ચાલુ રહેશે. આ ઉપરાંત મેડિકલ, જાહેર પરિવહન, રેલવે અને વીજળી જેવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતનો આદિવાસી સમાજ બંધમાં જોડાશે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતમાં વર્ગીકરણના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓએ જોડાવાનો નિર્ણય લીધો છે.