આમચી મુંબઈ

કુરિયર દ્વારા મેફડ્રોન ખરીદનાર ૧૧૯ યુવાનની શોધઃ ૭૦ને ટ્રેસ કરવામાં સફળતા

મુંબઈ-પુણે: કુરિયર દ્વારા મેફેડ્રોન ખરીદનારા ૧૧૯ લોકોને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે સાત ટીમ બનાવી છે અને પોલીસ અત્યાર સુધીમાં ૭૦ લોકોને ટ્રેસ કરવામાં સફળ રહી છે. સંબંધિત યુવાનો ઉચ્ચ શિક્ષિત છે, જેમાંથી કેટલાક આઈટી કંપનીઓમાં કામ કરે છે. પોલીસે તેના ઘરે જઈને નોટિસ ફટકારી હતી. એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડને વિશ્રાંતવાડીના લોહગાંવ વિસ્તારના એક ફ્લેટમાં મેફેડ્રોનનો સ્ટોક હોવાની માહિતી મળી હતી.

એન્ટી નાર્કોટિક્સ સ્કવોડે છાપો પાડી રૂ. ૧ કરોડની કિંમતનો ૪૭૧ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યો હતો. આ કેસમાં શ્રીનિવાસ સંતોષ ગોડજે, રોહિત બેંડે, નિમિષ અબનાવેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કુરિયર દ્વારા તેમના ઘરે મેફેડ્રોન પહોંચાડ્યું હતું. તે પછી, પોલીસ ટીમે કુરિયર કંપનીના કર્મચારી વિશ્વનાથ કોનાપુરે (હાલમાં કાળેપદળ, હડપસર, મૂળ સોલાપુર)ની ધરપકડ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે નિમિષ અબનાવે પુણેમાં મેફેડ્રોન વેચાણ કેસનો માસ્ટરમાઇન્ડ હતો. પોલીસે અબનાવેની તપાસ કરી ત્યારે ગુજરાતનો મેફેડ્રોનનો દાણચોર મોહમ્મદ મર્ચન્ટે આ ડ્રગનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસની એક ટીમે ગુજરાતમાંથી મર્ચન્ટની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરાતા જાણવા મળ્યું કે આરોપીઓએ પુણે સહિત રાજ્યમાં તેમજ રાજ્યની બહાર ૧૧૯ લોકોને કુરિયર દ્વારા મેફેડ્રોનનું વેચાણ કર્યું હતું. પોલીસે ૭૦ લોકોના નામ અને સરનામા મેળવ્યા છે અને તેમને નોટિસ ફટકારી છે.

પોલીસની ટીમે તેમના ઘરે જઈ તેમના માતા-પિતાને જાણ કરી હતી. બાકીના ૪૯ લોકોની શોધ કરવામાં આવી રહી છે અને એન્ટિ-નાર્કોટિક્સ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉલ્હાસ કદમ તપાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button