ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ક્યારેક સાપ પણ મદારીને નચાવે!
નાગ – નાગણ વન્ય પ્રાણી હોવા ઉપરાંત સાહિત્ય અને ફિલ્મ – ટીવી સિરિયલના પાત્રો તરીકે પણ મશહૂર છે. પ્રકૃતિની ગોદમાં રમતા સાપ – નાગના ફુંફાડાથી માણસ ડરે જ્યારે શહેરમાં આ પ્રાણી મદારીની બીન પર ડોલે. જોકે, સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો એ ન્યાયે સાપે મદારીને નચાવ્યો હોય એવી ઉલટી ગંગા વહી છે. અમેરિકન રાજ્ય વર્જિનિયાના કેટલાક વિસ્તારમાં એક સાપના આરોહણને કારણે ૧૧ હજાર ૭૦૦ લોકો માટે શનિવારની રાત અમાસની રાત સાબિત થઈ હતી. વાત એમ હતી કે એક સાપ સરકતો સરકતો ઊંચાઈ પર વીજ પ્રવાહ કરતા હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો. અને રાતના સવા નવના ટકોરે અનેક ઘરમાં બત્તી ગુલ થઈ ગઈ. વાઈન – ડાઈન, ટીવી – બીવી વગેરે બધા પર અંધારું છવાઈ ગયું. સાપ ઝેર જ ઓકે એવું કોણે કીધું? અંધારું પણ ઓકી શકે, હેં ને! અલબત્ત વીજ અધિકારીઓએ કારણ શોધી કાઢ્યું અને રાત્રે સાડા દસે અજવાળું આવી ગયું. સવા કલાક સાપની બીન પર મદારી નાચે જેવો ખેલ થયો. રસપ્રદ વાત એ પણ છે કે વર્જિનિયામાં સાપની ૩૨ પ્રજાતિ વસે છે અને એમાંથી જ કોઈકે આ ખેલ કર્યો હતો.

ચલ તેરા ભી નહીં, મેરા ભી નહીં, તીન કિલો ફાઈનલ કર!
બીડીના વેચાણ માટે પ્રખ્યાત ઉત્તર પ્રદેશનું કનૌજ શહેર બટેટાને કારણે ગાજ્યું છે.‘જબ તક સમોસે મેં રહેગા આલુ, તેરા રહુંગા ઓહ મેરી શાલુ’ જેવા વાહિયાત ફિલ્મ ગીતમાં બટેટા પ્રેમનું પ્રતીક હતું તો કનૌજમાં લાંચના પૈસાનું પ્રતિનિધિત્વ બટાકાએ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અનુસાર સબ ઈન્સ્પેક્ટર રામકૃપાલ સિંહ ફોન પર કોઈ વ્યક્તિને ખખડાવતા સ્વરમાં કહેતો સંભળાય છે કે ’બાત તો પાંચ કિલો આલુ કી હુઈ થી.’ સામે છેડેથી આજીજીભર્યા અવાજે કહેવામાં આવે છે કે ’ધંધાપાણી સારા નથી ચાલી રહ્યા તો દો કિલો આલુ સે કામ ચલા લો.’ જીભાજોડી થાય છે અને પછી રામકૃપાલ જાણે કૃપા કરતા હોય એમ ફરમાવે છે કે ‘ચલ તેરા ભી નહીં, મેરા ભી નહીં, તીન કિલો ફાઈનલ કર.’ ઈશારો લાંચ લેવા અંગેનો છે એવું પ્રતીત થાય છે. વાત વાજતેગાજતે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સુધી પહોંચી અને રામકૃપાલ પર અવકૃપા થઈ અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. બટેટાની લાંચના રહસ્ય પરથી પડદો ઉઠાવી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ‘બટેટા તો કોડ વર્ડ તરીકે વપરાયો હતો’. મતલબ કે વાત ખણખણતા પૈસાની હતી.

ધનમ્ શરણમ્ ગચ્છામિ
બુદ્ધ, ધમ્મ્ અને સંઘ બૌદ્ધ ધર્મના ત્રિરત્ન તરીકે ઓળખાય છે અને ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ, ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ, સંઘમ્ શરણમ્ ગચ્છામિ’ શરણ લેવાની પ્રાર્થના છે. જોકે, ૨૯૦૦ વર્ષ પહેલાંના ઉપદેશનું આજે ૨૧મી સદીમાં ફીંડલું વળી ગયું હોવાનું પ્રસંગોપાત જોવા મળે છે. ચીનમાં એક વકીલ મહાશય સીધી ભગવાન સાથે જ છેતરપિંડી કરતા પકડાઈ ગયા છે. વકીલનું કામ છે પોતાના અસીલને ઉગારવાનું. આ મહાશય તો ભક્તો સાથે જ દગાબાજી કરતા હોવાનું જોવા મળ્યું છે. ‘બીજિંગ યુથ ડેઈલી’ અખબારે જણાવ્યા અનુસાર બૌદ્ધ મંદિરોમાં ભક્તજનો ડિજિટલ પેમેન્ટથી દાનપેટીમાં યથાશક્તિ અર્પણ કરતા હોય છે. વકીલ મહાશયે બુદ્ધની પ્રતિમાને વંદન કરતી વખતે મંદિરના ‘ક્યુઆર કોડ’ પર પોતાનો કોડ ચોંટાડી દીધો. પરિણામે ભક્તજનોના દાનની રકમ મંદિરના ખાતામાં જમા થવાને બદલે વકીલના ખાતામાં જવા લાગી. જોકે, સીસીટીવી ફૂટેજને કારણે પાપ પ્રકાશ્યું અને પોલીસે ગુનેગાર વકીલને તાબામાં લઈ લીધો. પોલીસની કરડાકી સામે વકીલે અલગ અલગ મંદિરોમાંથી આ ‘મોડસ ઓપરેન્ડી’થી ૩૦ હજાર યુઆન (આશરે સાડા ત્રણ લાખ રૂપિયા) ‘ચોરી લીધા’ હોવાની કબૂલાત કરી દીધી. કાયદાનો અભ્યાસ કરનારે જ કાયદાનો ભંગ કર્યો અને હદ તો એ વાતની છે કે ‘પૈસા સેરવી લેવા માટે બુદ્ધ ભગવાને પરમિશન આપી હતી’ એવી દલીલ (છેવટે વકીલ ખરો ને) તેણે કરી છે. બૌદ્ધ મંદિરમાં પ્રવેશી વકીલે ધમ્મનું નહીં, ધનનું શરણું લીધું. ચીનના બૌદ્ધ મંદિરોમાં દાનની રકમ ઓહિયાં કરી જવાના બનાવ આજકાલ છાસવારે બની રહ્યા છે.

ઈંડાં પર એક્સપાયરી ડેટ, બોલો!
એક સમય હતો જ્યારે એક્સપાયરી ડેટ (વપરાશ યોગ્યતાની અંતિમ તારીખ)નો સંબંધ મુખ્યત્વે મેડિસિન – દવા અને ખાદ્ય પદાર્થો સાથે જ રહેતો. સમયના વહેણ બદલાયા છે અને માનવીય સંબંધમાં હવે એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિ માંદગીના બિછાના પર લાંબો સમય હોય ત્યારે ‘એમની એક્સપાયરી ડેટ’ હવે નજીકમાં છે એવું એમના જ સગા – સંબંધીઓ છડેચોક બોલતા અચકાતા નથી. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સહિયારા પ્રદેશ તરીકે જાણીતા બલુચિસ્તાનની સરકારે તાજેતરમાં ખોરાકમાં વપરાતા ઈંડાં પર ’એક્સપાયરી ડેટ’ લખવાનો આદેશ હોલસેલ વેપારીઓ અને દુકાનદારોને આપ્યો છે. પ્રાણીનું ઈંડું સેવાય નહીં અને વેચાય ત્યારે જ એક જીવ એક્સપાયર થઈ જતો હોય છે અને હવે એ જ ઈંડા પર એક્સપાયરી ડેટ લખવાની વાત જીવનનો વિચિત્ર વિરોધાભાસ નથી? સરકારનો આ આશ્ર્ચર્યજનક નિર્ણય આરોગ્યને હાનિ પહોંચાડતા ખાદ્ય પદાર્થોની સ્વાસ્થ્ય પર પડી રહેલી અવળી અસરને અટકાવવા માટે લેવામાં આવ્યો છે. કલાપીની ‘જે પોષતું તે મારતું’ પંક્તિ યાદ આવી ગઈ ને!

નારી, તું નારાયણ
આપણી સંસ્કૃતિમાં જગતના મહાન પુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી કહેવાય છે. સંસ્કૃતના બહુ જાણીતા શ્ર્લોકમાં કહેવાયું છે કે જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. સમાજ અને સંસ્કૃતિને જીવંત રાખનાર નારી છે. જોકે, આ વાત સાથે આજના યુગમાં સહેલાઈથી સહમત થઈ શકાય એવું નથી. અલબત્ત વારતહેવારે ‘આજ કી નારી સબ પે ભારી’ જેવા બનાવો આપણી અદભુત પરંપરાની જ્યોત ટમટમતી રાખે છે. સોશિયલ મીડિયા પર અમદાવાદમાં ઍપ આધારિત ટેક્સી સર્વિસની એક મહિલા ડ્રાઈવરનો કિસ્સો જાણ્યા પછી ‘નારી, તું નારાયણ’ કહેવું જરૂરી લાગે છે. મહિલાનો પતિ ટેક્સી ચલાવી ગુજરાન કરતો હતો. આરોગ્યની સમસ્યાના કારણે ઘરની ચાર દીવાલો વચ્ચે બેસી રહેવાનો વારો આવ્યો. પરિણામે ઘર ચલાવવાની અને ટેક્સીના હપ્તા ભરવાની એક પર એક ફ્રીની જેમ બે સમસ્યા મોં ફાડીને ઊભી રહી. પત્નીએ પતિને હિંમત આપી અને ચાર દીવાલ વચ્ચેથી બહાર નીકળી અને સાઇકલ ચલાવતાય નહોતું આવડતું, પણ ટેક્સી ચલાવતા શીખી લાઇસન્સ મેળવી લીધું. નારી નારાયણ
બની ગઈ અને બધી આર્થિક જવાબદારી
ઉપાડી લીધી. ઘર પણ ચાલે છે અને
ટેક્સીના હપ્તા પણ ભરાઈ રહ્યા છે. પતિ – પત્ની સંસારના ગાડાના બે પૈડા સમાન ગણાય છે અને એકબીજાના સહકારથી સંસાર ચલાવવાનો ભાવાર્થ આવી મહિલા ઉજળો બનાવે છે.

લ્યો કરો વાત!
છૂટાછેડાના કેસમાં સામાન્યપણે અદાલતનો અભિગમ પતિ – પત્ની વચ્ચે સુલેહ કરાવી લગ્નજીવન ટકાવી રાખવાનો હોય છે. જોકે, તાઈવાનમાં કોર્ટે એક દંપતીના કેસમાં હાથ હેઠા મૂકી ડિવોર્સ પેપર પર થપ્પો મારી દીધો છે. ૨૦૧૪માં લગ્ન થયા અને ત્રણેક વર્ષમાં જ વાંકુ પડવાની શરૂઆત થઈ. વાત એ હદે વણસી ગઈ કે ૨૦૨૧માં પત્ની શારીરિક સંબંધ બાંધવા માટે કે વાત કરવી હોય એના માટે પણ ૧૫ અમેરિકન ડોલર ચાર્જ કરવા લાગી. છેલ્લા ત્રણ વર્ષથી વર – વધૂ વચ્ચે એક શબ્દની પણ આપ લે નથી થઈ અને બધો વ્યવહાર મોબાઈલ મેસેજથી ચાલી રહ્યો છે. પતિની ડિવોર્સ અરજી અદાલતે માન્ય કર્યા પછી ‘આવક બંધ’ના ભયથી પત્નીએ છૂટાછેડાના નિર્ણયનો વિરોધ કર્યો, પણ એની વાત કોર્ટે માન્ય નથી રાખી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button