ઈન્ટરવલ

બાંગ્લાદેશની બબાલ પાછળ કાંકરીચાળો અમેરિકાનો?

ભારતના રશિયા સાથેના વ્યાપારી સંબંધ જગત જમાદારને ખટકે છે!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

આજના યુગમાં સમગ્ર વિશ્ર્વને ચર્ચાને ચગડાળેે ચઢાવી દે એવી ઘટનાઓની ઘટમાળ તો જાણે ખૂબ ઝડપી બની ગઇ છે. બાંગ્લાદેશનો આંતરવિગ્રહ પણ આવી જ એક ઘટના છે. આ ભૂમિકા એટલે બાંધી રહ્યો છું કે કદાચ આજે આ વાત થોડી જૂની ભલે લાગે પરંતુ હજુ એનો અંતિમ ઉકેલ આવ્યો નથી, ઉપરાંત ભારત માટે આ મોટી ચિંતાનો વિષય તો છે જ!

આપણે એકંદર આર્થિક દૃષ્ટિએ જોઇએ તો, પશ્ર્ચિમના દેશોની તથાકથિત ચાઇના પ્લસ વન નીતિનો ભારતનેે ખરેખર તો કોઇ નોંધપાત્ર લાભ મળ્યો જ નથી. પાછલાં દસ વર્ષોમાં ભારતને નિકાસ અથવા એફડીઆઇ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ના સંદર્ભમાં કોઇ નોંધપાત્ર ફાયદો થયો નથી તે જોતાં, ભારત માટે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે.

કેટલાક વિશ્ર્લેષકો તો એવો સવાલ કરી રહ્યાં છે કે ક્યાંક પશ્ર્ચિમના દેશ આપણને એશિયાનું યુક્રેન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે કે શું? અમુક રાજકીય નિરીક્ષકો માને છે કે પાકિસ્તાન અને ચીન તમામ ધોરણે ઉધાડા શત્રુઓ છે, તો અમેરિકા અને પશ્ર્ચિમના દેશ પરદા પાછળથી ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.

આ છૂપા શત્રુઓ ભારતમાં ખાલિસ્તાન ચળવળને ઉત્તેજન આપે છે, કાશ્મીરનો મુદ્દો તો હજુ ઊભો જ છે અને હવે બાંગ્લાદેશના આંતરવિગ્રહને કારણે નવી ઉપાધિ સર્જાઇ છે. વાસ્તવમાં પશ્ર્ચિમના દેશોએ આ રીતે આપણને ત્રિપાંખિયા યુદ્ધની સંભાવના સામે ખડા કરી દીધાં છે. હવે તો રશિયાએ પણ એવું જાહેર કર્યું છે કે અમેરિકા ભારતની સરકારને ઉથલાવવા કાવતરું કરી રહ્યું છે. રશિયાના સરકારી પ્રસાર માધ્યમ સ્પૂતનિકના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

હવે આપણે એ જોઇએ કે અમેરિકાને શું વાંકું પડ્યું! અમેરિકાનું અર્થતંત્ર મંદી સામે ઝઝૂમી રહ્યું છે. તાજા જોબ ક્લેમ ડેટા જોતાં એવી રાહત મળી છે કે અમેરિકામાં મંદી નથી. જોકે, નિષ્ણાતો એવી ચેતવણી પણ આપી રહ્યાં છે કે મંદી ના હોવા છતાં અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે, એ એક હકીકત છે.

વાસ્તવમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ખાસ કરીને ક્રૂડ ઓઇલને કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે! અમેરિકા એવું ઇચ્છે છે કે ભારત ડાહ્યુડમરું બનીને અમેરિકન ફતવાને અનુસરી રશિયાનો વિરોધ કરે અને તેની ખિલાફ અમેરિકાએ લાદેલા પ્રતિબંધનું સમર્થન કરી તેની સાથેના વ્યાપારી વ્યહવારોને બ્રેક મારે!

જોકે, ભારત અમેરિકાનું પીઠ્ઠુ નથી અને એના પર એટલું અવલંબિત નથી કે સીધું શરણં ગચ્છામી કરી નાંખે! રશિયા દાયકાઓના દાયકાથી ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે અને ત્યાંથી સસ્તા ભાવે મળતા ક્રૂડ ઓઇલને કારણે અમેરિકા સહિતના પશ્ર્ચિમના દેશોના પેટમાં તેલ રેડાયું છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રૂડ ઓઇલ અત્યંત મહત્ત્વની ભૂમિકામાં છે, ભારત ૮૦ ટકા ક્રૂડ ઓઇલની બહારથી આયાત કરે છે અને વૈશ્ર્વિક ભાવની વધઘટ સામે રશિયાની સતત આવશ્યકતા રહે છે. ભારતને સાઉદી પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ઉપલબ્ધતા નથી.

અમેરિકાને ભારતને ફાઇટર પ્લેન એફ-૨૨ વેચવામાં વાંધો પડે છે, પરંતુ કંગાલ પાકિસ્તાનને એફ-૧૬ જેટ ભેટમાં અપાય છે. ચીન પ્લસ વનનો નારો લગાવતા પશ્ર્ચિમના દેશો પાસેથી ભારતને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ કોઇ લાભ નથી મળતા, પરંતુ આમ છતાં અમેરિકા ઇચ્છે છે કે આપણે રશિયા પાસે ના જવું જોઈએ.

જોકે, આ વખતે ભારતે નરોવા કુંજરવાની નીતિ અપનાવી રશિયાનો સાથ છોડ્યો નથી. અલબત્ત આપણું સદ્ભાગ્ય છે કે વર્તમાન નીતિ ઘડવૈયા સમજી રહ્યાં છે કે અમેરિકાની દોરવણીએના ચાલી રશિયા સાથેની મિત્રતા નિભાવવામાં આપણું જ હિત છે, રશિયાની લશ્કરી સહાય અને પીઠબળ ઉપરાંત ત્યાંથી મળતાં સસ્તા ક્રૂડ ઓઇલને કારણે અર્થતંત્રને ભરપૂર લાભ થઇ રહ્યો છે. ભારત આ બાબતે નમતું નથી જોખતું એટલે એને કઠે છે.

બસ આ જ કારણસર અમેરિકાના પેટમાં તેલ નહીં પણ ધગધગતું શીશુ રેડાયું છે અને તે ભારતને પાઠ ભણાવવા માગે છે. રાજકીય નિરીક્ષકો અનુસાર જે પણ દેશોએ અમેરિકાનો સાથ નથી આપ્યો તેઓ પસ્તાયા છે, યુક્રેન અને અફઘાનિસ્તાન મુખ્ય ઉદાહરણ છે. બહુ જલ્દી, ઇઝરાયલ પણ યુએસની મિત્રતાનો વાસ્તવિક પરિચય મેળવશે. જો કમલા અમેરિકી ચૂંટણી જીતે તો ઈઝરાયેલ માટે તે મોટો ફટકો ગણાશેે. અને જો ટ્રમ્પ જીતશે તો દુનિયાનું શું થશે તે કોઈને ખબર નથી. ચાઇના પ્લસ વનની વાત તરફ ફરી વળીએ તો આ વાત તો સાવ હંબગ લાગે છે.

રાજકીય નિરીક્ષકો અનુસાર ભારત સરકારને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને તેથી જ આ વર્ષના અર્થશાસ્ત્રના સર્વેમાં એક પ્રકરણ હતું, જેમાં સરકારને ચીન સાથેના વ્યવહાર અને વલણ અંગે ફરીથી વિચાર કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારને સીધા વિદેશી રોકાણ સંદર્ભે ચીની રોકાણ માટેના દરવાજા ખોલવા કહે છે. જોકે, આ જોખમી બાબત લાગે છે અને ચીન કઇ ભારત પર ઓળઘોળ થઇ જાય એવું માની ના શકાય!

અમેરિકા અને વિશ્ર્વની લોકશાહીઓ સામે ટક્કર લેવાનું ચીને મિશન બનાવી લીધું છે. ભારત લોકતંત્ર હોવા છતાં અન્ય લોકશાહી ધરાવતા દેશ ટેકો આપતા નથી. આપણે વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ, પરંતુ આપણો કટ્ટર દુશ્મન આપણી અર્થવ્યવસ્થાના કદ કરતાં પાંચ ગણો મોટો છે. ચીન પ્લસ વનથી ભારતને જે સ્તરનો લાભ મળવાનો હતો, તે હદ સુધી તેને પ્રમોટ કે ઉપયોગ કરવામાં આવ્યો નથી. અલબત્ત ચીનથી આયાત વધે તેનો કોઇ ઇલાજ નથી. ભારત ચીનથી આયાત ન કરે તો કદાચ તમારા અને મારા હાથમાં મોબાઇલ ફોન ન હોત!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો