કચ્છ

કચ્છમાં કરુણાંતિકા : ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળક પર થાંભલો પડતાં મોત

ભુજ: રક્ષાબંધનના પર્વ પર જ પશ્ચિમ કચ્છમાં ફરી વળેલા કાળચક્રમાં બે માસુમ બાળકો સહીત ચાર જેટલી માનવજિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. પ્રથમ કરુણાંતિકા ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે બનવા પામી હતી જેમાં અહીંની એક વાડીમાં બે થાંભલા વચ્ચે શ્રમજીવી પરિવારે બાંધેલાં કામચલાઉ ઘોડિયામાં રહેલા એક વર્ષ ત્રણ માસના બાળક પર લોખંડનો થાંભલો પડતાં ગંભીર રીતે ઘવાયેલા માસૂમનું કરુણ મોત નીપજ્યું હતું.

પધ્ધર પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બનડી ગામનો સુનીલ વીરસિંગ વસાવા અને તેની પત્ની ખેતમજૂરી અર્થે કુકમાના વાડી વિસ્તારમાં જિયાન અને પ્રિયાંક નામના બે બાળક સાથે રહે છે. નાનકડા જિયાન માટે તેમણે બે લોખંડના થાંભલામાં ઘોડિયું બાંધ્યું હતું. ગત સાંજના અરસામાં મૃતકનો મોટો ભાઈ દોરી ખેંચીને ઘોડિયાને ઝુલાવી રહ્યો હતો. આ દરમ્યાન અચાનક લોખંડનો થાંભલો બાળકના માથાં પર પડ્યો હતો અને જીવલેણ ઈજાઓ પહોંચવાથી નાનકડા જીવે તત્કાળ પ્રાણ છોડી દીધા હતા.

બીજો અપમૃત્યુનો બનાવ ભુજ તાલુકાના ભારાપરને બળદિયા સાથે જોડતા માર્ગ પર બનવા પામ્યો હતો જેમાં ભારાપરમાં રહેનારા રોહિત ભીમજી મહેશ્વરી નામના કિશોરે વડના ઝાડ પર લુંગી બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. માનકુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી જરૂરી તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : કલાતીર્થ દ્વારા 12 સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન

બીજી તરફ, પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના છસરા ગામનો હરેશ આચાર કોલી નામનો ૩૪ વર્ષનો યુવક ત્રણ રસ્તા નજીક આવેલા એક તળાવમાંથી ભેદી સંજોગોમાં મૃત અવસ્થામાં મળી આવતાં વાયોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. દરમ્યાન, બંદરીય મુંદરા તાલુકાના બોરાણા નજીક રસ્તાની વચ્ચે ઉભેલા ટ્રકની પાછળ છકડો ભટકાતાં તેમાં સવાર ચાર વર્ષના અશ્વિન મેરુ કોલીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ચાલક કાકા એવા દીપક સવરાજ કોલીને ઇજા પહોંચતાં સારવાર તળે રાખવામાં આવ્યા છે.

અકસ્માતની ઘટના અંગે મૃતક અશ્વિનના પિતા એવા ઝરપરાના રિક્ષા ચાલક મેરુ સામરા કોલીએ મુંદ્રા પોલીસને જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ દીપક સવરાજ કોલી તેમના પુત્ર અશ્વિનને દાદી પાસેથી લઇને બપોરના અરસામાં મોટા કપાયાથી ઝરપરા તરફ આવી રહ્યો હતો. આ દરમ્યાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં બોરાણા પાસે માર્ગની વચ્ચે જોખમી રીતે પાર્ક કરેલી ટ્રકની પાછળ છકડો રિક્ષા ભટકાતાં આગળ બેસાડવામાં આવેલા અશ્વિનને જીવલેણ ઈજાઓ પહોંચતાં બનાવ સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ઘવાયેલા દીપકને સારવાર તળે રખાયો છે. મુંદરા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button