એફઆઇઆરમાં વિલંબ?: એનસીપીસીઆર કરશે તપાસ
મુંબઈ: બદલાપુરમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મના મામલે પોલીસે એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધવામાં વિલંબ કર્યો હોવાના આરોપોની તપાસ માટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ(એનસીપીસીઆર)ની ટીમ થાણે જવા માટે નવી દિલ્હીથી રવાના કરવામાં આવી હતી.
આ ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા એનસીપીસીઆરના ચેરપર્સન પ્રિયાંક કાનુંગુએ સોશિયલ મીડિયા સાઇટ પર એનસીપીસીઆરની ટીમ આ ઘટનાની તપાસ કરશે, તેવી માહિતી આપી હતી. પોલીસે વાલીઓને ફરિયાદ નોંધવા માટે બાર કલાક રાહ શા માટે જોવડાવી તેવો સવાલ તેમણે પૂછ્યો હતો. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલાની તપાસનું હું પોતે નિરીક્ષણ કરીશ.
ઉલ્લેખનીય છે કે 17 ઓગસ્ટના રોજ પોલીસે થાણેની બદલાપુરના એક સફાઇકર્મીની ધરપકડ કરી હતી. આ સફાઇકર્મીએ શાળામાં અભ્યાસ કરતી સાડા ત્રણ અને ચાર વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવાયા મુજબ શાળાના ટોઇલેટમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બદલાપુરમાં બાળકી સાથે દુષ્કર્મઃ સરકારે SIT દ્વારા તપાસનો આપ્યો આદેશ
પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો(પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે બદલાપુર ખાતે લોકોએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને રેલ રોકો આંદોલન કર્યું હતું. બદલાપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણની ઘટના બની હોવાનું પણ સામે આવ્યું હતું. સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઇને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્ર્વાસન આપી કોર્ટને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની બાંહેધરી આપી હતી